ગાંધીનગર: રાજ્યના આરોગ્ય કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને લઇ સરકાર સામે મેદાને પડ્યા છે. રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આગામી 17મી માર્ચ 2025થી અચોક્કસ મુદતની હડતાળનું એલાન કરાયું છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના જણાવ્યા પ્રમાણે કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈ કર્મચારીઓએ હવે સરકાર સામે હડતાળનું બ્યુગલ ફૂક્યું છે. આગામી 17મી માર્ચથી સરકાર સામે આંદોલન શરૂ કરશે. આરોગ્ય કર્મચારી મહાસંગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પંચાયત વિભાગના વર્ગ ૩ના આરોગ્યના વિષય કેડરના ફિક્સ તથા ફૂલ પગાર મેળવતા તમામ કર્મચારીઓના 10મી માર્ચ 2025 સુધીમાં કોઈ જ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આખરે 17મી માર્ચ 2025ને સોમવારથી અચોક્કસ મુદતની હડતાળ જાહેર કરી છે.
કર્મચારીઓના પડતર પ્રશ્નમાં પંચાયત વિભાગ વર્ગ ત્રણના આરોગ્યના કર્મચારીઓની ટેકનિકલ કેડર ગ્રેડ-પે, ખાતાકીય પરીક્ષા રદ, સ્ટાફ નર્સ (પંચાયત) કેડરના નાણાકીય અને વહીવટી પડતર પ્રશ્નો બાબતે સરકારમાં અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા હવે ચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે.
