Charchapatra

પ્લેનેટોરિયમ તાત્કાલિક શરૂ કરો

સુરત મહાનગરપાલિકા વિકાસનાં અનેક કામો કરી રહી છે; પરંતુ બાળકો અને યુવાનો માટે બનેલા પ્રકલ્પોની જાળવણીમાં ઊણી ઊતરી રહી છે. 2021 થી સાયન્સ સેન્ટરમાં અપગ્રેડેશન માટે બંધ થયેલું પ્લેનેટોરિયમ હજુ સુધી ચાલુ થઈ શક્યું નથી જે કમનસીબી છે. વિશાળ ગુંબજ આકારની પ્રોજેક્શન સ્ક્રીન પર ડમ્બેલ આકારના પ્રોજેક્ટર દ્વારા પૃથ્વીથી કરોડો માઈલ દૂરના તારાઓને પ્લેનેટોરિયમમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવે છે.સૂર્ય,ચંદ્ર,નિહારિકાઓ,સૌરમંડળના વિવિધ ગ્રહો વગેરેની ગતિવિધિ તેમાં આબેહૂબ રીતે જોઈ શકાય છે. જે દ્વારા સૂર્યમંડળ વિશે ઉપયોગી જ્ઞાન અને માહિતી મળે છે. વિદ્યાર્થીઓને ખગોળશાસ્ત્રમાં રસ લેતાં કરવાં અને તે વિશે સચોટ માહિતી આપવા માટે પ્લેનેટોરિયમ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અમૂલ્ય જ્ઞાન પૂરું પાડતી આ વ્યવસ્થાથી બાળકો અને યુવાનો વંચિત રહી જાય એ અક્ષમ્ય છે. આ પ્લેનેટોરિમ સત્વરે ચાલુ થાય એ અત્યંત જરૂરી છે.
સુરત     – સુનીલ શાહ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સુરતમાં મોટા ઉદ્યોગ ગૃહોની કમી
હાલમાં સુરત શહેરમાં ઘણા મોટા પ્રોજેકટ કાર્યરત છે. તેના માટે કેન્દ્ર અને રાજય સરકારની મદદ સુરત મનપાના અધિકારીઓની મહેનત આવનારાપાંચ કે સાત વર્ષમાં સુરતને ખૂબ ઉંચાઇએ લઇ જશે જેમાં કોઇ બેમત નથી. પરંતુ 82 લાખની વસ્તીવાળા આ શહેરમાં ટાટા, બિરલા, ગોદરેજ, જિંદાલ, ગોએન્કા જેવા મોટા ઉદ્યોગ ગૃહોના કોઇ એકમ નથી. વળી ઓટોમોબાઇલમાં કોઇ મેન્યુફેકચરીંગ કંપની નથી. ફાર્માસ્યુટીકલ, આઇ.ટી. અને ઇલેકટ્રીકલમાં પણ કોઇ નેશનલ લેવલની કંપની સુરત ખાતે કે તેની આજુબાજુમાં પોતાના એકમો સ્થાપવા આવી નથી. આ બધા વિષયોમાં ગ્રેજયુએટ કે પોસ્ટ ગ્રેજયુએટ થનાર યુવકોને સારી નોકરી માટે સુરતની બહાર જવું પડે છે. તો તેના માટે પણ પ્રજાના પ્રતિનિધિઓ અને સુડા અને મનપાના અધિકારીઓ પ્રયત્નો કરે તેવી આશા રાખીએ.
સુરત              – વિકાસ કોઠારી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top