ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઇ અને તેમાંથી એક વાત સામે આવી રહી છે કે કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થયો છે. ભાજપે જે રીતે મહેનત કરી હતી એ રીતે પરિણામો મેળવ્યાં છે, પરંતુ કોંગ્રેસ જાણે કોઇ પ્રકારે સ્પર્ધામાં હતી જ નહીં એવું પ્રતીત થયું.
ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સાથે સરખામણી કરીએ તો આ વખતે કોંગ્રેસનું પ્રદર્શન વધારે કથળ્યું છે. પહેલાં તમામ મહાનગરપાલિકાઓમાં હાર અને ત્યાર બાદ નગરપાલિકાઓની સાથે સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પણ ભારતની સૌથી જૂની પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો છે.
કોંગ્રેસની હાર પાછળ એક જ કારણ છે અને રાજનીતિના જાણકારો એ તરફ ઘણી વખત કોંગ્રેસનાં નેતાઓનું ધ્યાન દોરતાં આવ્યા છે. મોટા ગજાનાં પત્રકારોએ પણ કોંગ્રેસને વખતે વખતે કોંગ્રેસની નબળાઇઓ વિશે જાણ કરી છે, તે છતાં કોંગ્રેસના નેતાઓ માનવા તૈયાર જ નથી. અત્યાર સુધી દરેક હાર બાદ ઇવીએમ પર ઠીકરો ફોડીને પોતાની જવાબદારીમાંથી છટકી જતી કોંગ્રેસને આ વખતે જો કે, કોઇ બહાનું મળ્યું નથી.
પાર્ટીના નેતાઓ હવે પોતાની જવાબદારીઓ છોડવા માટે તૈયાર થઇ ગયા છે. મહાનગરપાલિકાઓમાં હાર એ કોંગ્રેસ માટે નવી નથી, પરંતુ ગામડાંનાં મતદારો જે અત્યાર સુધી કોંગ્રેસની સાથે હતાં તેઓ પણ હવે ભાજપ તરફ મતદાન કરવા લાગ્યા છે. એકલદોકલ એવી નગરપાલિકા છે, જ્યાં કોંગ્રેસ લડવામાં સફળ થઇ છે, પરંતુ જીત મળી શકી નથી. કોંગ્રેસની નેતાગીરીએ હવે જાણે હથિયાર મૂકી દીધાં હોય એવું પ્રતીત થાય છે.
મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય તમામ મુદ્દાઓ પર કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ પ્રજા સાથ નથી આપી રહી. એવું પણ નથી કે કોંગ્રેસ એકદમ ચૂપ બેઠી છે કારણ કે સમય સમય પર પરેશ ધાનાણી અને અમિત ચાવડા વિવિધ પ્રશ્નો પર પ્રજાની સાથે ઊભા દેખાય છે પરંતુ ઉમેદવારોની પસંદગી આજે પણ કોંગ્રેસ માટે એક કોયડો છે.
કોંગ્રેસનાં ઉમેદવારોની પસંદગી જીત માટે થાય છે કે માત્ર ઔપચારિકતા પૂર્ણ કરવા એ સમજવું અઘરું છે. મહાનગરપાલિકા ચૂંટણીમાં હાર બાદ જે રીતે કોંગ્રેસની નેતાગીરી પર ગુસ્સો સામે આવ્યો હતો એ જોતાં ક્યાંક એવું લાગે કે કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીમાં કોઇક મોટું કૌભાંડ છે જે હાઇકમાન્ડ સુધી પહોંચી શકતું નથી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી મામલે મેચ ફિક્સિંગના કિસ્સાઓ જૂના છે.
આ ઉપરાંત કોંગ્રેસનાં ઉમેદવારો જીત્યા બાદ પ્રજા સાથે દ્રોહ કરીને બીજી પાર્ટીમાં જતા રહેવાની છાપને લીધે પણ કોંગ્રેસને મોટું નુકસાન થયું છે. કોંગ્રેસ ઉમેદવાર પર મતદાર વિશ્વાસ કરી શકતો નથી તો કેટલીક જગ્યાએ કોંગ્રેસ જીતશે જ નહીં એવી છાપ પણ પડી ગઇ છે અને તેથી કોંગ્રેસનાં ટેકેદાર મતદારો મતદાનથી દૂર થતાં હોય એવું પણ સામે આવી રહ્યું છે.
ખેર, હવે જ્યારે પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ હારની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું છે ત્યારે કોંગ્રેસની કમાન હવે કોના હાથમાં આપવી એ મોટું સંકટ છે. હાર્દિક પટેલ પર કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા મોટી જવાબદારી આપવામાં આવી હતી પરંતુ હવે હાર્દિક લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહે એવું લાગતું નથી.
કોંગ્રેસમાં હાર્દિક પટેલ હવે કેટલો સમય રહેશે એ પણ એક મોટો પ્રશ્ન છે કારણ કે જે રીતે કોંગ્રેસનું પતન થયું છે અને આમ આદમી પાર્ટીનો ઉદય થયો છે એ જોતાં આવનારા સમયમાં હજી મોટા ચહેરાઓ આમ આદમી પાર્ટીમાં પ્રવેશે તો કોઇ નવાઇ નથી.
કોંગ્રેસ આ પહેલાં માત્ર ભાજપ સામે લડીને હારી રહી હતી પરંતુ હવે તેની લડાઇ ભાજપની સાથે સાથે આપની સાથે પણ છે, જેને મોટી દસ્તક આપી દીધી છે. આમ આદમી પાર્ટીએ સાર્વજનિક રીતે કોંગ્રેસ અને ભાજપના નેતાઓને પાર્ટીમાં આવવા માટે અપીલ કરી દીધી છે અને તેની તૈયારીઓ પણ હવે થઇ ગઇ છે. એક પછી એક કોંગ્રેસમાંથી વિકેટ પડવા લાગી છે અને નેતાઓ ધીરે ધીરે આપ તરફ આગળ વધી રહ્યા છે.
કોંગ્રેસ હાઇકમાન્ડ હવે કોંગ્રેસની કમાન કોને આપશે તે જોવાનું રહેશે પરંતુ હાલના સમયે કોંગ્રેસની કમાન કોણ હાથમાં લેવા માગશે તે પણ વધુ રસપ્રદ છે. ગુજરાતમાં કોંગ્રેસને પોતાના કાર્યકર્તાઓ અને નેતાઓ આપમાં પ્રવેશવાનો ડર સતાવી રહ્યો છે અને આખી પ્રક્રિયા એક માસ લેવલ પર થવા જઇ રહી છે.
લાગ જોઇને ભાજપના અસંતુષ્ટ નેતાઓ પણ ધીરે ધીરે આપમાં ભળવાની ઇચ્છા રાખી રહ્યા છે. જે નેતાઓ વર્ષોથી ભાજપમાં છે પરંતુ પાર્ટીમાં યોગ્ય સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા છે તેઓને પણ આપમાં એક આશા દેખાઇ રહી છે. આપ આવનારા સમયમાં કોંગ્રેસનું સ્થાન લે તેવો પણ આશાવાદ જોવાઇ રહ્યો છે અને એ જ કારણ છે કે કોંગ્રેસનાં નેતાઓ અત્યારથી જ પોતાનું ભવિષ્ય સાચવી લેવા માટે આપ તરફ મીટ માંડીને બેઠા છે.