સુરત: ડિરેક્ટોરેટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સની એક યુનિટ દ્વારા શુક્રવારે શહેરના ત્રણ ફરસાણ વિક્રેતાઓને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી હતી. જોકે ડીજીજીઆઇના અધિકારીઓએ આ અંગે કોઇ ફોડ પાડવાનો ઇન્કાર કર્યો હતો.
સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ, ડીજીજીઆઇને મળેલી સુચના અનુસાર કેટલાક સ્વીટ વિક્રેતાઓ અને ફરસાણ વિક્રેતાઓ દ્વારા ટેક્સચોરી કરવામાં આવી રહી હોવાની માહિતીના આધારે ડીજીજીઆઇની એક યુનિટે ધરતી, મહાવીર, સ્તુતિની તમામ શાખાઓ પર તપાસ કરી હતી. મોડી રાત સુધી તમામ સ્થળો પર ખરીદી-વેચાણના બિલો અને જીએસટીની ડિટેલ તપાસવામાં આવી હતી.
વિભાગે તમામ સ્થળો પરથી મોટાપાયે દસ્તાવેજો જપ્ત કર્યા છે. જીએસટીના કાયદા પ્રમાણે ફરસાણ આઇટમ પર 12 ટકા લેખે જીએસટી વસુલવામાં આવે છે પરંતુ અહીં ફરસાણ વિક્રેતાઓ દ્વારા માત્ર પાંચ ટકા લેવામાં આવતા હતા. મોડી રાત સુધી તમામ સ્થળો પર ડીજીજીઆઇની કાર્યવાહી જારી રહી હતી. આ અંગે ડીજીજીઆઇ દ્વારા કોઇ માહિતી મળી શકી નહતી.