સુરત: ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ (State Table Tennis) એસોસિયેશન, સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન, ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાનાં સૈયુક્ત ઉપક્રમે સુરતમાં પ્રથમવાર 23 થી 28 જાન્યુઆરી દરમિયાન નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023 ઇન્ડોર સ્ટેડિયમમાં (Indoor Stadium) રમાશે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનનાં પ્રેસિડેન્ટ પ્રમોદ ચૌધરી એ જણાવ્યું હતું કે, સુરત યુટીટી નેશનલ ટીટીમાં હરમિત દેસાઇનો (Harmeet Desai) તેના ઘરઆંગણે સફળતા માટે આશાવાદ સાથે રમતો જોવા મળશે. પ્રથમ યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ક્વાર્ટર ફાઇનલમાંથી બહાર થઇ ગયા બાદ સુરતનો ખેલાડી હરમિત દેસાઈ તેના ઘરઆંગણે અને તેના માનીતા સ્થળ પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, સુરત ખાતે 23થી 28મી જાન્યુઆરી દરમિયાન યોજાનારી બીજી યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં શાનદાર દેખાવ કરવા માટે આતુર છે.
સ્ટાર ખેલાડીઓ મેચ રમતાં જોવા મળશે
આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં અર્જુન એવોર્ડ વિજેતા શરથ કમલ, હરમિત દેસાઈ, જી સાથિયાન, માનવ ઠક્કર, શ્રીજા અકુલા, ક્રિતવિકા સિંહા રોય, ફ્રેનાઝ છીપિયા,ફિલહાઝ ફાતિમા કાદરી, જેવા સ્ટાર ખેલાડીઓ મેચ રમતાં જોવા મળશે. મનીકા બત્રા કતારના દોહામાં રમાયેલી મેચ દરમિયાન ઇન્જર્ડ થઈ હતી. તેણી ફિઝિયોની સલાહ લઈ નિર્ણય લેશે. જો તે ફિટ હશે તો સુરત રમવા આવશે. ટુર્નામેન્ટમાં દેશભરમાંથી 1800 કરતાં વધારે ખેલાડીઓ મોખરાનું સ્થાન હાંસલ કરવા માટે ભાગ લેનારા છે. હરમિત અને ક્રિત્વિકા સિંહા રોયની પતિ-પત્નીની જોડી ઉપરાંત વિશ્વમાં 39મા ક્રમનો જી. સાથિયાન સુરત ખાતેની આ ટુર્નામેન્ટમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેવાનો છે. ભારતના મહાન ખેલાડી તથા ટીટીએફઆઈના મહામંત્રી કમલેશ મહેતાએ વડોદરા ખાતે યોજાયેલી પ્રથમ યુટીટી નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપ 2023ના સફળ આયોજન માટે જીએસટીટીએ તથા ટીટીએબીને અભિનંદન પાઠવ્યા હતાં તેમને કહ્યું હતું કે,‘સુરતે ભૂતકાળમાં ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું સફળ આયોજન કર્યું હતું.
ટીટીએફઆઈએ એક પછી એક બે નેશનલ ટુર્નામેન્ટ યોજવાની તક આપી
હજી તાજેતરમાં જ યોજાયેલી નેશનલ ગેમ્સમાં આ શહેરે કેટલીક ઇવેન્ટ યોજી હતી. જીએસટીટીએ અને એસડીટીટીએ બંને પાસે ટીટીએફઆઈની આ પ્રતિષ્ઠિત રેન્કિંગ ટુર્નામેન્ટને સફળતાપૂર્વક યોજવા માટે સક્ષમ ટીમ છે.”જીએસટીટીએના નવા ચુંટાયેલા પ્રમુખ પ્રમોદ ચૌધરીએ પત્રકારોને માહિતી આપી હતી કે ટીટીએફઆઈએ એક પછી એક બે નેશનલ ટુર્નામેન્ટ યોજવાની તક આપી તે બદલ અમે ગર્વની લાગણી અનુભવી રહ્યા છીએ. વડોદરા ખાતે 20મી જાન્યુઆરીએ સમાપ્ત થયેલી નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપમાં અમે શાનદાર આયોજન કર્યું હતું. જીએસટીટીએના માનદ મંત્રી કુશલ સંગતાણીએ જણાવ્યું હતું કે “અમારી પાસે સારી સંખ્યામાં એન્ટ્રી આવી છે અને નિયત કાર્યક્રમ મુજબ મેચો યોજાય તે માટે અમારી પાસે 24 ટેબલ છે.’’
આ ચેમ્પિયનશિપ માટે કુલ ઇનામી રકમ નવ લાખ રૂપિયા છે. આ ચેમ્પિયનશિપમાં બધુ મળીને 13 ઇવેન્ટ યોજાશે જેમાં મેન્સ અને વિમેન્સ સિંગલ્સ, અંડર-11,13,15,17 અને 19 બોયઝ અને ગર્લ્સ સિંગલ્સ તથા મિક્સ ડબલ્સ ઇવેન્ટનો સમાવેશ થાય છે.આ ઇવેન્ટને સફળ બનાવવા માટે લગભગ 60 ટેકનિકલ અધિકારીઓ તેમની નિષ્ણાત તરીકેની સેવા આપશે.
વડોદરામાં પ્રથમ નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપ સુરતનો માનુષ શાહ જીત્યો હતો
ફર્સ્ટ યુટીટી નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપ તાજેતરમાં વડોદરા ખાતે યોજાઇ હતી જેનો વિજેતા માનુષ શાહ સુરતમાં પણ વધુ સફળતા મળે તેવો મનસૂબો ધરાવે છે. બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સની મેડલ વિજેતા તથા તેલંગાણાની શ્રીજા અકુલા વર્તમાન નેશનલ વિમેન્સ સિંગલ્સ ચેમ્પિયન છે જ્યારે ભારતનો મોખરાનો ખેલાડી તથા મહારાષ્ટ્રનો સાનિલ શેટ્ટી ભારતમાં નંબર વન) પણ સુરતમાં જોવા મળશે. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનની દેખરેખમાં સુરત ડિસ્ટ્રિકટ ટેબલ ટેનિસ એસોસિયેશન દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં 1800 કરતાં વધુ ખેલાડીઓએ પ્રવેશ મેળવ્યો છે.