આજકાલ ભારતમાં સ્ટાર્ટઅપ શબ્દ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયો છે. હવે બધા સ્ટાર્ટઅપ ખોલીને ધંધો કરવા માગે છે. દેશમાં સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ્સ ખૂબ આગળ વધી રહ્યા છે. તેમણે માત્ર વૃદ્ધિ કરી નથી પરંતુ તે પૈકીના ઘણા યુનિકોર્ન બની ગયા છે. ગત વર્ષે ભારતીય સ્ટાર્ટઅપ્સે 42 અબજ ડોલર એકત્ર કર્યા હતા. તેના એક વર્ષ પહેલાં આ રકમ માત્ર 11.5 અબજ ડોલર હતી. તાજેતરમાં જાહેર થયેલા એક અહેવાલમાં જણાવાયું છે કે 2021માં ભારતમાં એક અબજ ડોલરથી વધુના મૂલ્યાંકન સાથેના 46 સ્ટાર્ટઅપ્સ યુનિકોર્નનો દરજ્જો મેળવવામાં સફળ થયા છે. ભારતમાં યુનિકોર્નની કુલ સંખ્યા હવે બમણીથી વધીને 90 થઈ ગઈ છે.
વર્ષ 2021માં જે સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન બન્યા છે, તેમાં શેરચેટ, ક્રેડ, મિશો, નઝારા, મોગલિક્સ, MPL, ગ્રોફર્સ (બ્લિન્કાઈટ), અપગ્રેડ, મામાઅર્થ, ગ્લોબલબીઝ, ઇકો અને સ્પિનીનો સમાવેશ થાય છે. વિશ્વમાં અમેરિકા અને ચીન પછી ભારત 90 યુનિકોર્ન સાથે ત્રીજો સૌથી મોટો દેશ બની ગયો છે. અમેરિકામાં 487 યુનિકોર્ન અને ચીનમાં 301 છે. ભારત હવે UK (39) કરતાં આગળ છે. રિપોર્ટ અનુસાર યુનિકોર્ન કંપનીઓની વિગતોમાં ભારતનું પર્ફોર્મન્સ વધ્યું છે. જો કે અમેરિકા અને ચીન હજુ આપણાથી ઘણા આગળ છે. આ વર્ષે અમેરિકામાં 254 યુનિકોર્ન કંપનીઓ બની ચૂકી છે. આ સાથે આ પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ કંપનીઓની સંખ્યા વધીને 487 થઈ ગઈ છે. બીજી તરફ ચીનમાં આ વર્ષે 74 યુનિકોર્ન કંપનીઓ નવા લિસ્ટમાં ઉમેરાઈ છે અને તેની કુલ સંખ્યા વધીને 301 થઈ ગઈ છે.
અત્યારે લગભગ 81,000 સ્ટાર્ટઅપ્સ સાથે ભારત ત્રીજો સૌથી મોટો સ્ટાર્ટઅપ દેશ બની ગયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સ્ટાર્ટઅપ્સ માત્ર લેટેસ્ટ સોલ્યુશન્સ અને ટેક્નોલોજી સાથે જ નથી આવી રહ્યા પરંતુ મોટા પાયે રોજગારીનું સર્જન પણ કરી રહ્યા છે. આજે વિશ્વમાં દર 13મો યુનિકોર્ન ભારતનો છે. ઓરિઓસ વેન્ચર પાર્ટનર્સના એક રિપોર્ટ અનુસાર બેંગલુરુમાં સૌથી વધુ સંખ્યામાં યુનિકોર્ન છે. મોટાભાગના યુનિકોર્ન ફાઇનાન્શ્યલ ટેકનોલોજી, ઈ-કોમર્સ અને સોફ્ટવેર સેવાઓ સાથે સંકળાયેલા છે. હેલ્થ ટેક્નોલોજી,એજ્યુકેશન ટેક્નોલોજી,ગેમિંગ અને ક્રિપ્ટો પણ તેમની પ્રવૃત્તિઓના કેન્દ્રમાં છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ફ્લિપકાર્ટ 37.6 અબજ ડોલર સાથે સૌથી મૂલ્યવાન યુનિકોર્ન છે.
