નવી દિલ્હી: ભારતના (India) પડોશી દેશ શ્રીલંકામાં (Sri Lanka) છેલ્લા કેટલાક સમયથી પ્રજા વિદ્રોહ કરી રહી છે અને આજ કારણસર રાષ્ટ્રપતિ (President) રાજપક્ષેએ સત્તા છોડવી પડી હતી. એટલું જ નહીં રાષ્ટ્રપતિ ભવન અને વડા પ્રધાન આવાસ ઉપર પણ લોકોએ કબજો કરી લીધો હતો. શ્રીલંકામાં છેલ્લા કેટલાક સમયથી ઠેર ઠેર ઘર્ષણના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. તેવા સંજોગમાં હવે રાષ્ટ્રપતિ પદ રાનિલ વિક્રમસિંઘેએ (Ranil Wickremesinghe) સંભાળી લીધું છે. જો કે, તેમણે આ પદ સંભાળતાની સાથે જ પ્રદર્શનકારીઓ સાથે સખતાઇ શરૂ કરી દીધી છે.
શ્રીલંકમાં અનેક જૂથ એવા છે જે વિક્રમસિંઘેને પસંદ કરતા નથી અલબત તેઓ તેમને રાષ્ટ્રપતિ તરીકે સ્વીકારવા પણ તૈયાર નથી. દરમિયાન શુક્રવારે મધ્યરાત્રિએ આવી જ એક કાર્યવાહી પ્રદર્શનકારીઓ સામે કરવામાં આવી હતી. અહીં સુરક્ષાદળોએ વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓના હંગામી તંબૂઓ તોડી નાંખ્યા હતાં. આ કાર્યવાહી દરમિયાન પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યાં હતાં. આ ઝપાઝપીમાં 50થી વધુ લોકોને ઇજા પહોંચી હોવાના પ્રાથમિક અહેવાલ છે. શ્રીલંકામાં હાલમાં પણ અનેક પ્રદર્શનકારીઓ એવા છે કે, જેઓ ઘરે નથી જતા અને અસ્થાયી તંબૂઓમાં રહીને તેમનો વિરોધ નોંધાવી રહ્યાં છે.
શ્રીલંકાની ટીવી ચેનલે દાવો કર્યો છે કે, કોલંબોમાં રાષ્ટ્રપતિ સચિવાલય સંકુલની બહાર નવા રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સામે વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે સશસ્ત્ર સૈનિકોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો છે કે, રાનિલ વિક્રમસિંઘે અમને ખતમ કરવા માગે છે પરંતુ અમે હાર માનવાના નથી. અમે અમારા દેશને ભ્રષ્ટ રાજનિતીમાંથી મુક્ત કરાવવા માગીએ છીએ. સાથે જ તેઓ જણાવી રહ્યાં છે કે, તંબૂઓ ઉખાડવાની જે કાર્યવાહી થઇ રહી છે તેનો પણ અમે વિરોધ કરીએ છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા હાલમાં સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશમાં કટોકટીની સ્થિતિ છે. પેટ્રોલ અને ડિઝલ મેળવવા માટે લોકોએ અડધો દિવસ સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. કોઇપણ પ્રકારની શાકભાજી કે ફળો લોકોની ખરીદશક્તિની બહાર નીકળી ગયા છે. અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે તો લાઇન લાગતી જ હતી. પરંતુ હવે કોલંબોમાં નવો પાસપોર્ટ મેળવવા માટે અથવા તો પાસપોર્ટ રિન્યુ કરાવવા માટે પણ લાઇન લાગી રહી છે. હાલની શ્રીલંકાની સ્થિતમાં ભારતે તેને તમામ પ્રકારની મદદ કરવાની તૈયારી દર્શાવી છે એટલું જ નહીં પરંતુ આંતર રાષટ્રીય સમુદાયને પણ શ્રીલંકાની મદદે આવવાની અપીલ કરી છે. જો કે, ટૂંકાગાળામાં તો શ્રીલંકા આર્થિક સંકટમાંથી બહાર આવે તેવી કોઇ શક્યતા દેખાતી નથી.