ભરૂચ: (Bharuch) દહેજમાં સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કરી 5 ટેન્કર સાથે 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ સીઝ કરી 7 આરોપીની ધરપકડ કરી હતી. જીઆઇડીસીમાંથી નીકળતા કેમિકલ ટેન્કરોમાંથી (Chemical tanker) કેમિકલની ચોરી કરી ઉદ્યોગોને વેચવામાં આવતું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને દહેજમાં વેલસ્પન કંપની નજીક આવેલી માલવા પંજાબ હોટલ પાછળ કેમિકલ ચોરીનો વેપલો ચાલી રહ્યો હોવાની બાતમી મળતાં ગઈકાલે મોડી રાતે રેડ કરવામાં આવી હતી. ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે 5 ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરવામાં આવી રહી હતી. ટેન્કરના વાલ્વ ઉપર લાગેલાં સીલ ઢીલાં કરી ધીમી ધારે ટપકતાં કેમિકલને બેરલોમાં ભરવામાં આવતું હતું.
- સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, 5 ટેન્કર સાથે ₹1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ સીઝ, 7ની ધરપકડ
- GIDCમાંથી નીકળતાં ટેન્કરોમાંથી કેમિકલ ચોરી ઉદ્યોગોને વેચવાનો વેપલો
- ટેન્કરોના વાલ્વ ઢીલા કરી બેરલોમાં કેમિકલ ભરાતું હતું
સ્ટેટ મોનિટરિંગ સેલે 5 કેમિકલ ટેન્કર અને પિકઅપ વાન સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો છે. કેમિકલ કંપનીમાંથી રવાના થાય ત્યારે જે-તે સ્થળના સ્થાને સીધુ કેમિકલ ચોરીના અડ્ડા ઉપર લઈ જઈ તેમાંથી ચોરી કરાતી હતી. કેમિકલ ચોરોએ દહેજની સૂવા ચોકડી નજીક પણ વિશાળ ગોડાઉન બનાવ્યું હતું. પોલીસે આ ગોડાઉન ઉપર છાપો માર્યો ત્યારે 150 બેરલ જેટલું કેમિકલ સ્ટોર કરાયું હોવાનો પર્દાફાશ થયો હતો. આ કેમિકલ ફાયર સેફ્ટીની કોઈપણ ચોકસાઈ વિના રખાયું હતું, જેમાં આગની ઘટના બને તો ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવો ભય હતો.
કેબિનમાં વજનની વધઘટથી ખેલાય છે ખેલ
ટેન્કરચાલક અને ક્લીનર ટેન્કર લોડિંગ કરવા જાય ત્યારે ટેન્કરની કેબિનમાં તમામ વજનદાર ચીજ બહાર કાઢી નાંખે છે. આ બાદ ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરી તેટલા વજનના પાણીના કેરબા, વજનદાર ચીજ અથવા ભારે પથ્થર મૂકી દેવાય છે. કેમિકલ ટેન્કરના વજનની ગણતરીના લોડિંગ–અનલોડિંગ થાય છે. જ્યારે તેમાં બાષ્પીભવનની છૂટ પણ અપાય છે. આ તફાવતનું કેમિકલ ચોરી કરાય છે.