આજથી ધો-10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ : 70,494 છાત્રો પરીક્ષા આપશે

વડોદરા : રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર  માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2022માં ધો-10 અને 12ની વાર્ષિક પરીક્ષા  આજથી શરૂ થઈ રહી છે ત્યારે વડોદરા શહેરમાં પણ ધો-10અને12ની લેખિત પરીક્ષાઓ આજથી શરૂ થઈ રહી છે. આજે પ્રથમ દિવસે સવારે  ધો- 10ના વિધાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે બપોર બાદ ધો 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના વિધાર્થીઓ પરીક્ષા આપશે.  બોર્ડની પરીક્ષા આપતા વિધાર્થીઓ તેમના વાલીઓ અને મિત્રો સાથે બેઠક વ્યવસ્થા જોવા માટે ઉમટી પડ્યા હતા.  દરેક શાળાઓ દ્વારા શાળાના  પ્રવેશદ્વાર પાસે બેઠક વ્યવસ્થા દર્શાવતું બોર્ડ મૂકી દેવામાં આવ્યું હતું.  કેટલીક શાળાઓમાં જ્યાં વન સંરક્ષકની પરિક્ષા હતી ત્યાં બપોરે ત્રણ  વાગ્યા બાદ બેઠક જોવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.  વિધાર્થીઓ ને ફક્ત તેમનો નંબર ક્યાં બ્લોકમાં છે તેની જાણ  થઈ હતી. પરંતુ ક્યાં ખંડમાં છે તે જોવા મળ્યું ન હતું. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા  દ્વારા તમામ સંલગ્ન વિભાગ સાથે સંકલન કરીને પરીક્ષાને લગતી તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે.   મોટાભાગની શાળાઓમાં પરીક્ષાના પ્રથમ દિવસે વિધાર્થીઓનું કુમકુમથી તિલક કરીને ગોળ ધાણા કે મીઠાઈ ખવડાવી સ્વાગત કરવામાં આવશે સાથે તેમનો ઉત્સાહ વધારવા બેન્ડ ની વ્યવસ્થા કરવામાં આવી છે.

જિલ્લા શિક્ષણ અધિકારી સહિત  પરીક્ષા સમિતિએ રવિવારે કેટલીક શાળાઓની મુલાકાત લઈને પરીક્ષાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ એમજીવીસીએલના અધિકારીઓ સાથે ચર્ચા કરી પરીક્ષા દરમિયાન  વીજ પ્રવાહ  ખોરવાય નહિ તેનું આયોજન કર્યું હતું તેમજ પોલીસ  સાથે સુરક્ષા વ્યવસ્થા સંબધિત વ્યવસ્થા નિહાળી હતી. દરેક પરીક્ષા કેન્દ્રો પર એક ઉચ્ચ અધિકારીની નિમણૂક કરાઈ છે તેમજ દરેક કેન્દ્રો નું સીસીટીવી કેમેરા દ્વારા લાઈવ મોનીટરીંગ કરવામાં આવશે.   ઘો- 10 માં 146 કેન્દ્રો પર  1584 બ્લોક માં 46,434 વિધાર્થીઓ પરીક્ષા આપશે. બપોર બાદ  ધો- 12 સામાન્ય પ્રવાહમાં 59કેન્દ્રો ના 533 બ્લોકસમાં 17, 525  વિધાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ઘો-12 વિજ્ઞાન પ્રવાહમાં 36 કેન્દ્રોના 330 બ્લોકમાં 6,535 વિધાર્થીઓ પરીક્ષા આપશે. આમ કુલ 70,494 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.  વિધાર્થીઓએ અડધો કલાક પહેલા પરીક્ષા ખંડમાં આવી જવું પડશે. વિદ્યુત બોર્ડ વિદ્યાલય ખાતે જિલ્લા કલેકટર  વિધાર્થીઓને આવકારશે ઉપરાંત કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને અમી રાવત પણ વિધાર્થીઓને આવકારશે.

Most Popular

To Top