SURAT

રેમડેસિવિર બાબતે લેવાયો હવે આ નિર્ણય: સુરતની વાસ્તવિકતા સમજયા વગર કલેક્ટર આડેધડ નવા નવા ફતવા કાઢી રહયા છે

સુરતઃ (Surat) સુરત જિલ્લા પ્રશાસન કોરોના સામે ઝઝુમવામાં નિષ્ફળ રહયુ છે. રોજબરોજ નવા નવા ફતવા બહાર પાડી જિલ્લા કલેકટર (Collector) રેમડેસિવિર ઇન્જેકશનની વ્યવસ્થામાં બદલાવના નામે પ્રયોગો કરી રહયા છે. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાએ કોહરામ મચાવ્યો છે. કોરોનાએ સુરતને એવી રીતે ઝપટમાં લીધુ છે. તેની સામે આખુ વ્યવસ્થાતંત્ર વેરવિખેર થઇ ગયુ છે. સુરત શહેરમાં હોસ્પિટલ્સમાં બેડ નથી. ઓકસિજન નથી. અને છેલ્લે બાકી હતુ તે દવાખાને તરફડતા પેશન્ટને સારવાર માટે આપવામાં આવતા રેમડેસિવિર ઇન્જેકશનના પણ ઠેકાણા નથી. સુરત શહેરની હાલત દિનબદિન બદતર થઇ રહી છે. પરંતુ સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ પોતે ડોકટર હોવા છતાં વાસ્તવિકતા સમજી શકયા નથી. રેમડેસિવિર ઇન્જેકશનની (Injection) કટોકટી ખાળવા માટે તેમને પરિત્રો કાઢવા સિવાય કઇ વિશેષ ઉકાળ્યુ નથી. સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ આરંભથી રેમડેસિવિર વ્યવસ્થા કરવામાં ગોથુ ખાઇ ગયા છે. રેમડેસિવિર માટે તેમને રોજબરોજ નવી નવી સૂચનાઓ આપી ફતવાઓ બહાર પાડયા છે. શરુઆતમાં ઇન્જેકશન માટે પેશન્ટના રીલેટીવઝને અને હોસ્પિટલને સ્ટાફને લાઇનમાં (Line) ઉભા રાખ્યા હતા.

પછી માત્ર હોસ્પિટલ સત્તાધિશોને ઇન્જેકશન લેવા કાકલૂદીઓ કરી પરંતુ હોસ્પિટલ સત્તાધિશો ટસનામસ ન થતા આખરે પેશન્ટના સબંધીઓને ઇન્જેકશન માટે કલાકો લાઇન ઉભા રાખીને તડપાવ્યા હતા. હવે આજે કલેકટર સાહેબે આવતીકાલથી ફરી ઇન્જેકશન વ્યવસ્થામાં ફેરફાર કરતો ફતવો બહાર પાડયો છે. કલેકટરે હવે આવતીકાલથી માત્ર અને માત્ર હોસ્પિટલને જ ઇન્જેકશન આપવા સમય અને ઠેકાણા સાથે શિડયુલ જાહેર કરી દીધુ છે. આ વાત સુરત શહેરમાં વાયુવેગે પ્રસરતા ફરી એકવખત જિલ્લા કલેકટર ઉપર ફીટકાર વરસી રહયો છે. સુરત શહેરમાં માત્ર મોટી હોસ્પિટલ જ હોય તેવા વ્હેમમાં રાચતા કલેકટરે ફતવો બહાર પાડી દીધો છે. તેમને સુરત શહેરના ખૂણે ખાંચરે ચાલી રહેલા નાની હોસ્પિટલ તથા ઘરે સારવાર લઇ રહેલા પેશન્ટના શ્વાસની કિંમત નતી. તેમને મન મોટી હોસ્પિટલો જ સારવાર આપે છે તેવી ગ્રંથિ બંધાઇ છે.જેને લઇને આરંભથી પરિપત્ર બહાર પાડવા સૂરા સાબિત થયેલા કલેકટર વ્યવસ્થામાં સંદતર નિષ્ફળ નિવડયા છે. જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ મેડિસીન ફેકલ્ટીમાંથી આવતા હોવા છતાં મેડિકલ ઇમરજંસી ખાળવામાં ગફલત કરી ગયા છે. હવે તેમને એપેડિમિક એકટના નામે હોસ્પિટલ ઉપર તવાઇ લાવવાના ખોખારા ખાધા છે. જો કે કલેકટરે બહાર પાડેલા આ પરિપત્રને હોસ્પિટલ ઓથોરિટી કઇ રીતે મૂલવશે તે તો સમય જ બતાવશે.

