શહેરમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ વકરતા પાલિકા કમિશનર અને મેયર દ્વારા શહેરના ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગના સંગઠનોને સપ્તાહમાં બે દિવસ ઉદ્યોગ-વેપાર બંધ રાખવા અપીલ કરવામા આવી હતી.
ખાસ કરીને સુરતની કાપડ માર્કેટોમાં કોરોના પોઝિટિવના કેસો મળી આવ્યા પછી પાલિકા કમિશનર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. તેને પગલે કાપડ માર્કેટમાં ચારે સંગઠનોએ બેઠક યોજ્યા પછી આગામી શનિવાર અને રવિવારે એટલે કે 20અને 21 માર્ચના રોજ ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ અને મહામંત્રી ચંપાલાલ બોથરા દ્વારા બે દિવસ બંધ રાખવાની જાહેરાત કરી હતી.
ત્યાર બાદ સુરત મનપા કમિશનર અને મેયરે સુરત ડાયમંડ એસોસિયેશન અને હીરા ઉદ્યોગના અગ્રણીઓ સાથે મીટિંગ કરી કોરોનાના કેસો વધતા ડાયમંડ મેન્ફેક્ચરિંગ યુનિટ અને હીરા બજારો બંધ રાખવાની અપીલ કરી હતી. જેને પગલે સુરત ડાયમંડ એસોસિએયશનના મંત્રી દામજી માવાણીએ હીરા ઉદ્યોગ બંધ રાખવાની જાહેરાત કરી હતી.
કાપડ માર્કેટમાં સાંજે 7થી 9ની વચ્ચે ટેમ્પો પરના પ્રવેશનો પ્રતિબંધ હટાવાયો
પોલીસના પરિપત્ર મુજબ ટેમ્પોચાલકો સાંજે સાતથી 9 માર્કેટમા ટેમ્પો લાવી શકતા નથી અને ત્યારબાદ હવે રાત્રિ કરફ્યુ શરૂ થતા ટેમ્પો ચાલકો હવે રાતે 9 વાગ્યા પછી પણ ટેમ્પો લાવી શકશે નહી. જેને લીધે ફોસ્ટા અને સાઉથ ગુજરાત ટેક્સટાઇલ ટ્રે઼ડર્સ એસોસિયેશન તેમજ ટેમ્પો એસોસિયેશનનો દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.
તેને પગલે હવે માર્કેટમાં ટેમ્પોને સાંજે 7થી 9 વાગે પ્રવેશ આપવામા આવશે જેથી માલની અવર જવર સરળતાથી થઇ શકે. આ નિર્ણયને ટેક્સટાઇલ લેબર યુનિયનના અગ્રણીઓ ઉમાશંકર મિશ્રા,શાન ખાન, દેવપ્રકાશ પાંડે, સુર્યકુમાર તિવારીએ આવકાર્યો છે.
બે દિવસ હીરાના કારખાના અને બજારો બંધ રાખવા સામે ડાયમંડ વર્કર યુનિયનનો વિરોધ
ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હીરા ઉદ્યોગ બંધ રાખવાના નિર્ણયનો વિરોધ કરવામા આવ્યો છે. યુનિયનના પ્રમુખ રમેશ જિલરિયા, ઉપપ્રમુખ ભાવેશ ટાંક અને પ્રવક્તા ભાવેશ હડિયાએ જણાવ્યું હતું કે ગત લોકડાઉનનો પગાર પણ રત્નકલાકારોને ચુકવાયા નથી. અને સરકાર દ્વારા હીરા ઉદ્યોગકારો સાથે મીટિંગ કરી ફરીથી હીરા ઉદ્યોગ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
જેને લીધે રત્નકલાકારોની હાલત વધુ કફોડી થશે. રત્નકલાકારોને હાલ જેટલા દિવસ બંધ રહેશે તેનો પગાર ચુકવવાની માંગ કરી છે. અત્યારે કારીગરો ઓછા પગારે કામ કરી રહ્યા છે. વહીવટી તંત્રનો આગ્રહ ઘંટી પર બેજ વ્યક્તિ બેસાડવાનો છે તેને લઇને કારીગરો બેરોજગાર થવાનો ભય પણ રહે છે. નિર્ણય લેતા પહેલા રત્નકલાકારોના સંગઠનોને વિશ્વાસમાં લેવા જોઇતા હતા.
કોરોના વેક્સિનેશનની આપવાની પ્રથમ લિસ્ટમાં ફાર્માસિસ્ટ, રિટેલર, હોલસેલર કર્મચારીઓ અને પરિવારજનોને સામેલ કરવા માંગ
સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએયશનના પ્રમુખ મનસુખ રૈય્યાણી અને સેક્રેટરી ગૌરાંગ વાઘવાલાએ પાલિકાના ડેપ્યુટી કમિશનર (હેલ્થ એન્ડ હોસ્પિટલ), આરોગ્યમંત્રી અને આરોગ્ય સચિવને આવેદન પત્ર મોકલી કોરોના વેક્સિનેશનની આપવાની પ્રથમ લિસ્ટમાં ફાર્માસિસ્ટ, રિટેલર, હોલસેલર કર્મચારીઓ અને પરિવારજનોને શામેલ કરવા માંગ કરી છે.
સુરતમાં 3000 થી વધુ રિટેલર અને હોલસેલર સક્રિય છે તેઓ છેલ્લા 10 મહીનાથી કોરોના સંક્રમણ દરમિયાન કોરોના વૉરિયર તરીકે કામ કરી રહ્યા છે. 75 વ્યક્તિઓ સંક્રમિત થઇ મૃત્યુ પણ પામ્યા છે. એ સ્થિતિમાં તેમને વેક્સિન આપવામાં વય મર્યાદાનો બાધ રાખ્યા વિના પ્રાથમિકતા આપવી જોઇએ.