6 મહિના પહેલા લગ્ન કરી વિદાય કરેલી દીકરી નીના રડતી રડતી આવી. દીકરીને રડતી આવેલી જોઇને ઘરના બધા ચિંતામાં પડી ગયા. મમ્મીએ પાણી આપીને પૂછ્યું, ‘શું થયું દીકરા? જમાઈરાજ જોડે ઝઘડો થયો કે શું? નીના રડતાં રડતાં બોલી, ‘ના મમ્મી નિહાર તો બહુ જ સારા છે પણ મમ્મી ઘરના બધા અને સગાવ્હાલાઓનું વર્તન બરાબર નથી. નવી વહુ જાણે પરીક્ષા લેવાનું અને વખોડવાનું સાધન હોઉં તેમ દરેક જણ મારી ખામી અને ભૂલ જ શોધે છે.’ મમ્મી બોલી, ‘હશે એવું બધું તો બધી નવી વહુ જોડે થાય ચાલ્યા કરે.’ નીના જરા ચિડાઈને બોલી, ‘મમ્મી તારે માટે કહેવું સહેલું છે.
મારે રોજ સહન કરવું પડે છે. રોજ મારી સાથે પારકું વર્તન થાય છે. મને કોઈ હજી ઘરની વ્યક્તિ સમજતું જ નથી. હું આવું તો વાત કરતા બંધ થઈ જાય, હું કઈ મારી વાત કહું તો સાંભળી ન હોય તેમ અવગણના કરે. મારી નાની નણંદ બહાર ફરવા જાય અને હું કહું હું પણ ફ્રી છું હું પણ સાથે આવું તો કોઈ ને કોઈ બહાને મને સાથે ન લઇ જાય. મારા સાસુ મોટી નણંદ સાથે ફોનમાં મારી બુરાય જ કરતા હોય છે. હંમેશા મારા વાંક જ ગણાવતા રહે છે. જાણે હું તેમને પસંદ જ નથી. હંમેશા એમ કહે કે આ તો નિહારે પસંદ કરી લીધી હતી એટલે આપણે સ્વીકારવી પડી વહુ તરીકે. મમ્મી આ બધું ઘરમાં રહીને હું સાંભળું છું. હું ઝઘડો નથી કરવા માંગતી પણ દિલમાં દુઃખ થાય તો તમારી પાસે રડી પણ ન શકું?’
મોટી ભાભીએ કોફીનો મગ હાથમાં આપ્યો અને કહ્યું, ‘ચોક્કસ દુઃખ થાય નીના. જો તારે મનનો ભાર હળવો કરવા રડવું હોય તો રડી લે પણ કઈ આખી જિંદગી રડી થોડું શકાશે? હું તને બીજો રસ્તો બતાવું. હા, ઝઘડા કરીને તારા અને નિહારભાઈના સબંધમાં કડવાશ આવે તેવું કઈ ન કરીશ. બધાને કઈ તરત પોતાના કરી શકતા નથી. એટલે શરૂઆતમાં સાસરે થોડું પારકું બધાને જ લાગે તે તો સ્વાભાવિક છે પણ તું શું કામ સતત કાન સરવા રાખીને કોણ તારું શું ખરાબ બોલે છે તે સાંભળે છે, તેમ કરવાથી તને જ દુઃખ થશે. એના કરતા તું તારી જાતને કોઈ ને કોઈ કામમાં, કોઈ હોબીમાં વ્યસ્ત રાખ. વાંચન કર, નવું કૈંક શીખ, નિહારભાઈને કામમાં મદદ કર. બસ વ્યસ્ત રહે. એટલે કોણ ખરાબ બોલે છે, કોણ અવગણના કરે છે, કોણ નાપસંદ કરે છે તે જોવાનો – જાણવાનો તને સમય જ ન રહે. તારું કામ તારી ઓળખ બનશે. તારા મનને આનંદ અને સંતોષ આપશે. નવરાશ હશે તો કોણ શું બોલે છે અને કોણ શું કરે છે જેવી નકામી પ્રવૃત્તિ પર ધ્યાન જશે, પણ વ્યસ્ત રહીશ તો આવા કોઈ વિચારો જ મગજમાં નહિ આવે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે