અભિષેક ઉપમન્યુ, સમય રૈના, વિપુલ ગોયલ, આકાશ ગુપ્તા. આ બધા યુટ્યુબની દુનિયાના જાણીતા ચહેરાઓ. આ નામોમાં બે બાબતો સામાન્ય છે. એક, તે બધા સ્ટેન્ડ-અપ કોમેડિયન છે. બીજું, તમે તેના વીડિયોમાં તેની પીઠ પાછળ ‘H’ નું ચિન્હ ઘણીવાર જોયું હશે. આ ચિન્હ ગોળાકાર રચનામાં કોતરેલું છે. આ ‘H’નો અહીં મતલબ ‘ધ હેબિટેટ’ થાય છે. આ સ્થળ સ્ટેન્ડ-અપ કોમેડીનો અડ્ડો બની ગયું છે. કોમેડી સર્કલનો ભાગ્યે જ કોઈ એવો વીડિયો હશે જેમાં કોમેડિયનની પાછળ ‘H’નું ચિન્હ ન હોય. ‘H’ ચિન્હવાળી જગ્યા એ જ જગ્યા છે જ્યાં થોડા દિવસો પહેલા શિવસેનાના કાર્યકરોએ તોડફોડ કરી હતી. એટલું જ નહીં, આ એ જ જગ્યા છે જ્યાં ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટ વિવાદ થયો હતો. આ જગ્યા ક્યાં આવેલી છે? કોણ ચલાવે છે? ભારતીય સ્ટેન્ડ-અપમાં તેની ભૂમિકા શું છે? આ સ્થળ હાસ્ય કલાકારોમાં આટલું લોકપ્રિય કેમ છે? ઘણાં સવાલો છે.
સૌથી પહેલા જાણીએ, આ ક્યાં આવેલું છે? : મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ખારના પોશ વિસ્તારમાં ધ યુનિકોન્ટિનેન્ટલ નામની એક હોટેલ આવેલી છે. આ સ્થળ તેના પહેલા માળે આવેલું છે. શરૂઆતમાં આ જગ્યા 65 સીટર કાફે હતી, પરંતુ લોકોનો રિસ્પોન્સ એટલો જબરદસ્ત મળ્યો કે આ જગ્યાનું એક્સ્પાનશન કરવું પડ્યું હતું.
આ હોટેલમાં ત્રણ પ્રકારના સ્થળો છે:
એક – The Habitat : તેની બેઠક ક્ષમતા 55-70 લોકોની છે.
બીજું – Above The Habitat : તેની બેઠક ક્ષમતા 150-250 લોકોની છે.
ત્રીજું – The Jamroom : આ જગ્યા સંગીત, પોડકાસ્ટ રેકોર્ડ કરવા માટે છે.
અહીં સંગીત, સ્ટેન્ડ-અપ કોમેડી, કવિતા અને લાઇવ ઇવેન્ટ્સ કરવામાં આવે છે.
હવે એ સમજીએ કે, હેબિટેટ આટલું લોકપ્રિય કેમ છે? : આ સ્થળ કોમેડી સર્કલમાં લોકપ્રિય થવા પાછળનું કારણ તેનો કોન્સેપટ છે. તે કોઈપણ પ્રકારની કલા અથવા ટેલેન્ટને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યું હતું, સાથે સાથે સારું ફૂડ અને વિવિધ ડ્રિંક્સના કારણે આ સ્થળ રસિકોમાં પોપ્યુલર બની ગયું હતું. આ સ્થળ ઓપન માઇક તેમજ ઓપન થોટને ટેકો આપતા સ્થળ તરીકે ઉભરી આવ્યું. અહીં, એવા કલાકારોને એક પ્લેટફોર્મ મળ્યું જેઓ કોઈ કારણોસર સ્ટેજ મેળવવાથી વંચિત રહી ગયા હતા. અહીં દરેક પ્રકારના કલાકારો છે, પછી ભલે તે સ્ટેન્ડ-અપ કોમેડિયન હોય, સંગીતકારો હોય, નર્તકો હોય કે થિયેટર કલાકાર હોય. દરેકને કોઈપણ પ્રતિબંધ અને પૂર્વગ્રહ વિના પ્રદર્શન કરવાની તક મળી હતી.
કેટલાક કલાકારોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ સ્થળ એવા સમયે બન્યું હતું, જ્યારે લાઈવ મ્યુઝિક અને કોમેડી ક્લબ લગભગ ખતમ થઈ રહ્યા હતા. યુટ્યુબ શો ‘બી અ મેન, યાર!’ ના હોસ્ટ નિખિલ તનેજા કહે છે કે બ્લુ ફ્રોગ, ધ કોમેડી સ્ટોર અને રેઝબેરી ગેંડા જેવા સ્થળો બંધ કરી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન, એક એવી જગ્યા ઉભરી આવી જે ન તો ખૂબ મોટી હતી અને ન તો ખૂબ નાની. તનેજાએ આગળ કહ્યું, ભારતમાં વિવિધ પ્રકારની પ્રતિભાઓ છે, પરંતુ બહુ ઓછા એવા સ્થળો છે જ્યાં આવા કલાકારોને સપોર્ટ મળે છે. હેબિટેટે આવા લોકોને માત્ર પ્લેટફોર્મ જ પૂરું પાડ્યું નહીં, પરંતુ તેઓને પ્રોત્સાહન પણ આપ્યું હતું. આનાથી શહેરમાં નવા વોઇસ અને વિચારોનો વિકાસ થયો હતો.
પૂણે સ્થિત પોએટ અને સ્ટોરીટેલર કુણાલ ઝાવર કહે છે કે કવિતા લગભગ એક દાયકા પહેલા એક પ્રદર્શન કલા તરીકે ઉભરી આવી હતી. ત્યારે તેને રજૂ કરવા માટે ભાગ્યે જ કોઈ જગ્યા હતી. થોડા કાફે હતા, પરંતુ તે આર્ટ કરતાં ફૂડ પર વધુ ફોક્સ હતા. પરંતુ ધ હેબિટેટ બીજી બધી બાબતો કરતાં આર્ટને પ્રાથમિકતા આપે છે. આ મુદ્દાને સર્જનાત્મક સમુદાય દ્વારા સહેલાઈથી સ્વીકારવામાં આવ્યો હતો. સમય જતાં, ધ હેબિટેટ એક એવી જગ્યા ગણાવા લાગી જે કલાત્મક અભિવ્યક્તિનો પર્યાય બની ગયું. કોમેડી, કવિતા પઠન અને અન્ય કલાના ગમે તે વીડિયો વાયરલ થયા, કલાકારની પાછળ હંમેશા ‘H’નું એક પ્રીમિયમ અને સુંદર ચિન્હ જોવા મળતું હતું. યુટ્યુબની દુનિયામાં ‘H’ લોગો વિશ્વાસનું પ્રતીક બની ગયો હતો.
કલાકારો અને તેમનાં સારા કન્ટેન્ટમાં હેબિટેટનો ‘H’ વિશ્વસનીયતામાં વધારો કરે છે. ધીમે ધીમે હેબિટેટમાં જે કંઈ પણ શૂટ થયું તે વિશ્વસનીય માનવામાં આવતું હતું. પંજાબી હિન્દુસ્તાની કવિ બિક્રમ બુમરાહ ધ હેબિટેટ વિશે કહે છે, આ સ્થળ હંમેશા સ્વતંત્ર કલાકારો માટે ‘મક્કા’ રહ્યું છે.
તમને કોમેડિયન સમય રૈનાનો શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ યાદ હશે. આમાં જોવા મળતી એક વ્યક્તિ અચાનક ઇન્ટરનેટ પર પ્રખ્યાત થઈ ગઈ હતી. શોના જજ, જેને સોશિયલ મીડિયા પર લોકો તેમને ‘બલરાજ: ધ જેન્ટલમેન’ કહેવા લાગ્યા હતા. તેમનું પૂરું નામ બલરાજ સિંહ ઘાઈ છે. તેણે જ 2016માં ધ હેબિટેટ ક્લબની શરૂઆત કરી હતી. બલરાજ મુંબઈ સ્થિત એક પંજાબી ઉદ્યોગપતિ છે. તેમના ઇન્સ્ટાગ્રામ બાયોમાં લખ્યું છે, જે લોકો ટેલેન્ટનો ઉપયોગ બકવાસ માટે કરે છે તેમને પ્રેમ કરો.
બલરાજ માને છે કે મુંબઈમાં એવી જગ્યાઓનો અભાવ છે જ્યાં લાઈવ આર્ટ રજૂ કરી શકાય. આ કારણોસર, તેણે ધ હેબિટેટ શરૂ કર્યું હતું અને લોકોને તેમની છુપાયેલી પ્રતિભા દર્શાવવાની તક આપવાનું શરૂ કર્યું હતું. જે હોટેલ યુનિકોન્ટિનેન્ટલમાં આ સ્થળ આવેલું છે તે ખરેખર બલરાજના પિતાની માલિકીની છે. બલરાજે 2009માં ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ, કેટરિંગ ટેકનોલોજી અને એપ્લાઇડ ન્યુટ્રિશનમાંથી ડિગ્રી લીધી છે. આ પછી તેઓ તેમના પિતા પરમજીત સિંહ ઘાઈના હોટેલ વ્યવસાયમાં જોડાયા હતા. તેમના લિંક્ડઇન બાયો અનુસાર, તેઓ ધ હેબિટેટ સ્ટુડિયો, ધ હેબિટેટ કેન્ટીન અને પિંડ દા ઢાબાના ફાઉન્ડર પણ છે.
સ્ટોરીટેલર કુણાલ ઝાવર બલરાજ વિશે કહે છે, બલરાજ ભાઈએ ક્યારેય કોઈ વિષયનું સમર્થન કર્યું નથી, તેમણે ફક્ત કલાનું સમર્થન કર્યું છે. તેણે ક્યારેય નક્કી કર્યું નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તેઓ હંમેશા કલાકારોને પ્રોત્સાહન આપતા રહે છે. પોએટ બિક્રમ બુમરાહ પણ બલરાજ વિશે કંઈક આવું જ કહે છે. તેમનું કહેવું છે કે બલરાજ સિંહ ઘાઈ એક એવી વ્યક્તિ છે જે ફ્રિડમ ઓફ સ્પીચને પ્રમોટ કરે છે.
કોમેડી શો ઉપરાંત ધ હેબિટેટ, શોર્ટ ફિલ્મો પણ પ્રદર્શિત કરે છે. ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ અલીએ પણ અહીં એક ફિલ્મના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. મુંબઈના એવોર્ડ વિજેતા ફિલ્મ નિર્માતા કબીર ખુરાના પણ શોર્ટ ફિલ્મો માટે સ્ટેજ પૂરું પાડવાની ક્રેડિટ ધ હેબિટેટને આપે છે. તેઓ કહે છે, શોર્ટ ફિલ્મોને ખરેખર જોવા માટે કોઈ સ્થાન હોતું નથી. હેબિટેટે ફિલ્મ નિર્માતાઓને તેમનું કાર્ય પ્રદર્શિત કરવા માટે માત્ર એક પ્લેટફોર્મ જ આપ્યું નહીં, પરંતુ આવી ફિલ્મોની ચર્ચા અને પ્રશંસા કરવા માટે એક કમ્યુનિટી પણ બનાવી છે.
