એમ એસ એમ ઈ મેન્યુફેક્ચરમાં આવતાં જે પણ યુનિટો હોય તે તમામે ૩૧ માર્ચના રોજ જે ખરીદેલા માલનાં બિલના 45 દિવસ પૂરાં થતાં હોય તે તમામ બિલના પેમેન્ટ ગમે તેમ કરીને પણ ચૂકતે કરી દેવા પડશે.જો તે બિલ ચૂકતે ના થાય તો તેવા અનપેઇડ બિલની રકમ આવકમાં ગણી લેવામાં આવશે અને તેનો મુજબ ટેક્સ ભરવો પડશે. હવે મંદીને કારણે જે વેપારીનો માલ ન વેચાયો હોય અને સ્ટોક હશે અને ઉઘરાણી ઓછી અને બીલના પેમેન્ટ વધારે હશે તેવા વેપારીઓએ અત્યારથી જ બિલ ચૂકતે કરવા માટે ઘટતી રકમની સગવડ કરી લેવી જરૂરી છે.
એકાંતરે આ કાયદો સારો છે, પરંતુ જો માલ ન વેચાય તો પેમેન્ટ ચૂકવવા માટે નાણાં ઓછાં પડે તો પછી તેવા મેન્યુફેક્ચરે 45 દિવસ પહેલાં ખરીદી બંધ કરી દેવી પડશે અને તેને કારણે ઉત્પાદન પણ બંધ કરી દેવાની નોબત આવી શકે. આવા સંજોગોમાં કામદારોને સાચવવા અને પેમેન્ટ ચૂકતે કરવા એ ઉત્પાદકો માટે બેલેન્સ કરવું અત્યંત કઠિન કામ થઈ જશે. આ કડક કાયદાના કારણે અમુક નાના કે મોટા મેન્યુફેક્ચરોને સરકારે યોજના બનાવી ઓછા વ્યાજે તરત જ લોન મળી શકે તેવી ગોઠવણ કરી આપવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને તકલીફમાં આવતા તમામ વેપારીઓ આ 145 દિવસની સાયકલમાં આસાનીથી ટકી શકે.
અમુક વેપારીઓ ખરીદેલા માલના પેમેન્ટ ચુકવી શકવાની સ્થિતિ નથી. જે ઉત્પાદકોએ વેચેલા માલના પેમેન્ટ આપવાની ગણતરી કરી હોય અને ત્યારે જ માલ પરત આવે છે ત્યારે તે કાયદા મુજબ પેમેન્ટ કેવી રીતે ચૂકવી શકશે? આ નવા કાયદાની સામે આવી અનેક સમસ્યા ઊભી થઇ શકે છે. તે જોતાં વેપારીઓએ દિલ્હી જઈ નાણાં મંત્રીને આ મુજબની રજૂઆત કરી માગણી કરી જ છે ત્યારે સરકારે પણ વેપારીઓની સમસ્યા સમજીને આ કાયદાનો અમલ એક વર્ષ પછી કરવો જોઈએ, જેથી વેપારીઓ કાયદાને સફળ બનાવવા પૂરતી તૈયારી કરી શકે.
સુરત – વિજય તુઇવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.