શ્રીનિધી શેટ્ટી હજુ ઓળખ બનાવી રહી છે પણ જેમ કેટલાંક ખીણનાં પંખી હોય તો કેટલાંક શિખરના પંખી હોય. શરૂઆત કયાંથી કરો તે પણ અહીં મહત્વનું છે. જેમ માનુષી છિલ્લર શરૂથી જ મોટા બેનરની ફિલ્મો મેળવી રહી છે તેવું શ્રીનિધીનું પણ છે. તેની ચર્ચા બહુ નથી થતી કારણકે તેની બેજ ફિલ્મો રજૂ થઇ છે ને તે પણ કન્નડમાં. આમ છતાં પણ તે ચર્ચાને લાયક છે કારણકે તેની પહેલી જ ફિલ્મ ‘કે.જી.એફ. ચેપ્ટર ૧’ ખૂબ સફળ રહી હતી અને તેની તે મુખ્ય હીરોઇન હતી. ફિલ્મનો હીરો રોકી રીના દેસાઇને પ્રેમ કરે છે ને એ રીના દેસાઇ શ્રીનિધી હતી. હવે પહેલી ફિલ્મની સફળતા વધારે મોટી થવાની છે. કારણકે ‘કે.જી.એફ. ચેપ્ટર ૨’ બની ગઇ છે અને તે હિન્દી સહિત ચાર ભાષામાં બની છે. આ ફિલ્મમાં તો સંજય દત્ત પણ છે, રવિના ટંડન અને પ્રકાશ રાજ પણ છે. પણ તેના હીરો સાથે જોડી બની છે એ જ રીના દેસાઇ એટલે કે શ્રીનિધી શેટ્ટીની. આ ફિલ્મ રજૂ થવા તૈયાર છે પણ તારીખ પે તારીખનો મામલો છે એટલે શ્રીનિધી પણ અટકી ગઇ છે.
શ્રીનિધી ફિલ્મોમાં આવી છે તેનું કારણ તેની બ્યુટી છે. ઘણી સૌંદર્યસ્પર્ધા તેના નામે ચડી છે અને એટલે તુલુ બોલનારી શ્રીનિધી હવે ચાર ભાષા બોલનારી ફિલ્મમાં સ્થાન પામે છે. તો તે ઇલેકટ્રીકલ એંજિનિયરીંગમાં ડિસ્ટિંકશન સાથે ગ્રેજયુએટ થયેલી છે એટલે બ્યુટી વિથ બ્રેઇન છે. સૌંદર્ય સ્પર્ધા જીત્યા પછી તેને ‘કે.જી.એફ. ચેપ્ટર ૧’ મળી અને હવે તમિલ ભાષાની ‘કોબ્રા’ સાથે ‘કે.જી.એફ ચેપ્ટર ૨’ પણ તેની પાસે છે. તે ‘જયોતિ’ નામની ટી.વી. શ્રેણી પણ કરી ચુકી છે પણ હવે તેની સામે ફકત ફિલ્મોને જ રાખે છે. તે સમજી ગઇ છે કે પહેલાં પોતાની કિંમત આંકીએ તો જ બીજા પણ સમજે કે આ કિંમતી છે. હવે ફિલ્મોમાં આવી છે તો અભિનય બાબતે પણ સિરીયસ છે. તે જાણે છે કે હિન્દી કરતાં વધારે સ્પર્ધા સાઉથમાં જ છે પણ હિન્દીમાં કામ મળે તો તેની વેલ્યુ જુદી છે. અલબત્ત, પોતે કન્નડ હોવાથી કન્નડ ફિલ્મથી જ આરંભ કરેલો અને તેનો તેને આનંદ પણ છે.
સાઉથની ફિલ્મોને તો નાની માનતી નથી કારણકે હિન્દીથી પણ વધારે બજેટ અને લેવલ સાથે ત્યાં ફિલ્મો બને છે. મોડેલિંગ કરી ચુકેલી શ્રીનિધીને હજુ હિન્દીમાં સીધી કોઇ ફિલ્મ મળી નથી પણ તેને ખાત્રી છ કે હવે જે ફિલ્મ રિલીઝ થવાની છે તે પછી એવી ઓફર મળતી થઇ જશે. તે અત્યારે હિન્દી ફિલ્મો જોતી થઇ છે અને એ રીતે હિન્દી બોલે પણ છે. બેંગ્લોરમાં ગ્રેજયુએટ થવાને કારણે પણ તેને બીજી ભાષા પ્રત્યે લગાવ છે. ‘કે.જી.એફ. ચપ્ટર ૨’ એક બહુ મોટા બજેટવાળી ફિલ્મ છે એટલે તેનું પ્રમોશન પણ મોટું થશે પણ અત્યારની કોવિદ-૧૯ ની સ્થિતિથી મુકત થવાય નહીં ત્યાં સુધી ફિલ્મ રજૂ થવાની નથી. શ્રીનિધી અત્યારે નવી ફિલ્મો લેતી નથી પણ જો મોટા લેવલની હોય તો જરૂર વિચારશે.