આ ઉપરાંત, 2023માં અહીં એક ઓલ-સ્ટાર કોમેડિયન ઇવેન્ટ, ધ બિગ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાનન ગિલ, અનિર્બાન દાસગુપ્તા અને અઝીમ બંટાવાલા જેવા કોમિક આર્ટિસ્ટ આ ઇવેન્ટમાં સામેલ હતા. સમય રૈના આ સ્ટુડિયોમાં તેની ચેસ મેચોના લાઇવ સેશન્સનું હોસ્ટિંગ અને શૂટિંગ કરતો રહ્યો છે. સમય રૈનાનો વિવાદાસ્પદ શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ યુટ્યુબ પર ખૂબ જ લોકપ્રિય બન્યો હતો. આ શોનું શૂટિંગ ધ હેબિટેટમાં પણ થયું હતું. મુંબઈમાં શૂટ થયેલા બધા એપિસોડ અહીં જ શૂટ થયા હતા. બલરાજ ઘાઈ પોતે સમયના શોમાં જજ અને પેનલિસ્ટ તરીકે ભાગ લેતા હતા.
હવે મૂળ વાત પર આવીએ કે, આજે અહીં આ સ્થળની ચર્ચા કેમ? તમને ખબર જ હશે કે કુણાલ કામરાના એક વીડિયોથી વિવાદ એટલો વધી ગયો છે કે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનએ ધ હેબિટેટ સામે કાર્યવાહી કરી છે. બીએમસીએ ધ હેબિટેટ ખાતે ટેરેસ પરના અનધિકૃત બાંધકામને તોડી પાડ્યું છે. આ ઉપરાંત ક્લબમાં થયેલી તોડફોડ અંગે ધ હેબિટેટે પોતાનું નિવેદન બહાર પાડ્યું હતું અને ક્લબને કામચલાઉ બંધ કરવાની જાહેરાત કરવી પડી છે!
ધ હેબિટેટે સોશિયલ મીડિયા પર લખ્યું, તાજેતરની ઘટનાઓથી અમે આઘાત અનુભવીએ છીએ. કલાકારો તેમના વિચારો અને સર્જનાત્મકતા માટે સંપૂર્ણપણે જવાબદાર છે. આની સાથે અમારો કોઈ સંબંધ નથી. અમે ક્યારેય કોઈ કલાકારના સબ્જેક્ટ કે કન્ટેન્ટમાં સામેલ થયા નથી, પરંતુ તાજેતરની ઘટનાઓએ અમને પુનર્વિચાર કરવા મજબૂર કર્યા છે કે શા માટે હંમેશા અમને દોષિત ઠેરવવામાં આવે છે અને નિશાન બનાવવામાં આવે છે. જાણે કે અમે જ કન્ટેન્ટ બનાવ્યું હોય. અમે ફેંસલો કર્યો છે અમે ત્યાં સુધી કામ બંધ રાખશું, જ્યાં સુધી અમને ખાતરી ન થાય કે અમને, અમારી મિલકતને કોઈ ખતરો નથી. અમે અમારી મિલકતને જોખમમાં મૂક્યા વિના મુક્ત અભિવ્યક્તિ માટે કોઈ પ્લેટફોર્મ નહીં મળે ત્યાં સુધી વાપસી નહીં કરીએ. અમે બધા કલાકારો અને પ્રેક્ષકોને મુક્તપણે ચર્ચા કરવા અને તેમના મંતવ્યો શેર કરવા આમંત્રણ આપીએ છીએ.
ધ હેબિટેટ ફરી ક્યારે શરૂ થશે તે અંગે હાલમાં કોઈ માહિતી ઉપલબ્ધ નથી. બીજી તરફ, કુણાલ કામરાએ આ મામલે માફી માગવાનો ઇનકાર કરી દીધો છે. કુણાલ કામરાનો વિવાદ કેટલો ચાલશે એ તો હવે મહારાષ્ટ્રની સરકાર, પોલીસ અને ખુદ કુણાલ જાણે.