જો કે સ્ટાર્ટઅપ્સની બીજી બાજુ પણ છે. તાજેતરમાં બૅંગ્લુરુથી આવેલા અહેવાલોએ આ ક્ષેત્રે સંભાળીને ચાલવાના સંકેત આપ્યા છે. સ્ટાર્ટઅપ ટ્રેકિંગ પ્લેટફોર્મ ટ્રેક્શનના ડેટા દર્શાવે છે કે એકલા બેંગલુરુમાં સ્ટાર્ટઅપ તરીકે ચાલુ થયેલી લગભગ ત્રીજા ભાગની ઓનલાઈન ફૂડ અને ગ્રોસરી ડિલિવરી કંપનીઓએ તેમની કામગીરી બંધ કરી દીધી છે. આ ડેટા એવી સ્ટાર્ટઅપની બીજી બાજુ દર્શાવે છે જેને મોટી સ્ટાર્ટઅપને કારણે જગ્યા મળી નથી.
આ ડેટા અનુસાર, બેંગલુરુમાં 383 ફૂડ અને ગ્રોસરી ડિલિવરી એપમાંથી 129એ તેમની દુકાનો બંધ કરી દીધી છે. નવેમ્બરના છેલ્લા અઠવાડિયે, ફ્રૂટ ડિલિવરી એપ, જુઝીએ ‘પ્રતિકૂળ વ્યાપારી પરિસ્થિતિઓ’ને ટાંકીને તેની એપ બંધ કરી દીધી હતી. આ નિર્ણયથી તેમના મોટા ભાગના બેંગલુરુના ગ્રાહકો આશ્ચર્યચકિત થયા છે. શહેરમાં 11,000થી વધુ સ્ટાર્ટઅપ્સ હોવા છતાં મોટાભાગનું ધ્યાન એ કંપનીઓ પર હોય છે જેણે આ બજારને મોટું બનાવ્યું, જેમ કે -ઓલા, બાયજુ, સ્વિગી અને અન્ય મોટી કંપનીઓ. તેઓએ માત્ર પોતપોતાના ક્ષેત્રોમાં નોંધપાત્ર બજાર હિસ્સો જ કબજે કર્યો નથી પરંતુ અબજો ડોલરના વેલ્યુએશન પર ફંડને સુરક્ષિત કરવામાં પણ વ્યવસ્થાપિત છે.
દેશમાં સ્ટાર્ટઅપ બંધત્વનો આંક હેરાન કરી દે તેવો છે! 2021થી કામગીરી બંધ કરવાની ફરજ પડી હોય એવા સ્ટાર્ટઅપ્સની સંખ્યા બમણીથી વધુ થઈ ગઈ છે. ટ્રેક્શનના ડેટા દર્શાવે છે કે આમાંની ઘણી કંપનીઓ પર ફન્ડિંગને લઈને દબાણ ઊભું થયું હોવાના સંકેતો મળી રહ્યા છે. ટ્રેક્શન અનુસાર, 2021માં ભારતમાં 975 ‘ડેડ-પૂલ’ કંપનીઓ હતી. બીજા શબ્દોમાં કહીએ તો એવી કંપનીઓ જે હવે ચાલુ સ્થિતિમાં નથી. 2022માં આ સંખ્યા બમણાથી વધીને 1996 થઈ ગઈ છે. અહીં છેલ્લા 10 વર્ષમાં સ્થપાયેલી ટેક્નિકલ કંપનીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ઓળખતા લોકોનું કહેવું છે કે ભારતમાં દરેક 500 મિલિયન ડોલર કંપની માટે 10 ગણી વધુ 100 મિલિયન ડોલર વેલ્યુએશન કંપનીઓ છે, જયારે 100 મિલિયન ડોલર કંપની માટે 50 મિલિયન ડોલર વેલ્યુએશન કંપનીઓ 10 ગણી વધુ છે.
