Editorial

પ્રજાકીય સુખાકારીની સ્થિતિ: ભારત માટે હરખ પણ, શોક પણ

હાલ છેલ્લા કેટલાક દિવસમાં વિશ્વના દેશોની પ્રજાઓની સુખાકારી અને તેમની આર્થિક સ્થિતિને લગતા બે ઇન્ડેક્સ અથવા સૂચકઆંક બહાર પડ્યા છે જેમાં એક સૂચકઆંક ગ્લોબલ હંગર ઇન્ડેક્સ પહેલા બહાર પડ્યો. આ ઇન્ડેક્સ દર વર્ષે આયર્લેન્ડ અને જર્મનીની બે એનજીઓ અનુક્રમે કન્સર્ન વર્લ્ડવાઇડ અને વેલ્ટ હંગર હાઇલાઇફ દ્વારા તૈયાર કરવામાં આવે છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ એટલે કે વૈશ્વિક ભૂખમરાના સૂચકઆંકમાં આ વખતે ૧૨૧ દેશોમાંથી ભારતને છેક ૧૦૭મો ક્રમ મળ્યો. ભૂખમરાની બાબતમાં ભારતની હાલત અફઘાનિસ્તાન સિવાય એશિયાના તમામ દેશો કરતા ખરાબ છે એમ આ સૂચકઆંકના આંકડાઓ જણાવે છે.

આ સૂચકઆંકના તારણો ભારત માટે આઘાત જનક છે. ગત બે વર્ષમાં ભારત આ સૂચકઆંકમાં વધુ પાછળ ધકેલાયું છે. જો કે ભારત સરકારે સ્વાભાવિક રીતે જ આ ઇન્ડેક્સને ભૂલભરેલો ગણાવીને ફગાવી દીધો છે. ઘણા વિશ્લેષકો માને છે કે આ સૂચકઆંક વિશ્વાસપાત્ર નથી અને તેમાં ભારતની સ્થિતિ જેવી ચિતરવામાં આવી છે તેટલી ખરાબ તો નથી જ. આ ઇન્ડેક્સ બહાર પડ્યાના થોડા જ દિવસમાં આ સોમવારે એક બીજો ઇન્ડેક્સ બહાર પડ્યો. યુએન અને ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલ આ સૂચકઆંકમાં જણાવાયું છે કે ભારતમાં વર્ષ ૨૦૦૫-૦૬ અને ૨૦૧૯-૨૧ની વચ્ચે ગરીબ લોકોની સંખ્યા ૪૧.પ કરોડ જેટલી ઘટી છે, આ એક ઐતિહાસિક પરિવર્તન છે અને તે દર્શાવે છે કે વર્ષ ૨૦૩૦ સુધીમાં ગરીબીમાં જીવતા તમામ વયજૂથના પુરુષો, સ્ત્રીઓ અને બાળકોની સંખ્યા અડધી કરી દેવાનું ટકાઉ વિકાસનું લક્ષ્ય વ્યાપક સ્તરે પણ પ્રાપ્ત કરવું શક્ય છે એમ યુએન દ્વારા જણાવવામાં આવ્યું છે. ભારત માટે આ એક આનંદ પ્રેરે તેવી બાબત છે.

બહુપરિમાણીય ગરીબીનો સૂચકઆંક અથવા મલ્ટિડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ(એમપીઆઇ) યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ(યુએનડીપી) અને યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ (ઓપીએચઆઇ) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ ઇન્ડેક્સ મુજબ ભારતમાં વર્ષ ૨૦૦૫-૦૬ અને ૨૦૧૯-૨૦ના સમયગાળામાં ૪૧ કરોડ પ૦ લાખ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ અહેવાલ અંગેના એક પ્રેસ રિલીઝમાં યુએને જણાવ્યું હતું કે ભારતમાં ૧૫ વર્ષના સમયગાળામાં ૪૧૫ મિલિયન જેટલા લોકો બહુપરિમાણીય ગરીબીમાંથી બહાર આવી ગયા છે – જે એક ઐતિહાસિક પરિવર્તન છે.

