Sports

ડોપિંગમાં ફસાયો શ્રીલંકાનો ક્રિકેટર, ક્રિકેટના તમામ ફોર્મેટ રમવા પર લગાવાયો પ્રતિબંધ

ક્રિકેટ જગતમાંથી મોટા સમાચાર આવ્યા છે. ડોપ ટેસ્ટમાં નાપાસ થવાના કારણે શ્રીલંકાના ક્રિકેટર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ શ્રીલંકન ક્રિકેટર વિકેટકીપર-બેટ્સમેન નિરોશન ડિકવેલા છે જેના પર ક્રિકેટના તમામ ફોર્મેટમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં સમાપ્ત થયેલ લંકા પ્રીમિયર લીગ (LPL) દરમિયાન કથિત ડોપિંગ વિરોધી ઉલ્લંઘનને કારણે ડિકવેલા પર આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો કે આ પ્રતિબંધ કેટલો સમય ચાલશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

શ્રીલંકા ક્રિકેટ (SLC)ના સૂત્રોને ટાંકીને Newswire.LKએ અહેવાલ આપ્યો કે તપાસ ચાલુ રહે ત્યાં સુધી ડિકવેલાને અનિશ્ચિત સમય માટે પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે. ટૂંક સમયમાં બોર્ડ તરફથી સત્તાવાર જાહેરાત થવાની અપેક્ષા છે. LPL 2024માં ડિકવેલા ટીમ ગાલે માર્વેલ્સના કેપ્ટન હતા. ઓપનર તરીકે તેણે 10 ઇનિંગ્સમાં 153.33ના સ્ટ્રાઇક રેટથી માત્ર 184 રન બનાવ્યા હતા. તેની ટીમ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી પરંતુ જાફના કિંગ્સ સામે ખરાબ રીતે હારી હતી. ડિકવેલા મેચમાં 8 બોલમાં માત્ર પાંચ રન બનાવી શક્યો હતો.

વિવાદો સાથે જૂનો સંબંધ
31 વર્ષીય ક્રિકેટર લાંબા સમયથી વિવાદો સાથે સંકળાયેલો છે. વર્ષ 2021ની શરૂઆતમાં ઇંગ્લેન્ડમાં બાયો-બબલ ઉલ્લંઘનને કારણે તેના પર દાનુષ્કા ગુનાથિલાકા અને કુસલ મેન્ડિસ સાથે એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તે લાંબા સમયથી શ્રીલંકાનો ભાગ નથી. તેણે તેની છેલ્લી ટેસ્ટ માર્ચ 2023માં ન્યુઝીલેન્ડ સામે રમી હતી અને તેની છેલ્લી વ્હાઈટ બોલ ઈન્ટરનેશનલ મેચ જૂન 2022માં ઓસ્ટ્રેલિયા સામે ODI તરીકે રમી હતી. તેણે T20I રમ્યા બાદ ઘણો સમય વીતી ગયો છે. 21 જૂન 2021ના રોજ તેણે તેની છેલ્લી T20I મેચ ઈંગ્લેન્ડ સામે રમી.

નિરોશન ડિકવેલાની કારકિર્દી પર નજર કરીએ તો તેણે લંકા માટે 54 ટેસ્ટ અને 55 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટમાં તેના 2757 રન અને વનડેમાં 1604 રન છે. તેણે વનડેમાં 2 સદી પણ ફટકારી છે. તેની પાસે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં 28 મેચ રમવાનો અનુભવ છે. T20Iમાં તેણે 131.14ના સ્ટ્રાઈક રેટથી 480 રન બનાવ્યા છે જેમાં માત્ર એક સદી સામેલ છે. 

Most Popular

To Top