આઈ-સ્પિરિટ ફાઉન્ડેશનના સહ-સ્થાપક શરદ શર્માનું કહેવું છે કે, ભારતમાં સ્ટાર્ટઅપ સ્કેલના પાવર-લો થોડા સમય માટે બેકાર થઈ ગયા છે કારણ કે ઘણા બધા VC-PE (વેન્ચર કેપિટલ/પ્રાઇવેટ ઇક્વિટી) ભંડોળ માત્ર મોટા ખેલાડીઓને જ મળી રહ્યું છે. આપણી પાસે પૂરતા પ્રમાણમાં પ્રારંભિક તબક્કાનું મજબૂત ભંડોળ ઇકોસિસ્ટમ નથી. ફંડિંગ ચેનલો પણ ધીમે ધીમે સુકાઈ રહી છે કારણ કે આપણે બીજી વૈશ્વિક આર્થિક મંદી આવતી જોઈ રહ્યા છીએ.
પાવર લો જણાવે છે કે કેટલીક કંપનીઓ અન્ય તમામ કરતાં નોંધપાત્ર રીતે વધુ વેલ્યુ પ્રાપ્ત કરશે. ટ્રેક્શનના ડેટા દર્શાવે છે કે ભારતીય સ્ટાર્ટઅપ્સે કેલેન્ડર વર્ષ 2022ના ત્રીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર)માં 3 બિલિયન ડોલર એકત્ર કર્યા છે, જે પાછલા ક્વાર્ટર કરતાં 57 % વધુ છે અને ગયા વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં એકત્ર કરવામાં આવેલા ભંડોળની સરખામણીમાં 3 ગણા ઓછા હતા. જો કે, જુદા જુદા લોકો ડેટાને અલગ અલગ રીતે જોઈ રહ્યા છે. કેટલાક લોકો માટે બેંગલુરુની સંખ્યા આખા દેશની કહાની સમજવામાં આવે છે. એક્સેલ પાર્ટનર્સના સ્થાપકે જણાવ્યું હતું કે, દેશમાં લગભગ 70,000 કે તેથી વધુ સ્ટાર્ટ-અપ્સમાંથી લગભગ 2,000 સ્ટાર્ટઅપ્સ મૃત્યુ પામ્યા છે. આ સંખ્યા વધારે નથી. તેણે કહ્યું, આ કુલ સ્ટાર્ટઅપના 5 %થી પણ ઓછું છે. તેથી આ આંકડાઓ બહાર લાવવા ખૂબ જ જરૂરી છે કારણ કે લોકોને ખબર હોવી જોઈએ કે સ્ટાર્ટઅપ્સ ખરેખર અદભુત કામ કરી રહ્યા છે. સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે તમામ સ્ટાર્ટઅપમાંથી 20 થી 30 % આગળ વધતા નથી.
જો કે, સૌથી મોટી સમસ્યા એ છે કે ભારતનું મોટાભાગનું VC ફંડિંગ વિદેશમાંથી આવે છે અને ભાગ્યે જ સ્ટાર્ટઅપ્સમાં જાય છે. વાસ્તવમાં તે મોટી કંપનીઓમાં વહેતું રહે છે. આ વર્ષે 29 ઓગસ્ટ સુધી, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડે (DPIIT) દેશના 656 જિલ્લાઓમાં 81,000 થી વધુ સ્ટાર્ટ-અપ્સને માન્યતા આપી હતી પરંતુ તકલીફ એ વાતની છે કે સ્ટાર્ટ-અપ્સને લોકો ઓળખતા જ નથી. શરૂ તો થઈ જાય છે પણ લોકો સુધી પહોંચતા જ નથી. આમાં ફૂડ અને કરિયાણાની ડિલિવરી, મોબિલિટી અને મનોરંજનના સ્ટાર્ટ-અપ્સનો સમાવેશ થાય છે. US અને ચીન જેવા દેશોમાં VC-સમર્થિત ભંડોળમાંથી ઊભા થતા સ્ટાર્ટઅપ્સ ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામે છે, તેને ઘણું ભંડોળ મળે છે. આપણે ત્યાં સ્ટાર્ટઅપ્સના આઈડિયા તો ઘણા છે પણ ફન્ડિંગ મળતું નથી એટલે વહેલા મૃત્યુ પામે છે.