National

તમિલનાડુમાં અભિનેતા વિજયની રેલીમાં ભાગદોડ, 30થી વધુ લોકોના મોત, અનેક ઘાયલ

તમિલનાડુના કરુર જિલ્લામાં અભિનેતા વિજયની રેલીમાં ભાગદોડ થતાં 30થી વધુ લોકોના મોતની આશંકા છે. આ રેલીનું આયોજન તમિલનાડુ વેટ્રી કઝગમના નેતા અને અભિનેતા વિજય દ્વારા કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન અચાનક ભાગદોડ મચી ગઈ. પીડિતોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. તમામ ઘાયલોને કરુર જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

તમિલનાડુના કરુરમાં શનિવારે સાંજે અભિનેતા વિજયની રેલીમાં ભાગદોડ મચી હતી જેમાં 31 લોકોના મોત થયા હતા. મૃતકોમાં કેટલાક બાળકો પણ હતા, એમ તમિલનાડુના આરોગ્ય પ્રધાન એમ.એ. સુબ્રમણ્યમે જણાવ્યું હતું. અકસ્માતમાં 60 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

અહેવાલો અનુસાર અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની પાર્ટી તમિલનાડુ વેટ્રી કઝગમ (ટીવીકે) ની રેલી માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. વિજયના ભાષણ દરમિયાન ભીડ ઉભરાઈ ગઈ હતી જેના કારણે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભીડને કારણે ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી અને ઘણા લોકો અને કાર્યકરો બેભાન થઈ ગયા. પરિસ્થિતિ વધુ વણસી રહી જોઈને વિજયે પોતાનું ભાષણ બંધ કર્યું અને શાંતિની અપીલ કરી. પછી તે ત્યાંથી ચાલ્યા ગયા.

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, “કરુરમાં થયેલા દુ:ખદ અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું. નિર્દોષ લોકોના જીવ ગુમાવવા ખરેખર હૃદયદ્રાવક છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.”

તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને કહ્યું કે કરુરથી આવી રહેલા સમાચાર ચિંતાજનક છે. બે મંત્રીઓ અને સ્થાનિક ધારાસભ્ય ઘાયલોને મદદ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમણે જિલ્લા કલેક્ટરને ભીડમાં ફસાઈ ગયેલા અને હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોને તાત્કાલિક તબીબી સંભાળ પૂરી પાડવા સૂચના આપી છે. તેમણે કહ્યું કે તેમણે પડોશી તિરુચિરાપલ્લી જિલ્લાના મંત્રીને પણ યુદ્ધના ધોરણે તમામ જરૂરી સહાય પૂરી પાડવા સૂચના આપી છે. વધુમાં તેમણે એડીજીપી સાથે વાત કરી છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે. તેમણે જનતાને ડોકટરો અને પોલીસને સહયોગ આપવા વિનંતી કરી છે.

Most Popular

To Top