ગાંધીનગર: દેશમાં ધર્મપરિવર્તનને લઈને આજકાલ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ભારતમાં મામલે અનેક વિવાદો પણ થયા છે. કેટલાક લોકોએ ધર્મ પરીવર્તનનાં દબાણનાં પગલે આપઘાત કર્યાના કિસ્સાઓ પણ બન્યા છે. જો ગુજરાતની વાત કરીએ તો ધર્મ પરીવર્તની અહિયાં કેવી સ્થિતિ છે તે જાણવા માટે એક અરજી કરી હતી. આ અરજીમાં સામે આવેલા આંકડા તમને ચોંકાવી દેશે.
ગુજરાત વિધાનસભા પ્રવક્તા અને દરિયાપુર મતવિસ્તારનાં કોંગ્રેસના ધારાસભ્ય એવા ગ્યાસુદ્દિન શેખ દ્વારા વિધાનસભામાં ધર્મ પરિવર્તન મામલે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં ગુજરાત સરકારે ખુલાસો કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે 2020 માં 94 અરજીઓ ધર્મપરિવર્તનની ગુજરાત રાજ્યમાં આવી હતી. અને 2021માં ધર્મ પરિવર્તનની અરજી વધીને 256 નોંધાઈ હતી. રાજ્યમાં વધી રહેલ ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિને લઈ અગાઉ થયેલા વિવાદો બાદ રાજ્ય સરકારે રાજયમાં ગુજરાત ધર્મ પરિવર્તન અધિનિયમ ૨૦૦૮ અમલમાં મૂક્યો હતો.
વર્ષ 2008માં બન્યો હતો કાયદો
ધર્મ પરિવર્તન કરવા માટે જે તે વ્યક્તિએ ગુજરાત ધર્મ પરિવર્તન અધિનિયમ 2008 હેઠળ નિયત ફોર્મ ભરી કલેકટર કચેરીમાં જમા કરાવવાનું હોય છે. આ ફોર્મ સાથે ધર્મ પરિવર્તનના કારણોનું સોગંદનામું રજુ કરવાનું હોય છે. આ ફોર્મ અને સોગંદનામું મળેથી તેને પોલીસ સમક્ષ તપાસ માટે મોકલાય છે. પોલીસ દ્વારા ધર્મપરિવર્તનના કારણોની તપાસ કરી તેના તથ્ય અંગે કલેકટરને રિપોર્ટ કરાય છે. આ રિપોર્ટ અને દસ્તાવેજી પુરાવા આધારે કલેકટર દ્વારા અરજી કર્યાના ૩૦ દિવસમાં પરવાનગી મંજૂર કે નામંજૂર કરવા અંગેનો નિર્ણય કરાતો હોય છે.
ધર્મ પરિવર્તન વિશ્વમાં વિવાદિત મુદ્દો
ધર્મ પરિવર્તન માત્ર ભારત જ નહીં પણ વિશ્વમાં એક વિવાદિત મુદ્દો રહ્યો છે. જ્યારે પણ કોઈ ધર્મ પરિવર્તન કરે છે તો તેની સાથે અનેક પ્રશ્નો ઉભા થાય છે. જો કે આપણા દેશનો કાયદો જણાવે છે કે દરેક નાગરિકને ધર્મની આઝાદી છે, એટલે કે જે વ્યક્તિ જે ધર્મ અપનાવવા માંગે છે, તેને તે છૂટથી અપનાવી શકે છે. જો કે એ જાણવું જરૂરી છે કે શું ધર્મ પરિવર્તનને લઈ દેશમાં કોઈ કાયદો છે કે નહીં અને જો છે તો આ કેટલો અસરકારક છે.