ગાંધીનગર : સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) સ્થિત એકતા નર્સરી ખાતે આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર તો છે જ સાથે સાથે આ નર્સરી સ્થાનિક મહિલાઓને તેમના કૌશલ્યના નિદર્શનનું પ્લેટફોર્મ અને આર્થિક ઉપાર્જનનું કેન્દ્ર બની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વસંત ઋતુમાં કેવડિયાના જંગલમાં ખાખરાના વૃક્ષો અને તેના મનોહર ફુલ એવા કેસુડા વિશે પ્રવાસીઓ વાકેફ થાય એ માટે કેસુડા ટ્રેઇલ શરૂ કરવામાં આવી છે. આ કેસુડા ટ્રેઇલમાં જોડાતા પ્રવાસીઓને કેવડિયાના જંગલમાં પરિભ્રમણ સાથે કેસુડાથી લથબથ ખાખરાના વૃક્ષો વચ્ચે પ્રકૃત્તિની નજીક જવાનો અવસર મળે છે. આ ટ્રેઇલના આકર્ષણ સાથે પ્રવાસીઓમાં કેસુડામાંથી બનતા વિવિધ સૌંદર્ય વર્ધક ઉત્પાદનો લોકપ્રિય બન્યા છે.
એકતા નર્સરીમાં કેસુડામાંથી વિવિધ ઉત્પાદનો બનાવવા માટેનું એક એકમ બનાવવામાં આવ્યું છે. જેનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ કરી રહી છે. એકતા નર્સરીની મુલાકાતે આવતા દેશવિદેશના પ્રવાસીઓ માટે વિવિધ આયુર્વેદિક ઉત્પાદનોની ખરીદી કરે છે. તેમાં સૌથી વધુ લોકપ્રિય છે કેસુડામાંથી બનતા ફેશવોશ, સાબુ, પાવડર !
ગોરા ગામના સુમિત્રાબેન તડવી આ સાબુ શોપનું સંચાલન કરે છે. તેમણે માત્ર ૧૦ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. પણ, શોપ મેનેજમેન્ટની સૂઝ ગજબની છે. તેઓ કહે છે, એકતા નર્સરીની સાબુ શોપમાં કેસુડામાંથી બનતા ફેશવોશ, સાબુ અને પાઉડરનું વેચાણ કરવામાં આવે છે. અહીં આવતા ગ્રાહકો કેસુડાના ઉત્પાદનોની ખાસ માંગણી કરે છે.
સુમિત્રાબેન કહે છે કે, કેસુડાની મૌસમમાં એકતા નર્સરી સખી મંડળની ચારપાંચ મહિલાઓ જંગલમાં જઇ ખરેલા આ ફાગણિયા ફૂલો એકત્ર કરે છે. જરૂરિયાત મુજબના જથ્થામાં કેસુડા એકત્ર થયા બાદ તેને સૂકવવામાં આવે છે. ત્યારબાદ તેને બોરામાં ભરી સંગ્રહિત કરવામાં આવે છે. એક વર્ષનું ઉત્પાદન કરી શકાય એ એટલા કેસુડાના ફૂલો એકત્ર કરવામાં આવે છે.
આ કામગીરીમાં રાજ્ય સરકારના વનવિભાગની ચાવીરૂપ ભૂમિકા રહેલી છે. એકતા નર્સરી સખી મંડળની બહેનો પગભર બને એ માટે રાજ્ય સરકાર દ્વારા દ્વારા ફેશવોશ, સાબુ બનાવવાના વિવિધ યંત્રો આપવામાં આવ્યા છે. સાબુ બનાવવાની કામગીરી પણ નર્સરીની અંદર જ કરવામાં આવે છે. બજારમાં મળતા સાબુમાં હોય એવા કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે કે, એકતા નર્સરીના સૌંદર્ય પ્રસાધનો સંપૂર્ણ સુરક્ષિત છે. ઓનલાઇન કે બજારમાં મળતા નેચરલ પ્રોડક્ટની સરખામણીએ એકતા નર્સરીના ઉત્પાદનો ૩૦થી ૪૦ ટકા ઓછી કિંમતે મળે છે.
સુમિત્રાબેન તડવીએ જણાવ્યું હતું કે, પ્રવાસીઓના પિક ડેમાં સાબુ શોપમાં પ્રતિદિન સરેરાશ પાંચથી છ હજારનું કાઉન્ટર એકત્ર થાય છે. અમારી પ્રોડક્ટ એટલી લોકપ્રિય છે કે, ઘણા ગ્રાહકો તો બે – બે હજારની કિંમતના સાબુ અને ફેશવોશ એક સાથે લઇ જાય છે. એક ગૃહિણી તરીકે મારા સમયનો સદ્દઉપયોગ કરી અહીં કામ કરૂ છું અને તેના કારણે ઘર મને ઘર આંગણે રોજગારી મળતા પ્રતિ માસ રૂ. ૯ હજાર જેટલી આવક થાય છે.
વન અધિકારી મદનસિંહ રાઉલ કહે છે કે , એકતા નર્સરીના આ સાબુ શોપમાં કેસુડાના ઉત્પાદનો ઉપરાંત ચારકોલ, ગોટમિલ્ક, ચંદન, મધ, એેલોવેરા, લીમડો, મિન્ટ, ઓરેન્જ અને લિંબુમાંથી બનાવાયેલા સૌંદર્યપ્રસાધનો વિવિધ સુગંધમાં મળે છે. તેના ઉત્પાદનથી માંડી વેચાણ સહિતની તમામ બાબતોનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. વન વિભાગના પ્રયત્નોને કારણે સ્થાનિક આદિવાસી મહિલાઓ પગભર બની છે.