સુરત: ઘોડદોડ રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયામાં આસીસ્ટન્ટ મેનેજરની સાથે તેના ફ્લેટમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા યુવકે 2.76 લાખની છેતરપિંડી કરી હતી. બીએમડબ્લ્યુ બાઈક લેવા માટે ખાતામાં બેલેન્સ બતાવવાને બહાને રૂપિયા લઈ છેતરપિંડી કરતા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અઠવાલાઈન્સ ખાતે પ્રિયાંશ ટાવરમાં રહેતા 28 વર્ષીય હિરેનભાઇ અશોકભાઇ ચૌહાણ પેઈંગ ગેસ્ટ તરીકે રહે છે. તેઓ છેલ્લા ત્રણ મહિનાથી ઘોડદોડ રોડ પાંજરાપોળની સામે આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. હિરેન સાથે ફેરીન હર્ષદ પટેલ (રહે, કતારગામ ક્રિષ્ના ટાઉનશીપ, મૂળ ભાયમંદ મીરા રોડ મુંબઈ) પેઈંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. ગત 8 ઓગસ્ટે હિરેનને તેના પિતાએ ફોન કરીને 2.50 લાખ માંગ્યા હતા. હિરેને તેના પિતા માટે એફડી તોડાવી પૈસા ટ્રાન્સફર કરવાનો હતો.
બીએમડબ્લ્યુની બાઈક ખરીદવા એકાઉન્ટમાં બેલેન્સ બતાવાનું હોય કહી છેતરી ગયો
ફેરીન સમગ્ર વાત સાંભળી જતા પોતાને બીએમડબલ્યુ બાઈક લેવાની છે અને મારા એકાઉન્ટમાં બેલેન્સ બતાવાનું હોવાથી ખાતામાં પૈસા મોકલી આપવા કહ્યું હતું. અને તેની પાસે પડેલા રોકડા તે હિરેનને આપી દઈશ કહીને વિશ્વાસમાં લીધો હતો. વિશ્વાસમાં આવી હિરેને 17 ઓગસ્ટે ફેરિનના ખાતામાં આરટીજીએસથી 2 લાખ અને બીજા 50 હજાર ટ્રાન્સફર કર્યા હતા. સાંજે ફેરિન રૂમ પર હાજર નહોતો.
રક્ષાબંધન હોવાથી વતન જાઉ છું. સોમવારે આવીને પૈસા આપી દેવાનું કહ્યું હતું, ગયો તે ગયો…
વોટ્સએપ કોલ કરતા રક્ષાબંધન હોવાથી વતન જાઉ છું. સોમવારે આવીને પૈસા આપી દેવાનું કહ્યું હતું. હિરેન પણ રક્ષાબંધનમાં અમદાવાદ જતો રહ્યો હતો. ત્યાંથી કોલ કરીને પિતાને પૈસાની જરૂર હોવાથી પૈસા માંગ્યા હતા. પરંતુ તેને માત્ર ગલ્લા તલ્લા કર્યા હતા. આ પહેલા 23 જુલાઈએ એમોઝોન પરથી ઓનલાઈન રૂપિયા 26,900 ની કિંમતનું બ્લુ ટુથ મંગાવ્યું હતુ. તેના પણ રૂપિયા નહીં આપી છેતરપિંડી કરી હતી. હિરેને ઉમરા પોલીસમાં 2.76 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.