નવસારી : કોલાસણા ગામ પાસે સુગર ફેક્ટરી પાસે ટ્રક પાછળ એસ.ટી. બસ (ST BUS) ભટકતા કંડકટર (Conductor) અને ત્રણ પેસેન્જરોને (Passengers) ઈજા (Injury) થઇ હોવાનો બનાવ મરોલી પોલીસ મથકે નોંધાયો છે.મળતી માહિતી મુજબ, વલસાડના અબ્રામા ગામે ટાપાવાડ પાવરહાઉસની સામે રહેતા નરેશભાઈ લલ્લુભાઈ આહિર એસ.ટી. બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ગત 3જીએ નરેશભાઈ વલસાડ એસ.ટી. ડેપોની બસમાં પેસેન્જરો ભરી સુરત જવા નીકળ્યા હતા. જે બસમાં કંડકટર તરીકે રંજનબેન બાબુભાઈ માહલા ફરજ ઉપર હતા. નરેશભાઈ વલસાડથી ચીખલી અને નવસારી એસ.ટી. ડેપોથી પેસેન્જરો ભરી સુરત તરફ જવા નીકળ્યા હતા. દરમિયાન કસ્બા પાર ગામ પસાર કરી કોલાસણા ગામ સુગર ફેક્ટરીના સામે રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે એસ.ટી. બસની આગળ ચાલતા ટ્રકના ચાલકે સિગ્નલ બતાવ્યા અચાનક ટ્રક રસ્તાની વચ્ચે ઉભી રાખી દીધી હતી.
3 પેસેન્જરોને શરીરે ઈજાઓ થઇ
પાછળ આવતી એસ.ટી. ભટકાઈ હતી. જે અકસ્માતના કારણે નરેશભાઈ, કંડકટર રંજનાબેન અને 3 પેસેન્જરોને શરીરે ઈજાઓ થઇ હતી. આ બનાવ અંગે નરેશભાઈએ મરોલી પોલીસ મથકે ગણદેવી તાલુકાના બીલીમોરા દેસરા ગીરીરાજ નગરમાં રહેતા ધર્મેન્દ્ર નન્હુક પ્રસાદ દુબે વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ એ.એસ.આઈ. ગોપાળભાઈને સોંપી છે.
અજાણ્યા વાહન અડફેટે વૃદ્ધનું મોત
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર આમડપોર ગામ પાસે અજાણ્યા વાહન અડફેટે વૃદ્ધનું મોત નીપજયાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાના ધારાગીરી ગામે હરકિશનભાઈ દયાળજીભાઈ સુરતી (ઉ.વ. 64) તેમના પરિવાર સાથે રહેતા હતાં. ગત 28મીએ તેઓ સાંજે ચાલવા માટે ગયા હતા. દરમિયાન નેશનલ હાઇવે નં. 48 ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતા તેઓ રસ્તા પર પટકાયા હતાં. જેના કારણે તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમને વધુ સારવારની જરૂરિયાત જણાતા સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. પરંતુ હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આગળની તપાસ પી.એચ. કછવાહાએ હાથ ધરી છે.