Comments

સરકારની સાથે રહો તો બધા જ નિર્ણયમાં સાથે રહો

ધર્મ, ધીરજ, સ્ત્રી અને મિત્રની ખરી કસોટી આપત્તિકાળમાં થાય છે. દેશ માટે આતંકવાદી હુમલો કે યુદ્ધની સ્થિતિ એ આપત્તિકાળ છે. નાગરિકોની ખરી પરીક્ષા આ આપત્તિકાળમાં  થાય છે. જો ભારત-પાકિસ્તાનના તણાવ સમયે આપણે જાહેર કરીએ કે હું સરકાર સાથે છું તો પછી સરકારના તમામ નિર્ણયની સાથે રહેવું. તે યુદ્ધ કરે તો પણ અને ન કરે તો પણ! પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને નિર્દોષ હિન્દુઓને મોતને ઘાટ ઊતાર્યાં પછી સમગ્ર દેશમાં રોષ હતો. આતંકવાદીઓ અને તેમને રક્ષણ આપનારા પર સરકાર કડક પગલાં લે તેવો ઉશ્કેરાટ પણ હતો.

આપત્તિના સમયમાં વિપક્ષ સંયમથી વર્ત્યું અને સમાચાર માધ્યમોએ નર્યા નાટકવેડા કરી અપરિપકવતાનાં દર્શન કરાવ્યાં ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા ભારતીય સેનાએ લક્ષ્યકેન્દ્ર હુમલો કર્યો અને આતંકવાદીઓના ઠેકાણાંનો નાશ કર્યો. પાકિસ્તાનમાં પણ કેટલાક આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં સ્થાનકો પર જ હુમલા કર્યા. નાગરિક વિસ્તારો પર હુમલા નથી કર્યા. સેના તેના નિયમથી જ કામ કરે છે. ભારતીય સેનાએ ખૂબ સંયમથી મર્મભેદી કામ કર્યું. પણ કેટલાક લોકો આને પણ રાજનીતિમાં ઘસડી લાવ્યા. પૂર્ણ યુદ્ધનો કિસ્સો શરૂ કરી દીધો. સરકારના સાવચેતી અને નાગરિક જાણકારીના પગલાનો આ ‘તક સાધુ’ લોકોએ ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું. પણ ‘યુદ્ધ’ પોળનાં છોકરાં લડે એ રીતે ન થાય!

આતંકવાદી હુમલા પછી વિપક્ષે કહ્યું કે અમે સરકારના તમામ પગલામાં સાથે છીએ. દેશભરમાં લોકોએ કહ્યું કે અમે સરકારની સાથે છીએ. સરકાર લશ્કરી પગલાં લે અને જે સ્થિતિ સર્જાય તે બધા માટે અમે તૈયાર છીએ. સરકારે લશ્કર સાથે યોજનાબદ્ધ પગલાં લીધાં અને મોટા યુદ્ધની અપેક્ષા સામે વેળાસર સીઝફાયરનો નિર્ણય કર્યો. હવે ઘણાને નથી ગમતું. પાકિસ્તાનને બતાવી જ આપવાનું હતું. અખંડ ભારતનું નિર્માણ કરી જ દેવાનું હતું! વગેરે… વગેરે. ઘણાને તો હજુ એમ છે કે યુદ્ધ તો થશે જ! આ તો અલ્પવિરામ છે. વગેરે. પણ શા માટે યુદ્ધ જ શા માટે! સરકારે કર્યું હોત તો સારું હતું. નથી કર્યું તો ઘણું સારું કર્યું. યુદ્ધ… ખાસ તો પાકિસ્તાનને બતાવી આપવા, ધૂળ ચાટતું કરવા થનગનતા કોઇને ખરેખર યુદ્ધમાં જવાનું નથી. પાકિસ્તાન સાથે મોટા પાયે યુદ્ધ થાય તો ખરું નુકસાન ભારતને જ થાય!

