Columns

પોતાનાં મૂળ, લોકો બંધાયેલા રહો

ધનતેરસને દિવસે નવું ઝાડુ લેવાનું, નાનકડું ઝાડુ પૂજામાં મુકવાનું આ બધા માન્યતા અને પરંપરાનું ઘણા ઘરોમાં પાલન થાય છે. પૂજા પણ પોતાના ઘર માટે નવું ઝાડું અને સરસ રીતે બાંધેલું નાનકડું ઝાડુ લઈને આવી અને પૂજાની તૈયારી શરુ કરી. પૂજાના કોલેજમાં ભણતા દીકરા ઉત્સવે મજાકમાં પૂછ્યું, ‘મમ્મી, આ શું આજે વળી ઝાડુની પૂજા કરીશ?’ પૂજાએ તેને પરંપરા અને મહત્વ સમજાવ્યું અને પછી કહ્યું, ‘દીકરા, સારું થયું તે આજે આ પ્રશ્ન પૂછ્યો. તું મને કહે આ ઝાડુનો ઉપયોગ શેને માટે થાય છે? ઉત્સવે કહ્યું, ‘મમ્મી કચરો વાળવા, સાફ સફાઈ રાખવા.’

પૂજા બોલી, ‘બરાબર સફાઈ જીવનમાં બહુ જરૂરી છે અને તેને માટે ઝાડુ જરૂરી છે એટલે તે ઘરમાં રોજ વપરાતી અને ઉપયોગી વસ્તુ છે. આ ઝાડુમાં એક એક સળી બરાબર ગોઠવીને સજ્જડ બાંધવામાં આવે ત્યારે સાથે મળીને તે સફાઈ કરી શકે છે, કચરો વાળવાનું કામ બરાબર કરે છે’પછી પૂજાએ જુના તૂટેલા ઝાડુ તરફ આંગળી ચીંધતા બોલી, ‘ઉત્સવ આ જુનું ઝાડુ જો… જ્યારે આ બંધન ખુલી જાય કે છૂટી જાય ત્યારે કચરો સાફ કરતું ઝાડુ પોતે કચરો બની જાય છે અને પોતે જે કામ માટે બન્યું હતું તે કામ કરી શકતું નથી. ઝાડુની આ બંને અવસ્થા આપણને અને ખાસ કરીને તમને યુવાનોને એક પાઠ સમજાવે છે.’

ઉત્સવ વળી હસ્યો અને બોલ્યો, ‘મમ્મી તે આજે ઝાડુની પૂજા કરી, હવે તેની વાહ વાહ કરી રહી છે ઝાડુ વળી બધું સાફ રાખવાનું એમ સમજાવશે બીજું શું?’ પૂજા ઉભી થઈને ઉત્સવનો કાન પકડ્યો અને બોલી, ‘મમ્મીની સાથે મજાક કરે છે… મને ખબર છે તમને આજકાલના મોર્ડન યુવાનોને મમ્મી – પપ્પાની દરેક વાત મજાક અને સલાહ સૂચન લાગે છે.અમે મોટાઓ અને ઘરના કઈ કહીએ તો કચકચ લાગે છે તમને બધાને બસ પોતાની મસ્તીમાં મુક્ત થઈને જીવવું છે કોઈ સબંધો અને જવાબદારી ના બંધનો ગમતા નથી.

એટલે જ આ ઝાડુ તમને એક પાઠ સમજાવે છે કે જો તમે તમારી પરંપરા સાથે, ધર્મ સાથે, તમારા મૂળ સાથે, તમારા કુટુંબ અને સ્વજનો સાથે બંધાયેલા રહેશો તો તમે હંમેશા ઉપયોગી બની રહેશો જીવનમાં જે કરવા માંગશો તે કરી શકશો અને જો આ બધા બંધનો તોડીને દુર ભાગવાનો પ્રયત્ન કરશો તો સાવ એકલા અને નકામાં થઈ જશો થોડા દિવસ મુક્ત મસ્તી ગમશે પણ પછી તમારું અસ્તિત્વ ગુમાવી બેસશો.’ મમ્મીની વાત સાંભળી ઉત્સવ વિચારમાં પડ્યો. થોડીવાર વિચાર્યા બાદ બોલ્યો, ‘મોમ તારી વાત સાચી છે. ચલ હું પણ તારી સાથે ઝાડુની પૂજા કરીશ અને તે જે કહ્યું અને સમજાવ્યું તે મારા મિત્રોને પણ સમજાવીશ કે પોતાના મૂળ અને પોતાના લોકો સાથે બંધાયેલા રહેવામાં જ સમજદારી છે.’   
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top