રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના (School) તમામ શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ આપવાનો રાજ્ય સરકારે (State Government) નિર્ણય કર્યો છે. હવે પછી નવી નિમણૂક પામનાર કોઇપણ અનુદાનિત માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષક- કર્મચારીને વર્ગ-શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહી.આ નિર્ણયથી રાજયની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના અંદાજીત 70,000 જેટલા શિક્ષક-કર્મચારીઓને આ લાભ મળશે. નોકરી ગુમાવતા હોવાથી આવા શિક્ષકો (Teachers) સતત અસલામતીના ભયના ઓથાર નીચે કામગીરી કરતા હોવાથી તેની સીધી અસર શિક્ષણ કાર્યની ગુણવત્તા પર થતી હોઈ આ નિર્ણયના પરિણામે શિક્ષણની ગુણવત્તા અને કામગીરી વધુ સુદ્રઢ બનશે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતુ કે, રાજ્ય સરકારે શિક્ષકો અને કર્મચારીઓના હિતલક્ષી અનેકવિધ નિર્ણયો કર્યા છે. બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી વર્ષ 2011થી કેન્દ્રીયકૃત રીતે મેરીટના આધારે કરવામાં આવે છે. સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા, ટાટ પરીક્ષા, લાયકાત, પગાર ધોરણ તેમજ કામગીરી એક સમાન હોય, આ નિર્ણય કરાયો છે.
આ નિર્ણયના પરિણામે ખાલી પડતી જગ્યા પર નવેસરથી નિમણૂક કરવાના બદલે ફાજલ શિક્ષકની નિમણૂક કરવામાં આવે તો જગ્યા ભરવાની લાંબી પ્રક્રિયામાંથી બચી શકાશે અને તૈયાર થયેલા અનુભવી શિક્ષકને કામ આપી શકાશે અને શાળાઓને ઝડપથી અનુભવી શિક્ષકો મળશે. અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલ શિક્ષકોને ફાજલનું રક્ષણ ન હોવાને કારણે નોકરી ગુમાવતા હોવાથી આવા શિક્ષકો સતત અસલામતીના ભયના ઓથાર નીચે કામગીરી કરતા હોવાથી તેની સીધી અસર શિક્ષણ કાર્યની ગુણવત્તા પર થતી હોઈ. આ નિર્ણયના પરિણામે શિક્ષણની ગુણવત્તા અને કામગીરી વધુ સુદ્રઢ બનશે.
શિક્ષણમંત્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે શિક્ષકો અને કર્મચારીઓના હિતલક્ષી અનેકવિધ નિર્ણયો કર્યા છે. આ શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાને રાખીને શિક્ષકોના હિત માટે આ નિર્ણય લેવાયો છે. હવેથી તમામ શિક્ષક-કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ આપવામાં આવશે. જેને પગલે નવી નિમણૂંક પામનારાને વર્ગ-શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવી પડશે નહીં. આ નિર્ણયથી રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના અંદાજીત 70 હજાર જેટલા શિક્ષક-કર્મચારીઓને આ લાભ મળશે.