આણંદ : સંતરામપુર ખાતે કારગીલ પેટ્રોલ પંપની સામે રહેતા નિવૃત્ત એસટી કર્મચારી રવિવારની રાત્રે નજીકમાં રહેતી દિકરીના ઘરે ગયાં હતાં. તે દરમિયાન તેમના બંધ મકાનમાં ઘુસેલા તસ્કરોએ રોકડ અને દાગીના મળી કુલ રૂ.5.50 લાખની મત્તા ચોરી કરી ગઇ ગયાં હતાં. સંતરામપુરના કારગીલ પેટ્રોલ પંપની સામે રહેતા મહંમદઇલ્યાસ મજીદભાઈ ઘાંચી એસટી નિગમમાંથી 2015માં નિવૃત્ત થયાં હતાં. તેઓ તેમના નાના પુત્ર જાવેદભાઈ સાથે રહેતાં હતાં. જાવેદભાઈ પણ એસટી ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. જાવેદભાઈના પત્ની તેમના પિયર ગયાં હતાં. તે દરમિયાન મહંમદઇલ્યાસ ઘાંચી ઘરે એકલા હોવાથી નજીકમાં રહેતી તેમની િદકરીના ઘરે 9મી જાન્યુઆરીના રોજ ગયાં હતાં. બીજા દિવસે વ્હેલી સવારે મહંમદઇલ્યાસ ઘરે પરત ફરતાં મકાનના લોખંડનો દરવાજો ખુલ્લો હતો, ઘરના બીજા રૂમમાં સામાન વેર વિખેર પડ્યો હતો. આ જ રૂમમાં મુકેલી તિજોરીનો દરવાજો તૂટેલો હતો અને તિજોરીમાંથી રોકડા રૂ.3.50 લાખ, દાગીના રૂ.2 લાખ મળી કુલ રૂ.5.50 લાખની મત્તા ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત બાજુમાં રહેતા સબ્બીરભાઈ શેખના મકાનનું પણ તાળું તુટ્યું હતું. આ અંગે સંતરામપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આમ એક સાથે બે મકાનના તાળા તૂટતાં સંતરામપુરમાં ફફડાટ ફેલાયો છે.
એસટી કર્મીના મકાનમાંથી 5.50 લાખની મત્તા ચોરાઇ
By
Posted on