રાજપીપળા: ગુજરાત (Gujarat) પ્રદેશ ભાજપની (BJP) કારોબારીની બેઠકનો આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી 2 ખાતે પ્રારંભ થશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહેશે. આગામી 2022ની વિધાનસભાને અનુલક્ષીને ચર્ચાઓ ઉપરાંત રાજકીય ઠરાવ, શોક ઠરાવ વગેરે ઠરાવો કરવામાં આવશે. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં તા.1 જી સપ્ટેમ્બરના રોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત કારોબારીના સભ્યો ટ્રેન મારફતે કેવડિયા આવી પહોંચ્યા હતા. પ્રદેશ કારોબારી બેઠક માટે નર્મદા જિલ્લા ભાજપ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
આ કારોબારીની બેઠક પૂર્ણ થયા બાદ ત્રીજી સપ્ટેમ્બરે પ્રદેશ કારોબારીના સદસ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ લેશે. 2 જી સપ્ટેમ્બરના રોજ રજિસ્ટ્રેશનની કામગીરી ચાલશે. બાદ કારોબારીની બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમ જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મંત્રીઓ હાજરી આપશે. મોટા ભાગે પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક અમદાવાદ અથવા ગાંધીનગરમાં યોજાતી હોય છે. પરંતુ આ વખતની પ્રદેશ કારોબારીની બેઠક કેવડિયા ખાતે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આમ જવલ્લે જ બહારગામ બેઠકો યોજાતી હોય છે.
કારોબારીના દરેક સભ્યોને ભાજપ તરફથી ટેબલેટ આપવામાં આવશે
ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત પેપરલેસ કારોબારી બેઠક ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ યોજી રહ્યું છે. કારોબારીના દરેક સભ્યોને ભા.જ.પા. ગુજરાત પ્રદેશ તરફથી ટેબલેટ આપવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ગુજરાત ભાજપનું અધ્યક્ષ સ્થાન સંભાળ્યા બાદની આ બીજી કારોબારી બેઠક છે. પ્રથમ બેઠક કોરોનાના કારણે વર્ચ્યુઅલ યોજવામાં આવી હતી. કોરોના મહામારીમાં 2 વર્ષ બાદ મળનારી આ વખતની ફિઝિકલ બેઠક ડિજિટલ રહેશે. પેપરલેસ બેઠકમાં 588 જેટલા હોદ્દેદારોને ટેબ્લેટ વિતરણ કરાયું છે. ટેબ્લેટમાં તમામ માહિતીઓ રાખવામાં આવી છે. આ ટેબ્લેટમાં સરકારી અનેક યોજનાઓ, પેજ સમિતિની વિગતો સહિત અન્ય ઉપયોગી માહિતી નાંખવામાં આવી છે.
બેઠકમાં કોણ કોણ ભાગ લેશે?
કોરોના મહામારી બાદ પ્રથમ વખત પ્રદેશ કારોબારીની બેઠક પ્રત્યક્ષરૂપે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, પ્રદેશ પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ સહ પ્રભારી સુધીર ગુપ્તા, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત જેમાં પ્રદેશ પદાધિકારીઓ, સેલ મોરચાના પ્રમુખો, કન્વીનરો, જિલ્લા મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખો અને મહામંત્રીઓ તથા જિલ્લા અને કોર્પોરેશનની ચુંટાયેલી પાંખના પ્રમુખ મેયરો , ધારાસભ્યો, સંસદ સભ્યો અને પ્રદેશ કારોબારીના આમંત્રિત સભ્યો જોડાશે. તા.1 સપ્ટેમ્બરે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ રહેશે. તા.2 સપ્ટેમ્બર સવારે 9 કલાકે રજિસ્ટ્રેશન અને સવારે 10 કલાકે બેઠકનો પ્રારંભ થશે. જે સાંજ સુધી ચાલશે. ત્યારબાદ 6 વાગે પ્રેસ સંબોધન થશે. તા.3 સપ્ટેમ્બરે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદેશ કારોબારી સભ્યો અને આમંત્રિત મહેમાનો સાઈટ સીન માટે જશે.