ભારત ટકાઉ વિકાસના લક્ષ્યો માટે એક મહત્વનો કેસ સ્ટડી છે, જેમાં પહેલું તો એ કે તમામ સ્વરૂપની ગરીબીનો અંત લાવી શકાય છે અને તમામ વયજૂથના પુરુષો, સ્ત્રીઓ અને બાળકોમાંથી અડઘો અડધને ૨૦૩૦ સુધીમાં ગરીબીમાંથી બહાર લાવી શકાય તેમ છે એ મુજબ આ અહેવાલમાં જણાવાયું હતું. ગરીબી નિવારણની બાબતમાં ભારતે જે પ્રગતિ કરી છે તે વિવિધ સરકારોના પ્રયાસોનું પરિણામ છે એમ કહી શકાય. યુએન અને ઓક્સફર્ડના હાલના આ અહેવાલમાં પણ ભારતમાં ગરીબોની સંખ્યામાં જે મોટો ઘટાડો થયેલો દર્શાવ્યો છે તે ૨૦૦પથી લઇને ગત વર્ષ સુધીમાં થયેલો દર્શાવ્યો છે એટલે ગરીબોની સંખ્યામાં આ મોટા ઘટાડાનો યશ વર્તમાન સરકાર એકલે હાથે લઇ શકે તેમ નથી. દેશમાં ગરીબી નિવારણની બાબતમાં આટલી સારી પ્રગતિ થઇ છે તે બેશક આનંદની વાત છે.

આમાં આપણે સર્વેક્ષણ વિના પણ જોઇ શકીએ છીએ કે છેલ્લા અનેક દાયકાઓમાં ભારતમાં પ્રજાની સુખાકારીમાં વધારો થયો તો છે જ. લોકોનું જીવન ધોરણ સુધર્યું હોવાનું સ્પષ્ટ અનુભવી શકાય છે. અને આ માટે વિવિધ સરકારોના પ્રયાસો ઉપરાંત ટેકનોલોજીકલ પ્રગતિને પણ યશ જાય છે. જો કે આ અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે ભારતમાં ૨૦૨૦ના વસ્તીના આંકડાઓ મુજબ હજી પણ દુનિયાભરમાં સૌથી મોટી ગરીબ વસ્તી ભારતમાં છે જે ૨૨ કરોડ ૮૯ લાખ જેટલી છે જેના પછી આફ્રિકન દેશ નાઇજીરીયાનો ક્રમ આવે છે જ્યાં ૨૦૨૦ના અંદાજ પ્રમાણે ૯ કરોડ ૬૭ લાખ ગરીબો છે.

અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે પ્રગતિ છતાં વિકાસ છતાં ભારતની વસ્તી કોવિડ-૧૯ના રોગચાળાની અસરો અને વધતી ખોરાક અને ઇંધણની કિંમતોનો ભોગ બની જવાનો ભય છે. આ બાબત પણ સાચી છે. ભારતમાં ઘણા બધા કુટુંબો એવા છે કે જેઓ ગરીબીમાંથી બહાર આવ્યા છતાં તેમની હાલત નાજુક છે અને મોંઘવારી થોડી વધે, ખર્ચાઓ વધે કે તેમની હાલત ફરી બગડી જવાનો ભય રહે છે.

લોકોને ટકાઉ આર્થિક સધ્ધરતા મળે તે દિશામાં હજી ઘણા પ્રયાસો કરવાની જરૂર છે. ભૂખમરાનો સૂચકઆંક ભલે ભૂલભરેલો હોય છતાં એ વાત નકારી શકાય નહીં કે દેશના ઘણા લોકો હજી પણ પુરતો પોષક આહાર લઇ શકતા નથી. કુપોષણનું પ્રમાણ દેશમાં ઘણુ વધારે છે. તે જ રીતે રહેઠાણોની બાબતમાં પણ ભારતમાં સ્થિતિ બહુ સારી નથી. ઘણા બધા લોકો હજી પણ ઝૂંપડપટ્ટીઓ કે ગંદા ગલીચ વિસ્તારોમાં રહે છે. પ્રજાકીય સુખાકારીની બાબતમાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે છતાં હજી ઘણુ કરવાનું બાકી છે.

Most Popular

To Top