Business

ડિપ્રેશનથી દૂર રહો

શાળા કે કોલેજના વિદ્યાર્થીઓ પરીક્ષામાં નિષ્ફળતા, મનગમતી કારકિર્દી ન મળવી, અથવા નાની નાની બાબતોને કારણે ડિપ્રેશનમાં આવી પોતાનું જીવન ટૂંકાવી દે છે. ક્યારેક તો મોબાઈલના ઉપયોગ જેવી સામાન્ય બાબતો પણ જીવલેણ બની જાય છે. આ માત્ર વ્યક્તિગત સમસ્યા નથી, પરંતુ આખા સમાજ માટે ચિંતાજનક સ્થિતિ છે.આ પરિસ્થિતિના મૂળમાં જઈએ તો સમજાય છે કે આજની પેઢી સફળતા તો ઈચ્છે છે, પરંતુ નિષ્ફળતાને સ્વીકારવાની તૈયારી નથી. “નિષ્ફળતા એ સફળતાની ચાવી છે” — આ સત્યને આપણે સમજાવતાં તો છીએ, પરંતુ જીવનમાં ઉતારતાં નથી. આમાં માતા-પિતાની ભૂમિકા પણ મહત્વપૂર્ણ છે.

સંતાનોને નાનપણથી જ દરેક માંગ પૂરી કરવાની ટેવ પાડવાથી તેઓ મુશ્કેલીઓને સહન કરવાની શક્તિ ગુમાવે છે. પરંતુ માત્ર પરિવાર જ નહીં, આજના સમયમાં સોશિયલ મીડિયા, પિયર પ્રેશર અને તુલનાની વૃત્તિ પણ ડિપ્રેશન વધારવામાં મોટો ફાળો આપે છે. બીજાની સફળતા જોઈને પોતાની જાતને નાપાસ ગણવાની માનસિકતા યુવાનોને અંદરથી ખાઈ જાય છે. એકલતા અને વાતચીતનો અભાવ આ સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. આ સમસ્યાનો ઉકેલ માત્ર સમજણમાં નથી, પરંતુ અમલમાં છે.

બાળકોને નાનપણથી જ મહેનત, ધૈર્ય, સકારાત્મકતા અને પરિસ્થિતિ સ્વીકારવાની શક્તિ શીખવવી જોઈએ. માતા-પિતાએ સંતાનો સાથે મિત્રતાપૂર્વકનો સંવાદ રાખવો જોઈએ, જેથી તેઓ પોતાની સમસ્યાઓ ખુલ્લેઆમ શેર કરી શકે. શાળાઓ અને કોલેજોમાં કાઉન્સેલિંગ અને માનસિક આરોગ્ય અંગે જાગૃતિ વધારવી પણ સમયની જરૂર છે. સૌથી મહત્વની વાત એ છે કે જીવનમાં સારા અને ખરાબ બંને પ્રસંગો આવે છે — અને આ બંનેને સ્વીકારીને આગળ વધવું જ સાચી સફળતા છે. એક નિષ્ફળતા જીવનનો અંત નથી, પરંતુ નવી શરૂઆત કરવાની તક છે.
સુરત     – સીમા પરીખ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top