National

રામ મંદિરમાં માથામાં ગોળી વાગતા સુરક્ષા કર્મીનું મોત

અયોધ્યા: રામજન્મભૂમિ સંકુલમાં એક SSF જવાનને (SSF jawan) શંકાસ્પદ સંજોગોમાં ગોળી (Bullet) વાગી હતી, જેના કારણે તેનું મોત (Died) થયું હતું. આ જવાન રામજન્મભૂમિની સુરક્ષા માટે તૈનાત હતો. જો કે, ગોળી કઇ રીતે વાગી તે અંગેની માહિતી સામે આવી ન હતી. પરંતુ ગોળી વાગતા જ અન્ય સુરક્ષાકર્મીઓએ મૃતકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાંથી તેને ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યો હતો અને ટ્રોમા સેન્ટરના તબીબોએ જવાનને મૃત જાહેર કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત SSF જવાનનું ગોળી વાગતાં આજે બુધવારે મોત થયું હતું. આ ઘટના આજે સવારે 5.25 કલાકની આસપાસ બની હતી. મૃત્યુ પામનાર આ સૈનિકનું નામ શત્રુઘ્ન વિશ્વકર્મા હતું. જ્યારે શત્રુઘ્ન આજે સવારે રામમંદિર પરિસરમાં પોતાની ફરજ પર હતો ત્યારે અચાનક પરિસરમાં ગોળીનો અવાજ સંભળાયો હતો. ત્યારે સાથી સુરક્ષાકર્મીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં તેમણે જોયું કે શત્રુઘ્ન લોહીથી લથબથ પડેલો હતો અને તેને ગોળી વાગી હતી. ત્યારે સાથી સુરક્ષાકર્મીઓએ તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

સૈનિકના મોતથી અયોધ્યા મંદિર પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો. તેમજ ઘટનાની જાણ થતાં જ શહેરના આઈજી અને એસએસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમણે જાતે ઘટના સ્થળે તપાસ કરી હતી. આ સાથે જ ફોરેન્સિક ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યારે પ્રાથમિક તપાસમાં જવાનની મોતને આત્મહત્યાનો મામલો માનવામાં આવી રહ્યો છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. તેમજ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.

રડતા રડતા પરિવાર બેહાલ થયો
શત્રુઘ્ન વિશ્વકર્મા 2019 બેચના હતા. તેઓ આંબેડકર નગરના સન્માનપુર પોલીસ સ્ટેશનના કાજપુરા ગામના રહેવાસી હતા. તેમજ SSF માં પોસ્ટેડ હતા. યોગી સરકાર દ્વારા ચાર વર્ષ પહેલા મંદિરની સુરક્ષા માટે SSF ફોર્સની રચના કરવામાં આવી હતી. જેમાં તેમની ભર્તી થઇ હતી. સમગ્ર મામલે મૃતક સૈનિકના સાથીઓએ જણાવ્યું હતું કે ‘ઘટના પહેલા શત્રુઘ્ન મોબાઈલ જોઈ રહ્યો હતો અને તે કેટલાક દિવસોથી કોઈ વાતને લઈને ચિંતિત હતો.’ પોલીસે તેનો મોબાઈલ પણ તપાસ માટે મોકલી આપ્યો છે. આ સાથે જ પોલીસે મૃતક જવાનના પરિવારને જાણ કરી હતી. તેમજ પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે તેમના રડી રડીને હાલ બેહાલ થઇ ગયા હતા.

Most Popular

To Top