Gujarat

મહેસાણામાં આભ ફાટ્યું, સાબરકાંઠાના હમીરગઢમાં એસટી બસ ડુબી, ડ્રાઈવરે છત પર ચઢી જીવ બચાવ્યો

હિંમતનગરઃ ત્રણ દિવસના વિરામ બાદ ગુજરાતમાં ફરી મેઘરાજાએ ધડબડાટી બોલાવવાનું શરૂ કર્યું છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારબાદ હવે સ્થિતિ કાબૂમાં આવી છે અને વરસાદી પાણી ઓસર્યા છે. ત્યાં તો ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી અમદવાદમાં કાળાડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. 10 વાગે પણ વહેલી સવારના 5 વાગ્યા એવો માહોલ હતો. વહેલી સવારથી ધીમી ધારે શરૂ થયેલા વરસાદે જમાવટ કરતાં ધોધમાર વરસ્યો છે.

સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના હમીરગઢમાંથી અહેવાલ સામે આવ્યો છે. પાણી ભરેલા રેલવે અન્ડર પાસ માંથી એસટી બસને પસાર કરવાનો ડ્રાઈવર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રયાસ નિષ્ફળ ગયો અને બસ પાણીમાં ડૂબી ગઈ હતી.

હિંમતનગરથી વીરાવડા વાયા હમીરગઢ જઈ રહેલી એસટી બસ અંદરબ્રિજના પાણીમાં ગરકાવ થઈ હતી. આ બસ સેન્સરના કારણે બંધ પડી ગઈ હતી. પાણી ભરાય તે પૂર્વે એસટી બસ અંડરબ્રિજમાં જ સેન્સરના કારણે બંધ પડી ગઈ હતી. આસપાસના ખેતરોનું તેમજ ગામનું પાણી અંડરબ્રિજમાં ફરી વળ્યું હતું.

સદનસીબે બસમાં અન્ય કોઈ પેસન્જર સવાર નહોતાં નહીંતર પરિસ્થિતિ ગંભીર બની જાય તેવી શક્યતા હતી. બસ ડૂબતા ડ્રાઈવર અને મહિલા કંડક્ટર બસની છત પર ચઢી ગયા હતા. જો કે આ દ્રશ્યો જોઈને સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને દોરડાની મદદથી બન્નેનો જીવ બચાવ્યો હતો.

મહેસાણામાં 4 કલાકમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
મહેસાણા જિલ્લાના તમામ 10 તાલુકામાં વરસાદ વરસ્યો છે. મહેસાણામાં 4 કલાકમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. 4.5 ઈંચથી વધુ વરસાદે મહેસાણાને ઘમરોળ્યું છે. મહેસાણા શહેરના મોઢેરા રોડ, હીરા નગર રોડ, બસ પોર્ટ, બે નાળા સહિત અનેક વિસ્તારમાં પાણીમાં ગરકાવ થયા હતા. વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મહેસાણા જિલ્લાના વિસનગર અને વડનગર એક-એક ઇંચ વરસાદ વરસ્યો છે. મહેસાણાના રસ્તાઓ બેટમાં ફેરવાયા, કેટલાક સ્થળ પર તો ગળાડૂબ અને કમર સુધીના પાણી ભરાયા હતા. વિજાપુરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. કડી, બહુચરાજી અને જોટાણામાં અડધો-અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. અન્ય તાલુકામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.

Most Popular

To Top