Vadodara

SSG હોસ્પિટલમાં બાયો-મેડિકલ વેસ્ટની બાજુમાં ખાણી-પીણીની લારીઓ ઉભી કરી દેવાઈ

હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી, આરોગ્ય સામે જોખમ
(પ્રતિનિધિ) વડોદરા, તા. 12
એક તરફ વડોદરા મહાનગરપાલિકા મહાશિવરાત્રીના પર્વને ધ્યાનમાં રાખી ‘શિવજી કી સવારી’ના રૂટ પર દબાણો હટાવી સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવાની કાર્યવાહી કરી રહી છે, ત્યારે બીજી તરફ શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ (SSG)ના પ્રાંગણમાં ગંભીર બેદરકારી સામે આવી છે.
હોસ્પિટલ પરિસરમાં જ્યાં અત્યંત જોખમી બાયો-મેડિકલ વેસ્ટ (તબીબી કચરો) સંગ્રહિત કરવામાં આવે છે, તેની બિલકુલ બાજુમાં ખાણી-પીણીની લારીઓ ઉભી કરાઈ હોવાનું જોવા મળ્યું હતું.

દબાણ શાખાની કાર્યવાહીથી બચવા માટે લારી-ગલ્લાં ધારકોએ પોતાના વાહનો હોસ્પિટલના પ્રાંગણમાં ખસેડતા આરોગ્ય અને સ્વચ્છતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.આ સમગ્ર ઘટનાએ સયાજી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ આધારે કાર્યરત સિક્યુરિટી એજન્સીની કામગીરી પર પણ સવાલો ઊભા કર્યા છે. લારી-ગલ્લાં હોસ્પિટલ પરિસરમાં પ્રવેશે ત્યારે સુરક્ષા ગાર્ડ્સે તેમને કેમ રોક્યા નહીં, તે બાબત ચર્ચાનો વિષય બની છે. દર્દીઓ, તેમના સગાં અને આરોગ્ય કર્મચારીઓની અવરજવરવાળા વિસ્તારમાં આ પ્રકારની બેદરકારીને કારણે ચેપ ફેલાવાનો જોખમ વધી શકે તેમ છે.

આ મુદ્દે સયાજી હોસ્પિટલના RMO ડૉ. હિતેન્દ્ર ચૌહાણનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, પાલિકાની દબાણ શાખા દ્વારા કાર્યવાહી દરમિયાન કેટલાક લારી ધારકોએ હોસ્પિટલ પરિસરમાં પોતાના ગલ્લાં મૂક્યા હતા. આ બાબતની જાણ થતાં તાત્કાલિક રીતે તમામ લારીઓ હટાવી લેવામાં આવી છે. સાથે જ સુરક્ષા સ્ટાફને આવી ઘટના ફરી ન બને તે માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

હાલ આ મુદ્દે હોસ્પિટલ પ્રશાસન દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે, જોકે આરોગ્ય સંસ્થામાં આવી બેદરકારી સામે ફરી કડક નિયંત્રણોની માંગ ઉઠી રહી છે.

Most Popular

To Top