કારણ કે પાકિસ્તાનને ગુમાવવાનું કશું છે જ નહીં! ન ઉદ્યોગ વિકસ્યા છે.  વેપાર,… શિક્ષણ હોય કે સમાજ પાકિસ્તાન સાવ કંગાળ છે. જરા વિચારો, પહેલગામમાં ચોવીસ નાગરિકો આપણે ગુમાવ્યાં. લશ્કરના અને બી.એસ.એફ.ના જવાનો આપણે ગુમાવ્યા. પાકિસ્તાને જે ગુમાવ્યું તે તો આતંકવાદી હતા કે આતંકવાદ સાથે સંકળાયેલા લોકો હતા. પાંચ મોટાં શહેરોમાં ધંધાપાણી બંધ થયા તો નુકસાન આપણને છે! એરપોર્ટ બંધ રહ્યાં, વિદેશી પ્રવાસીઓ યુદ્ધ સ્થિતિને કારણે ભારત આવવાનું ટાળશે તો નુકસાન ભારતને છે! પાકિસ્તાનને ન ટૂરીઝમ, ન વાણિજય, ન વેપાર… કશામાં ગુમાવવાનું નથી. પેલી કહેવત છે ને સો માણસો ભેગા થઇને પણ જેણે કપડાં જ નથી પહેર્યાં એને લૂંટી શકાતાં નથી!

યુદ્ધ નથી થયું તો પણ સારું થયું! ખરી વાત તો છે દેશમાં એકતા અને શાંતિ જાળવી રાખવા એના પર અમેરિકાની વેપારી સરકારને ભારત સાથે પણ મિત્રતા જાળવવી છે પણ પાકિસ્તાન તેનું જૂનું ઘરાક છે. ગ્રાહકનાં હિતોને સાચવવાની જૂની જવાબદારીને કારણે જ અમેરિકાએ પાકિસ્તાનને બરબાદ થતાં અટકાવ્યું છે. યુદ્ધ અટકાવવામાં અટકવાનું ભારતને હજુ ટ્રમ્પે ભારતને મનાવ્યું હશે! પાકિસ્તાનને અટકાવવાનું નહીં બચાવવાનું હતું! આ વાત આપણે યાદ રાખવાની છે. રહી વાત કેટલાક પ્રશ્નોની. વિપક્ષ સમય આવ્યું સરકારને પૂછશે જ કે યુદ્ધવિરામની જાહેરાત ભારત સરકારના બદલે અમેરિકાથી ટ્રમ્પે કેમ કરી! પહેલગામ હુમલાના ત્રાસવાદીઓનું શું થયું!

છેલ્લે એક વાત એ પણ કે યુદ્ધ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ પોતાનો ધંધો પોતાના લાભ શોધતાં લોકોથી સાવચેત રહે. ‘ઓપરેશન સિંદૂર’ જાહેર થયું તે ભેગા જ તેના પર ફિલ્મ બનાવી કરોડો કમાઈ લેવાની ઘણાને લાલચ જાગી. પોતાના ડાયરામાં, ગીતોમાં, ફિલ્મોમાં આ સ્થિતિનો લાભ-લઇ હાંકારા પડકાર કરી પાકિસ્તાન માટેની મેળ-માથા વગરની રમૂજો કરી કમાણી કરનારાને નફરત કરવાનો સમય આવી ગયો છે. આખી યુદ્ધની સ્થિતિનું રાજકારણ કરી લશ્કરના પરક્રમનો યશ પોતાના માથે લઇ સૂત્રો, બેનરો, યાત્રાઓ, પ્રવચનો દ્વારા પ્રજાને મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેકારી જેવા પ્રશ્નોથી ભ્રમિત કરનારાથી બચવાનો સમય આવી ગયો છે.

ગુજરાતમાં કમોસમી માવઠાએ ખેડૂતોની ખેતીને કરોડોનું નુકસાન કર્યું છે. જો હિન્દુઓની ચિંતા થતી હોય તો આ ખેડૂતોની ચિંતા પણ થવી જોઈએ! આ કુદરતની ‘સ્ટ્રાઈક’ છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાતના ખેડૂતને રડાવે છે. આપણને તેમની પણ ચિંતા થવી જોઈએ. યુદ્ધની ચર્ચા ઉન્માદમાં તે નજરઅંદાજ ન કરાય. ‘જય જવાન જય કિસાન’માં કિસાન પણ છે. ભારત માતાનો સપૂત છે તે પણ આપણી ચિંતા-ચર્ચાનો વિષય હોવો જોઈએ. 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top