ઓડિશાના પુરીમાં રવિવારે સવારે 4 વાગ્યે જગન્નાથ રથયાત્રા પછી ભાગદોડ મચી ગઈ હતી. આમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 50 ઘાયલ છે. ઘાયલોમાંથી 6 લોકોની હાલત ગંભીર છે. આ અકસ્માત જગન્નાથ મંદિરથી લગભગ 3 કિમી દૂર ગુંડીચા મંદિરની સામે થયો હતો. ભગવાન જગન્નાથના નંદીઘોષ રથને જોવા માટે અહીં મોટી ભીડ એકઠી થઈ હતી જે દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી.
રથયાત્રામાં ભાગદોડ થયા બાદ ઓડિશા સરકારે કડક કાર્યવાહી કરી છે. મોહન માઝી સરકારે પુરીના જિલ્લા કલેક્ટર અને એસપીની બદલી કરી છે અને ફરજમાં બેદરકારી બદલ ડીસીપી વિષ્ણુ પતિ અને કમાન્ડન્ટ અજય પાધીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ સાથે મુખ્યમંત્રી કાર્યાલયે ભાગદોડમાં માર્યા ગયેલા ભક્તોના પરિવારોને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ વિકાસ કમિશનરની દેખરેખ હેઠળ વિગતવાર વહીવટી તપાસના આદેશ આપ્યા છે. ચંચલ રાણાને નવા જિલ્લા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે પિનાક મિશ્રાએ નવા એસપી તરીકે કાર્યભાર સંભાળ્યો છે.
ભાગદોડમાં ઓછામાં ઓછા 3 ભક્તોના મોત
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ રવિવારે (29 જૂન, 2025) પુરીમાં એક મંદિર પાસે થયેલી ભાગદોડ માટે ભગવાન જગન્નાથના ભક્તોની માફી માંગી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારની વહેલી સવારે શ્રી ગુંડીચા મંદિર પાસે થયેલી ભાગદોડમાં લગભગ 50 અન્ય લોકો ઘાયલ થયા હતા.
સીએમ માઝીએ માફી માંગી
સીએમ માઝીએ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું, ‘હું અને મારી સરકાર બધા જ જગન્નાથ ભક્તોની માફી માંગીએ છીએ. અમે ભાગદોડમાં જીવ ગુમાવનારા ભક્તોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. મહાપ્રભુ જગન્નાથને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. તેમણે એમ પણ કહ્યું કે સુરક્ષામાં થયેલી ખામીની તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’
જગન્નાથ રથ મોડો પહોંચ્યો, લોકો તેને જોવા માટે પડાપડી કરવા લાગ્યા
પુરીની રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ તેમના માસીના ઘર ગુંડીચા મંદિરની સામે 9 દિવસ માટે ઉભા રહે છે. બલભદ્ર અને સુભદ્રાના રથ અહીં પહેલાથી જ પહોંચી ગયા હતા. જગન્નાથ રથ મોડો પહોંચ્યો, જેના કારણે લોકોએ તેને જોવા માટે પડાપડી શરૂ કરી. આ દરમિયાન નાસભાગ મચી ગઈ, જેમાં ઘણા લોકો પડી જવાથી કચડાઈ ગયા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે ત્યાં પૂરતો પોલીસ દળ તૈનાત નહોતો.