Columns

શ્રીલંકામાં એવા લોકો સત્તામાં આવ્યા છે જેની કોઈ રાજકીય ગણના નહોતી

શ્રીલંકામાં એક મહત્ત્વની ઘટના બની છે, એક નવતર પ્રયોગ થઈ રહ્યો છે, પણ જોવાનું એ છે કે તેને કેટલી સફળતા મળે છે. પ્રયોગ કરનારાઓ એકતા જાળવી શકે છે કે કેમ અને લોકોની આશા પૂર્ણ કરી શકશે કે કેમ.
2019માં જ્યારે ઘટનાનાં બીજ વવાયાં ત્યારે મહિંદા રાજપક્ષે અને તેના પરિવારે શ્રીલંકા પર ભરડો લીધો હતો. તે પોતાને શ્રીલંકાનો રાજા સમજતો હતો, શ્રીલંકાનો તારણહાર સમજતો હતો, સિંહાલાઓનો રક્ષક સમજતો હતો, શત્રુઓનો કાળ સમજતો હતો. મેં હું તો આપ હૈ, બટેંગે તો કટેંગેવાળી ધમકી આપવામાં આવતી હતી. ધોરણસરના રાજકાજની એને ચિંતા નહોતી, કારણ કે સિંહાલી પ્રજાની અંદર તમિલો માટે નફરત અને ભવિષ્ય માટે ડર પેદા કર્યો હતો. આ સિવાય મોટી મોટી વાતો અને મોટી મોટી યોજનાઓ તો ખરી જ. લોકોને પોરસાવો, ડરાવો અને નફરત કરવા એક દુશ્મન હાથમાં પકડાવી દો. આ પછી જોઈએ છે શું? તેને એવી ખાતરી થઈ ગઈ હતી કે તે મૃત્યુ પર્યંત સત્તા ભોગવવાનો છે અને તેનું મૃત્યુ રાષ્ટ્રીય માતમનું કારણ બનવાનું છે.
પણ બન્યું ઉલટું. 2022માં પ્રજા વિફરી. બેરોજગારી અને મોંઘવારીએ પ્રજાને વિચાર કરતી કરી મૂકી હતી. પ્રજાને ખાતરી થઈ ગઈ કે આ માણસ પાસે પ્રજાની સુખાકારી માટે કોઈ એજન્ડા જ નથી. તેણે, તેના પરિવારે અને મળતિયાઓએ દેશ પર ભરડો લીધો છે. આ ઉપરાંત દેશને ચીનના હવાલે કરી રહ્યો છે. અને એ પછી જે બન્યું એ નજીકનો ઈતિહાસ છે. તેને અને તેના ભાઈએ દેશ છોડીને નાસી જવું પડ્યું.
પણ પ્રજાની આંખ આખરે 2022માં ખુલી એ પહેલાં 2019માં વિકલ્પનાં બીજ વવાઈ ગયાં હતાં. શ્રીલંકામાં જનતા વિમુક્ત પેરામુના નામનો ડાબરી રાજકીય પક્ષ દાયકાઓથી અસ્તિત્વ ધરાવે છે, પણ તેની ક્યારેય સત્તામાં દાવેદાર પક્ષ તરીકે ગણના થતી નહોતી. ભારત વિરોધી આગ્રહી સિદ્ધાંતવાદી પક્ષ તરીકેની તેની ખ્યાતી હતી. તેને માટે સિંહાલા મહાનવાળી સિંહાલા અસ્મિતા ગૌણ હતી અને ઉપરથી તે તમિલોને દેશના દુશ્મન નહોતા સમજતો. પણ 2019માં અનુરા કુમાર ડીસ્સાનાયકે પક્ષના પ્રમુખ બન્યા અને પક્ષનું અને દેશનું સુકાન બદલાયું. તેણે પક્ષના નેતાઓને અને કાર્યકર્તાઓને સમજાવ્યું કે બદલાઈ રહેલા યુગને અને તેનાં લક્ષણોને સમજવાનો પ્રયાસ કરો. માત્ર શ્રીલંકા નહીં, વિશ્વના અનેક દેશો નવમૂડીવાદ અને લોકપ્રિયતાવાદ (પોપ્યુલીઝમ) નો શિકાર બની રહ્યા છે અને ડાબેરીઓનો ચુસ્ત સમાજવાદ અપ્રાસંગિક બની રહ્યો છે. માત્ર અને માત્ર પ્રજાલક્ષી માફકસરનો મૂડીવાદ અને માફકસરનો સમાજવાદ અપનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. જો વ્યવહારુ નહીં બનીએ તો તેઓ દેશને ફોલી ખાશે. થોડા લોકોની સત્તામાં ઈજારાશાહી વિકસશે. સત્તાધીશોના મળતિયા થોડા લોકો રાષ્ટ્રની સંપત્તી ઉસેડીને ઘર ભેગી કરશે. દેશની કુદરતી અને બિન કુદરતી સંપત્તી મળતિયાઓને ફૂંકી મારવામાં આવશે. દેશનું પર્યાવરણ પણ સુરક્ષિત નહીં રહે અને ભવિષ્યમાં મોટાં પર્યાવરણીય સંકટોની શરૂઆત થશે. માટે ચુસ્ત સમાજવાદનો આગ્રહ બાજુએ રાખીને માત્ર પ્રજાલક્ષી અભિગમ અપનાવવો જોઈએ. સામ્યવાદી દેશોમાં ચુસ્ત સમાજવાદ નિષ્ફળ નીવડ્યો છે અને અત્યારે હવે મૂડીવાદ નિષ્ફળ નીવડતો જોઈ શકાય છે.
પોતાના પક્ષનો વિશ્વાસ જીત્યા પછી તેણે બીજા 20 રાજકીય પક્ષો અને જૂથોનો સંપર્ક કર્યો. એવા પક્ષો અને એવા જૂથો જેને પ્રજાની એકંદર સુખાકારી માટે નિસ્બત હતી, છેવાડાના માણસ માટે વધારે નિસ્બત હતી, દરેક પ્રકારની સમાનતા, સમાન અવસર, માનવીય ગરિમા જેવા માનવીય અને બંધારણીય મૂલ્યોમાં શ્રદ્ધા હતી અને પર્યાવરણની ચિંતા હતી. એવા પક્ષો અને એવા જૂથો જે સત્તા માટે કે સત્તાધીશોની પાછળ દોટ નહોતા મૂકતા. તેમને સમજાવ્યું કે વિકલ્પશૂન્ય બનાવી દેવામાં આવી રહેલી વ્યવસ્થામાં આપણે વિકલ્પ બનવું પડશે. આમ 21 પક્ષો અને જૂથોએ મળીને નેશનલ પીપલ્સ પાવર નામનો પક્ષ રચ્યો. 2019ની ચૂંટણીમાં સફળતા મળી નહીં, કારણ કે હજુ લોકોનો મોહભંગ નહોતો થયો. મોહભંગ 2022માં થયો અને 2019માં જેનાં બીજા વવાયાં હતાં તેનાં અંકુર ફૂટવાની શરૂઆત થઈ.


