Charchapatra

સુરત લોઢાની મૂરત

૨૦૧૭ માં પોંડીચેરી આવવાનું થયું ત્યારથી આજ સુધી રોજ ઓનલાઇન ‘ગુજરાતમિત્ર’ વાંચું છું. ‘ગુજરાતમિત્ર’ ખોલતાં છઠ્ઠું પાનું ચર્ચાપત્રનું પ્રથમ ખોલીને વાંચું છું. ઘણી વાર હું પણ ‘ગુજરાતમિત્ર’માં ચર્ચાપત્ર લખું છું. આ ચર્ચાપત્રોમાં રખડતાં ઢોરનો પ્રશ્ન ઘણાં વર્ષોથી ચર્ચાય છે. ત્યારે સૂરત માટે ઉપરનું મથાળું લખવાનું મન થઇ જાય છે. નવાઇ વાતની એ છે કે વર્ષોથી સુરત મનપા સુરત સોનાની મૂરતનો ખિતાબ જીતી જાય છે. સુરતનાં રખડતાં ઢોર, ઠેર ઠેર કચરાના ઢગલા, ગણપતિ વિસર્જન વગેરેના ફોટા પણ ઘણી વાર છપાય છે તે જોવામાં આવે છે ત્યારે સુરતને ખૂબસૂરત સુરતનો ઇલ્કાબ આપનાર મહાનુભાવો વિષે હસવું આવે છે.

કોઇ પણ પ્રશ્ન હોય તે સીટીનો હોય કે ગામડાનો હોય તેને દૂર કરવા શહેરીબાવાઓને લગન હોવી જોઇએ. એના દાખલામાં પોંડીચેરીનો દાખલો ટાંકું છું. અહીં ગવર્નરમાં કિરણ બેદી હતાં. પોંડીચેરીમાં પણ રખડતાં ઢોરનો પ્રશ્ન વર્ષોથી સતાવતો હતો. અમારે પણ બાળકોને આશ્રમશાળામાં ભણાવવા ચાર કિલોમીટર દૂર રહેવાનું થયું છે. રોજ સવારે સાડા સાત વાગ્યે બાળકોને અરવિંદ આશ્રમની શાળામાં મૂકવા લેવા જવું પડે છે. આ બન્ને સમય ઢોરોનાં ચરવાના હોય છે. પોંડીચેરી સીટીમાં તો રખડતાં ઢોર જોવામાં આવતાં નથી પરંતુ એકાદ કિલોમીટર આસપાસ ગાયો અને બકરીઓના ઝુંડ રસ્તા પર જોવામાં આવે છે. પોંડીચેરીની સીટી એડીશન હિંદુજા અંગ્રેજીમાં ચર્ચાપત્રો આવે છે તેમાં અવારનવાર લખું છું.

આ રખડતાં ઢોરનો પ્રશ્ન મેં હિંદુજા સીટી એડીશનનાં ચર્ચાપત્રમાં લખ્યો તો શહેરીબાવાઓનું ધ્યાન ન ગયું પરંતુ તે સમયે ગવર્નરમાં રહેલાં કિરણ બેદીનું ધ્યાન ગયું. એ શહેરમાં કારમાં ફરતાં જોવામાં આવ્યાં નથી. હંમેશા સાયકલ લઇને નીકળતાં. એમણે આ પ્રશ્ન પંદર દિવસમાં પૂરો કર્યો. પોંડીચેરી મનપાના આરોગ્ય ખાતાને ઓર્ડર કર્યો કે  શહેરનાં રખડતાં ઢોરોને પૂરી દો. અને ઢોરનાં માલિકો છોડાવવા આવે તે મને ખબર આપો. એ પ્રમાણે ઢોરનાં માલિકોને એવો સખત દંડ ફટકાર્યો કે માલિકો ભરપાઇ ન કરી શકે.

ત્યારથી કિરણ બેદી ગવર્નર રહ્યા ત્યાં સુધી રખડતાં ઢોર – બકરીનો પ્રશ્ન સતાવ્યો નથી. એટલે શહેરીબાવાઓમાં જો શહેરના પ્રશ્નો ઉકેલવાની ધગશ હોય તો શહેરનાં ગમે તેવા નડતા પ્રશ્નો તરત જ ઉકેલી શકાય! અધિકારીઓ ગાડીમાં બેસીને શહેરમાં નીકળે તો શહેરના પ્રશ્નોનો ઉકેલ આવી ન શકે. સુરત શહેરના બાવાઓ સ્થિતપ્રજ્ઞ જ રહ્યા છે. સુરત સોનાની મૂરતનો મેડલ લેવામાં જ રચ્યાપચ્યા રહે છે. સુરતને તો મનપાનાં કમિશનરો પણ સારા મળે છે પરંતુ તેના ધ્યાન પર કોઇ વાત લાવતું નથી. રખડતાં ઢોરનાં ચર્ચાપત્રો એમને મોકલી આપો તો કદાચ આ સવાલનો અંત આવે!
પોંડીચેરી  – ડો. કે.ટી. સોની- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top