નવી દિલ્હીઃ ભારતીય-અમેરિકન અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર સાથે સ્પેસ સ્ટેશન પર અટવાયેલું બોઈંગ સ્ટારલાઈનર આખરે ત્રણ મહિના પછી પૃથ્વી પર પાછું ફર્યું છે. ગઈ તા. 7 સપ્ટેમ્બરના રોજ સવારે 9.31 કલાકે ન્યૂ મેક્સિકોના વ્હાઇટ સેન્ડ્સ સ્પેસ હાર્બર પર તે લેન્ડ થયું છે.
સ્ટારલાઈનરે લગભગ 8.58 વાગ્યે તેનું ડીઓર્બિટ બર્ન પૂર્ણ કર્યું છે. તેને જમીન પર ઉતરવામાં લગભગ 44 મિનિટનો સમય લાગ્યો હતો. તેનું હીટશિલ્ડ લેન્ડિંગ સમયે વાતાવરણમાં સક્રિય હતું. ત્યાર બાદ ડ્રોગ પેરાશૂટ એટલે કે બે નાના પેરાશૂટ તૈનાત કરવામાં આવ્યા હતા. છેલ્લે ત્રણ મુખ્ય પેરાશૂટ તૈનાત કરી સફળતાપૂર્વક લેન્ડ કરાયું હતું.
સ્ટારલાઈનરના લેન્ડ બાદ નાસા અને બોઈંગની ટીમ તેને ફરીથી એસેમ્બલી યુનિટમાં લઈ જશે. ત્યાં તેની તપાસ કરવામાં આવશે. હિલીયમ લીક થવાનું કારણ શું છે તે જાણવા મળશે. પ્રોપલ્શન સિસ્ટમમાં સમસ્યા શા માટે આવી?
આ અગાઉ ઓક્ટોબર 2011માં નાસાએ બોઇંગને અવકાશયાન બનાવવા માટે લીલી ઝંડી આપી હતી. સ્ટારલાઇનરને પૂર્ણ કરવામાં છ વર્ષ લાગ્યાં હતા. તે 2017માં બનીને તૈયાર થયું હતું. તેની ટેસ્ટ ફ્લાઈટ્સ 2019 સુધી ચાલુ રહી હતી પરંતુ આ ફ્લાઈટ્સમાં કોઈ માણસ સામેલ ન હતો. આ માનવરહિત ફ્લાઇટ હતી.
સુનીતાની ફ્લાઈટ પણ જોખમી હતી
વર્ષ 2017 માં સ્ટાર લાઈનરની ત્રીજી માનવયુક્ત ઉડાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ વિવિધ કારણોસર તે જુલાઈ 2023 સુધી વિલંબિત થઈ હતી. 1 જૂન, 2023 ના રોજ બોઇંગે કહ્યું કે અમે આ ફ્લાઇટને મુલતવી રાખીએ છીએ. બાદમાં 7 ઓગસ્ટ, 2023 ના રોજ કંપનીએ કહ્યું કે અવકાશયાનની તમામ સમસ્યાઓનો ઉકેલ શોધી લેવાયો છે. આગામી ફ્લાઇટ 6 મે 2024 ના રોજ નક્કી કરવામાં આવી હતી. એટલે કે આ વર્ષે. પરંતુ પછી આ પ્રક્ષેપણ મોકૂફ રાખવામાં આવ્યું હતું. કારણ કે એટલાસ રોકેટમાં ઓક્સિજન વાલ્વમાં થોડી સમસ્યા હતી.
બાદમાં અવકાશયાનમાં હિલિયમ લીક થવાને કારણે પ્રક્ષેપણ મોકૂફ રાખવામાં આવ્યું હતું. આખરે તા. 5 જૂને સુનિતા વિલિયમ્સ અને બેરી બૂચ વિલ્મોર આ અવકાશયાન સાથે અવકાશ માટે રવાના થયા હતા. તેઓ 13 જૂને 8 દિવસ પછી પાછા ફરવાના હતા પરંતુ હજુ પણ તેઓ સ્પેસ સ્ટેશન પર અટવાયેલા છે.