Vadodara

મધરાત્રીથી ST કર્મીઓની હડતાળની ચીમકી

વડોદરા : છેલ્લાં કેટલાક વર્ષોથી રજુઆત છતાં પણ સરકાર દ્વારા માંગણી સંદર્ભે યોગ્ય નિર્ણય નહીં લેવાતા એસટી કર્મચારીઓએ એસટી ડેપો ખાતે દેખાવો કરી બુધવાર મધરાત્રીથી હડતાળની ચીમકી ઉચ્ચારી છે. રાજ્ય સરકારમાં છેલ્લાં કેટલાક વર્ષોથી વિવિધ માંગણીઓ સંદર્ભે એસટી કર્મચારીઓ રજુઆત કરી રહ્યા છે. જેમની રજુઆતને લઈને કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી.જેથી એસટીના કર્મચારીઓએ ભારે સુત્રોચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.આ ઉપરાંત તેમણે તેમની માંગણીને લઈને યોગ્ય નિર્ણય નહીં લેવાય તો 20 મી ઓક્ટોમ્બરની રાત્રીએ બસના પૈડાં થંભાવી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. 

એસટી નિગમ રાજ્યના છેવાડાના માનવીને નહી નફો – નહીં નુકસાનના ધોરણે સસ્તી, સારી અને સલામત પરિવહન સેવા પુરી પાડે છે. જ્યારે રાજ્ય સરકારનું મોટામાં મોટું જાહેર સેવા સાહસ છે. એસ.ટી.નિગમના કર્મચારીઓ રાત- દિવસ, તડકો-છાયડો,ઠંડી -ગરમી કે વરસાદ કુદરતી કે માનવ સર્જીત આફતો વખતે પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાજ્યની પ્રજાની સેવામાં સતત ખડેપગે રહી પોતાની ફરજો બજાવે છે. આટ-આટલી સેવા નિષ્ઠા હોવા છતાં નિગમ, સરકારનું નિષ્ઠુર વહીવટીતંત્ર એક યા બીજા બહાના હેઠળ એસટી નિગમના કર્મચારીઓના આ પ્રાણ પ્રશ્નો પ્રત્યે ઉદાસીન વલણ અપનાવી સતત અવહેલના કરતું હોય તેવું જણાઇ રહ્યું છે.

એસ.ટી.નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે સંકલન સમિતિ દ્વારા નિગમના વહીવટી વડા તેમજ સરકારમાં આ અગાઉ પણ વારંવાર લેખીત તેમજ મૌખિક રજુઆતો કરવા છતાં તે પડતર પ્રશ્નોનો આજ દિન સુધી કોઇ જ ન્યાયિક નિરાકરણ નહીં આવતા એસટી કર્મચારીઓમાં અસંતોષ અને રોષની લાગણી ફેલાઈ છે. નોંધનીય છે કે તહેવારો ટાળે ગુજરાત એસટીના સંગઠનો દ્વારા સંયુક્ત આંદોલન કરવાનું એલાન આપવામાં આવ્યું છે. જેના કારણે વડોદરા એસટી ડિવિઝનને એક દિવસમાં 42 લાખનું નુકશાન વેઠવાની નોબત આવશે.
જ્યારે બીજી તરફ લાખો મુસાફરો અટવાઈ જશે.

Most Popular

To Top