આ વરસના સપ્ટેમ્બર મહિનામાં શ્રીલંકામાં પ્રમુખપદની ચૂંટણી થઈ જેમાં અનુરા કુમાર ડીસ્સાનાયકેનો વિજય થયો. તેમણે લોકસભાની ચૂંટણી તાબડતોબ યોજવાની જાહેરાત એ પહેલાં જ કરી હતી અને એ મુજબ 15મી નવેમ્બરે શ્રીલંકાની લોકસભાની ચૂંટણી યોજાઈ જેમાં નેશનલ પીપલ્સ પાવરને લોકસભાની કૂલ 225 બેઠકોમાંથી 159 બેઠકો મળી. બે તૃતીયાંશ કરતાં પણ વધુ. શ્રીલંકામાં એવા લોકો સત્તામાં આવ્યા છે જેની કોઈ રાજકીય ગણના નહોતી. એવા લોકો સત્તામાં આવ્યા છે જેને ભારતમાં ટુકડે ટુકડે ગેંગ અને અર્બન નક્સલ તરીકે ઓળખવામાં આવે છે. શ્રીલંકામાં એવા લોકો સત્તામાં આવ્યા છે જે છડેચોક કહે છે કે હા, અમે ડાબેરી છીએ.
પણ આ પ્રયોગ સફળ થશે? 21 ઘટકો એકતા જાળવી શકશે? ડાબેરીઓ અને કર્મશીલો પરસ્પર અસહિષ્ણુતા માટે જાણીતા છે.
જુઓ શું થાય છે, પણ પ્રયોગ રસપ્રદ છે. જો વ્યવહારવાદનું લેસન પાંકું હશે તો પ્રયોગ સફળ નીવડે પણ ખરો.

Most Popular

To Top