હોમઆઇસોલેટ રહી ઇન્જેકશન લઇ રહેલા અંગે કોઇ ફોડ નહિં
સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલએ આજે ફરી રેમડેસિવિર અંગે નવો ફતવો બહાર પાડી વિવાદને તેડુ આપ્યુ છે. તેમને ખાનગી હો્સિપટલને ઇન્જેકશન આપવાની વાતો કરી ઘરે સારવાર લઇ રહેલા કે નાના દવાખાને સારવાર લઇ રહેલાઓના શ્વાસ થંભાવી દીધા છે, જિલ્લા કલેકટરને કદાચ નહિ ખબર હોય પરંતુ સુરત શહેરમાં એવા કેટલાય લોકો છે. જેઓ જનરલ પ્રેકટિશનર પાસે ઘરે બોલાવી કોરોનાની સારવાર લઇ રહયા છે. આવા પેશન્ટને આવતીકાલથી ઇન્જેકશન કેવી રીતે ઉપલબ્ધ થશે. એક તરફ જેમ તેમ ઘરે ડોકટર વીઝીટ માટે આવવા તૈયાર થતા હોય છે તેવા સંજોગોમાં ઇન્જેકશનની પળોજણ ડોકટરો કઇ રીતે દૂર કરશે તે કલેકટર સામે મો ફાડીને ઉભેલો વિકરાળ પ્રશન છે.

કાલથી માત્ર હોસ્પિટલને જ ઇન્જેકશન અપાશે
દર્દીના સગાસબંધીઓને નવી સીવીલ હોસ્પિટલ ખાતે લાઈન લગાવવામાંથી મુક્તિ મળશે. ડાયરેકટ હોસ્પિટલના ઓફિશ્યલ મેલથી દર્દીની વિગત ભરી કલેકટરને વિગત મોકલનારને જ ઈન્જેકશન ફાળવવામાં આવશે. કોઈ પણ વ્યક્તિગત મેઈલ કરનારને ઇન્જેક્શનની ફાળવણી કરાશે નહીં. ઇન્જેક્શનની ફાળવણી માટે ખાનગી હોસ્પિટલએ પોતોના દરેક દર્દીને ધ્યાને લઈ ચોક્કસ માહિતી ભરીને Covid19.inj21@gmail.com ઉપર મોકલવાની રહેશે. આ મેઈલ સવારે 8 થી 12 વાગ્યા સુધીમાં જ કરવાનો રહેશે. કલેકટરે નિયત કરેલી ડેડલાઇન પછીના સમયે કરવામાં આવેલા ઇમેઈલને ધ્યાને લેવાશે નહીં. ખાનગી હોસ્પિટલોએ દર્દીના સંબંધીઓને મોકલવાના રહેશે નહીં તેવો સ્પષ્ટ આદેશ અપાયો છે.કારણકે ઇનજેકશનની લાઇનમાં દર્દીના સંબંધીની ભીડ એકત્ર થતા સંક્રમણનો ભયસ્થાનો રહેલા છે.. કલેક્ટરને સમય પર કરાયેલા મેઈલ બાદ ઇન્જેક્શનની ફાળવણી નવી સિવિલ હોસ્પિટલમાં બારી નંબર 7 પરથી સાંજે 5 થી રાત્રે 8 વાગ્યા સુધી કરાશે. આ વ્યવસ્થા ચોર્યાસી તાલુકા અને સુરત શહેર માટે કરવામાં આવી છે.

દર્દીના સંબંધીને દોડાવ્યા તો કડક પગલા ભરાશે
ખાનગી હોસ્પિટલ લાખો રૂપિયાનું બીલ લીધા પછી પણ ઇન્જેક્શન માટે દર્દીના સંબંધીઓને ધક્કે ચઢાવવામાં આવી રહ્યા છે. દર્દીના સંબંધીઓને લાંબી લાઈનોમાં મોકલી આપતા કોરોનાનું સંક્રમણ વધારે વકરે તેવી ભીતિ પણ છે. જોકે કલેક્ટરે આજે વિતરણ વ્યવસ્થામાં બદલાવ કરી દર્દીના સંબંધીઓને નવી સિવિલમાં નહીં આવવા અપીલ કરી હતી. અને સાથે જ ખાનગી હોસ્પિટલોને ફરજીયાતપણે તેમના અધિકૃત વ્યક્તિને નવી સિવિલમાં મોકલવા સૂચના આપી છે. જો ખાનગી હોસ્પિટલ દર્દીના સંબંધીને દોડાવશે તો કડક પગલા ભરાશે.

Most Popular

To Top