શ્રીલંકાએ અફઘાનિસ્તાનને છ વિકેટથી હરાવીને એશિયા કપ 2025 ના સુપર ફોર તબક્કામાં પ્રવેશ કર્યો. શ્રીલંકાની સાથે બાંગ્લાદેશ પણ ગ્રુપ B માંથી આગળ વધ્યું, જ્યારે અફઘાનિસ્તાન બહાર થઈ ગયું. ભારત અને પાકિસ્તાન પહેલાથી જ ગ્રુપ A માંથી સુપર ફોર તબક્કા માટે ક્વોલિફાય થઈ ગયા હતા.
18 સપ્ટેમ્બરના રોજ અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન શ્રીલંકાના સ્પિનર ડુનિથ વેલાલેજને મેદાનની અંદર અને બહાર બંને જગ્યાએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સૌપ્રથમ મોહમ્મદ નબીએ 22 વર્ષીય વેલાલેજની છેલ્લી ઓવરમાં સતત પાંચ છગ્ગા ફટકાર્યા. મેચ પછી તેને દુ:ખદ સમાચાર મળ્યા. ડુનિથ વેલાલેજના પિતા સુરંગા વેલાલેજનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું.
મેચ પછી ડુનિથ વેલાલેજને આ દુઃખદ સમાચાર મળ્યા હતા. મેચ પછી ટીમ મેનેજરે ડુનિથ વેલાલેજને સાંત્વના આપી. ટીમ મેનેજર વેલાલેજને ગળે લગાવતા અને દિલાસો આપતા હોય તેવો ફોટો વાયરલ થયો. સુરંગા વેલાલેજ પોતે પણ એક ક્રિકેટર હતા. તેમણે શ્રીલંકાની એક પ્રખ્યાત સ્કૂલ ટીમનું નેતૃત્વ કર્યું હતું. સુરંગા પ્રિન્સ ઓફ વેલ્સ કોલેજનું નેતૃત્વ કરી રહ્યા હતા, જ્યારે શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર રસેલ આર્નોલ્ડ સેન્ટ પીટર્સ કોલેજનું નેતૃત્વ કરી રહ્યા હતા.

શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર રસેલ આર્નોલ્ડે સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર કોમેન્ટ્રી કરતા કહ્યું, “ડુનિથ વેલાલેજના પિતા સુરંગાનું થોડા સમય પહેલા અવસાન થયું હતું. તેઓ થોડું ક્રિકેટ પણ રમતા હતા. તમે જાણો છો કે અમારી શાળાનું ક્રિકેટ વાતાવરણ કેટલું મોટું છે. જ્યારે હું સેન્ટ પીટરનો કેપ્ટન હતો, ત્યારે તેમણે પ્રિન્સ ઓફ વેલ્સ કોલેજનું કેપ્ટનશિપ કરી હતી. આ સાંભળીને ખૂબ જ દુઃખ થયું. ડનિથને હમણાં જ આ સમાચારની જાણ થઈ. તેમના પરિવાર પ્રત્યે અમારી સંવેદના.”
શ્રીલંકા મેચ જીત્યું
મેચમાં એક સમયે અફઘાનિસ્તાન સંઘર્ષ કરી રહ્યું હતું, 18મી ઓવરમાં તેનો સ્કોર 120/7 હતો. જોકે, અનુભવી ઓલરાઉન્ડર મોહમ્મદ નબીએ અચાનક ગિયર બદલ્યા. ડુનિથ વેલાલેગે એક સરળ કેચ છોડી દીધો, જેના કારણે અફઘાન ક્રિકેટરે જોરદાર આક્રમણ શરૂ કર્યું. નબીએ 19મી ઓવરમાં 19રન બનાવ્યા. પછી અંતિમ ઓવરમાં મોહમ્મદ નબીએ દુનિથ વેલાલેજ સામે સતત પાંચ છગ્ગા ફટકાર્યા.
વેલાલેજે આ ઓવરમાં કુલ 32 રન આપ્યા, જે શ્રીલંકાના T20 ઇતિહાસમાં બીજી સૌથી મોંઘી ઓવર બની. જોકે, શ્રીલંકાએ 170 રનનો લક્ષ્યાંક ફક્ત 18.4 ઓવરમાં જ હાંસલ કરી લીધો. કુસલ મેન્ડિસે અણનમ 74 રન બનાવ્યા અને તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.