Columns

દુષ્ટથી દૂર રહો

એક નદી કિનારે એક વીંછી અને એક કરચલો રહેતા હતા.આમ તો ઝેરીલા વીંછીથી બધા દૂર ભાગે કોઈ તેની સાથે વાત ન કરે …પણ બાજુ બાજુમાં રહેવાથી …રોજ સામસામે થવાથી ધીમે ધીમે વીંછી અને કરાચલા વચ્ચે દોસ્તી થઇ ગઈ.વીંછી ક્યારેય કરચલાને નુકસાન પહોચાડતો નહિ. કરચલો રોજ સવાર સાંજ નદીના કિનારે પાણીમાં તરતો મજા કરતો…..વીંછી આ જોતો પણ તે પાણીમાં તરી શકતો ન હોવાથી કરચલા જેવો આનંદ ન મેળવી શકતો.એક દિવસ કરચલો પાણીમાં તરીને બહાર આવ્યો ત્યારે વીંછીએ કહ્યું,”મિત્ર,તને પાણીમાં તરતાં જોઇને મને ખુબ આનંદ થાય છે અને સાથે સાથે તારી ઈર્ષ્યા પણ થાય છે.આનંદ એ વાતનો થાય છે કે પાણીમાં તરીને મારા મિત્ર તને કેટલી મજા આવતી હશે અને ઈર્ષ્યા એ વાતની થાય છે કે હું તારા જેટલો ભાગ્યશાળી નથી કે સરસ ઠંડા પાણીમાં મજા કરી શકું…તરી શકું અને આનંદ મેળવી શકું”

એક દિવસ વીંછીએ કરચલાને વિનંતી કરી ,”દોસ્ત મને તારી પીઠ પર બેસાડીને એકવાર પાણીમાં મજા કરાવ.” કરચલાએ કહ્યું,”તને તરતાં નથી આવડતું તું પાણીમાં ડૂબી જઈશ.”વીંછીએ કહ્યું,”હું તારી પીઠ ને બરાબર પકડી રાખીશ તો નહિ ડૂબી જાઉં.”કરચલો વિચારમાં પડી ગયો …તેણે હા ન પાડી …… વીંછીએ પૂછ્યું,”કેમ દોસ્ત મને સાથે લઇ જવામાં કોઈ મુશ્કેલી છે?” કરચલાએ પોતાના મનની વાત કહી દીધી,”દોસ્ત ખરાબ ન લગાડતો પણ હું તને પીઠ પર બેસાડીને પાણીમાં મજા તો હમણાં કરાવી દઉં પણ તું તારો સ્વભાવ નહિ છોડે અને તારી પકડમાં આવેલી મારી પીઠ પર ડંખ મારી મારા માટે જાનનું જોખમ ઉભું કરી દઈશ.”

વીંછીએ કહ્યું,”અરે દોસ્ત હું કઈ એટલો મુર્ખ છું કે તું મને પાણીમાં મજા કરાવે અને હું પોતે તારી પીઠ પર બેઠો હોઉં છતાં તને ડંખ મારું…” વીંછીની વાત સાંભળી કરચલાને તેની વાત પર ભરોસો બેઠો તેણે વીંછીને પોતાની પીઠ પર બેસાડ્યો અને તરવાનું શરૂ કર્યું વીંછીએ કરચલાની પીઠને બરાબર પકડી લીધી અને થોડીવારમાં સ્વભાવ પ્રમાણે પકડમાં આવેલી પીઠમાં પોતાનો ઝેરીલો ડંખ મારી દીધો.કરચલાને અસહ્ય પીડા થઇ …પણ હવે મોડું થઇ ગયું હતુ ..તે ઝેરની અસરથી બેચેન થઇ પાણીમાં ડૂબવા લાગ્યો તેથી વીંછી પણ ડૂબવા લાગ્યો.દુષ્ટની સાથે રેહવાથી કરચલાએ પોતાના પ્રાણ ગુમાવ્યા.દુષ્ટથી દૂર રહેવું જ સારુ.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top