રત્નકલાકારો માટે રાજ્ય સરકારે આજે રાહત પેકેજ જાહેર કર્યું છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરતના સર્કિટ હાઉસ ખાતે રાહત પેકેજની જાહેરાત કરતાં કહ્યું કે, રત્નકલાકારના સંતાનની એક વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13,500 માફ કરાઈ છે. આ ફી સરકાર દ્વારા ડીબીટી મારફતે ટ્રાન્સફર કરવામાં આવશે. તે ઉપરાંત વીજ ડ્યુટીમાં એક વર્ષ માટે રાહત આપવામાં આવશે. આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ઉપરાંત નાના કારખાનેદારોને 5 લાખની લોન ઉપર 9%ની ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય આપવાની જાહેરાત કરાઈ છે. અઢી કરોડથી ઓછું રોકાણ હોય અને વર્ષ 2022થી 2024 સુધી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય તેવા નાના ઉદ્યોગકારોને લાભ અપાશે. . જે એકમો 31.3.2025 પહેલા ઉદ્યોગ વિભાગમાં રજિસ્ટર હોય તેને લાભ મળશે. રત્ન કલાકારોને નોકરી મેળવવા માટે અવ્યવસ્થા ના થાય તે માટેની સુવિધા ઉભી કરવામાં આવી છે.
હીરા ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી મંદી ચાલી રહી છે, જેને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈ તા. 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશના હોદ્દેદારો સાથે બેઠક યોજીને રત્નકલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરી હતી. તે મિટિંગના 74 દિવસ બાદ આખરે આજે (24 મે, 2025) રાજ્ય સરકારે બેરોજગાર રત્નકલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે.
ત્રણ વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી
અમેરિકામાં મંદી, યુક્રેન-રશિયા યુદ્ધ સહિતનાં કારણોને લઈને ડાયમંડ ઉદ્યોગમાં મંદી વ્યાપી ગઈ હતી, જેના કારણે અનેક રત્નકલાકારોએ આપઘાત પણ કર્યા છે. ડાયમંડ વર્કર યુનિયનના દાવા પ્રમાણે છેલ્લા 16 મહિનામાં 71 રત્નકલાકારોએ આપધાત કરી લીધો છે.
30 માર્ચની હડતાળમાં ઘણા કારખાનાંઓ બંધ રહ્યાં હતાં
રાજ્યભરનાં ડાયમંડ એસોસિએશનની ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રીએ રત્નકલાકારોના હિતમાં યોજના જાહેર કરવાનું કહ્યું હતું. તેમ છતાં સરકારે કોઈ જાહેરાત ન કરતાં યુનિયને 30 માર્ચે હડતાળ પાડી હતી, જેમાં મોટા ભાગનાં હીરાનાં કારખાનાંઓ બંધ રહ્યાં હતાં. તેમજ કતારગામથી કાપોદ્રા હીરા બાગ સુધીની ‘રત્નકલાકાર એકતા રેલી’ યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો જોડાયા હતા. સવારે 9.30 વાગ્યે શરૂ થયેલી રેલી બપોરે 1 વાગ્યે પૂર્ણ થઈ ગઈ હતી. જો કે, 31 માર્ચે એટલે કે બીજા દિવસે પણ રત્નકલાકારોની હડતાળ યથાવત્ રહી હતી.
ઉદ્યોગકારોની મુખ્યમંત્રીની મુલાકાત બાદ કલેક્ટરે આગેવાનો સાથે બેઠક યોજી હતી
11 માર્ચ, 2025ના રોજ ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશના હોદ્દેદારોની મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ સુરત કલેક્ટરે ડાયમંડ ઉદ્યોગકારો અને આગેવાનો સાથે એક બેઠક યોજી રજૂઆતો સાંભળી હતી. જેમાં કલેક્ટરે આગામી સમયમાં પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની દિશામાં કામગીરી શરૂ કરી દીધી હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ રાજ્ય સરકારે પણ ઉદ્યોગકારોની રજૂઆત બાદ ત્રણ મંત્રીની એક કમિટી બનાવવામાં આવી છે. જે સમગ્ર મામલે અહેવાલ તૈયાર કરશે અને અહેવાલ બાદ રત્નકલાકારોને મદદની જાહેરાત કરવામાં આવશે તેમ શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ જણાવ્યું હતું.