Sports

કોહલીની વિરાટ સદીની મદદથી આરસીબીને 8 વિકેટે જીતાડ્યું

હેદરાબાદ: આઇપીએલમાં (IPL) આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) માટે પ્લેઓફની દૃષ્ટિએ અત્યંત મહત્વની મેચમાં ઓપનરો ફેલ રહ્યા પછી હેનરિક ક્લાસેનની આક્રમક સદી ઉપરાંત કેપ્ટન એડન માર્કરમ સાથેની તેની 76 રનની અને બેરી બ્રુક સાથેની 74 રનની ભાગીદારીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 5 વિકેટે 186 રનનો સ્કોર કરીને મૂકેલા 187 રનના લક્ષ્યાંકને વિરાટ કોહલીની સદી અને ફાફ ડુ પ્લેસિ સાથેની તેની 172 રનની ઓપનીંગ ભાગીદારીની મદદથી આરસીબીે 2 વિકેટે લક્ષ્યાંક કબજે કરીને મેચ 8 વિકેટે જીતી હતી.

લક્ષ્યાંક કબજે કરવા ઉતરેલી આરસીબીને કોહલી અને ડુ પ્લેસિસે મજબૂત શરૂઆત અપાવી હતી અને બંને ટીમને જીત સુધી દોરી ગયા હતા. 172 રનના સ્કોર પર કોહલીની રૂપમાં પહેલી વિકેટ પડી હતી. તેણે 63 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 100 રન કર્યા હતા, તે પછી ડુ પ્લેસિ 47 બોલમાં 71 રન કરીને આઉટ થયો હતો. ગ્લેન મેક્સવેલ અને માઇકલ બ્રેસવેલે તે પછી બાકીનું કામ પુરૂ કર્યું હતું.

પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદે પાવરપ્લેમાં જ 28 રનના સ્કોર પર બંને ઓપનરની વિકેટ ગુમાવ્યા પછી ક્લાસેન અને માર્કરમે 8.2 ઓવરમાં 76 રનની ભાગીદારી કરીને સ્થિતિ સુધારી હતી. માર્કરમ માત્ર 18 રન કરીને આઉટ થયો હતો. તે પછી ક્લાસેને પોતાની સદી પુરી કરવા ઉપરાંત બ્રુક સાથે 74 રનની ભાગીદારી કરી હતી. ક્લાસેન 51 બોલમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 104 રન બનાવીને આઉટ થયો હતો. બ્રુક 27 રને નોટઆઉટ રહ્યો હતો. આરસીબી વતી માઇકલ બ્રેસવેલે 2 ઓવરમાં માત્ર 13 રન આપીને 2 જ્યારે મહંમદ સિરાજે 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 1 વિકેટ ખેરવી હતી. આ સિવાય શાહબાઝ અહેમદ અને હર્ષલ પટેલે 1-1 વિકેટ ખેરવી હતી.

આઇપીએલના ઇતિહાસમાં પહેલીવાર બંને ટીમ વતી સદી નોંધાઇ
આઇપીએલ શરૂ થયાની આ 16મી સિઝન ચાલી રહી છે અને આ 16 સિઝનમાં પહેલીવાર કોઇ એક મેચમાં બંને ટીમ વતી એક-એક સદી નોંધાઇ હતી. આજની આરસીબી અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં સનરાઇઝર્સ વતી હેનરિક ક્લાસેને સદી ફટકારી હતી અને તે પછી આરસીબી વતી વિરાટ કોહલીએ સદી ફટકારતા આ ઇતિહાસ રચાયો હતો.

Most Popular

To Top