Charchapatra

કર્ણાટકમાં ગળચટું ઝેર

કર્ણાટકમાં નવી ચૂંટાયેલી કોંગ્રેસ સરકારે તેના પાંચ ચૂંટણી વચનો; ૧) મહિલાઓને બસમાં મફત મુસાફરી, ૨) ગરીબોને દસ કિલો અનાજ મફત, ૩) પ્રત્યેક પરિવારને બસો યુનિટ વીજળી મફત, ૪) પરિવારનું નેતૃત્વ કરતી મહિલાઓને મહિને બે હજાર રૂપિયા અને 5) શિક્ષિત બેકારોને ભથ્થું ને અમલમાં મૂકવાની તારીખો જાહેર કરી દીધી છે. પણ તે યોજનાઓ અમલમાં મૂકતાં પહેલાં ઘરગથ્થુ વીજ ગ્રાહકોનાં વીજ બીલનો ફિક્સડ ચાર્જીસ રૂ. 125/-થી વધારીને બસો કરી દેવાયો છે. વળી બસો યુનિટથી વધારે વીજળી વાપરે તો તે બસો યુનિટ વત્તા ઉપરના યુનિટના એમ બધા યુનિટના પૈસા ચૂકવવા પડશે એવી જાહેરાત કરી દેવાય છે. 

આમ જોઇએ તો વચનપાલનમાં કશું ફુલાવા જેવું નથી. સરકારી તિજોરીમાંથી લહાણી કરવામાં કશી ધાડ મારવાની છે? આ વચનપાલનનો કુલ ખર્ચ અત્યારે પાંસઠ હજાર કરોડ રૂપિયા અંદાજાય છે. વાસ્તવિક ખર્ચ તેના કરતાં વધારે હોઈ શકે. કારણ કે, જે લોકો રાહતને પાત્ર નથી તેવાય લાઈનમાં ઊભા રહી જશે. વાસ્તવમાં આ મફતની યોજનાઓ ગળચટું ઝેર છે. ભવિષ્યના વિકાસનો ભોગ આપીને આજે ખેરાત કરાય છે. મફતિયા લહાણીનો ખર્ચ કાઢવા રાજ્ય સરકાર પેટ્રોલ ડિઝલના ભાવમાં લિટરે પાંચથી સાત રૂપિયાનો વધારો કરશે, જંત્રીના ભાવો અને પ્રોપર્ટી ટેક્ષ વધારવામાં આવશે એવા અહેવાલો આવી રહ્યા છે. અગાઉની ભાજપ સરકારે કરેલા કેટલાક માળખાકીય સવલતના અને અન્ય વિકાસકાર્યો પડતાં મૂકાશે. જો આ બધું કરાય તો સામાન્ય નાગરિકોને તો તકલીફ પડશે જ, પણ રાજ્યના આર્થિક વિકાસને પણ ફટકો પડશે. 

કર્ણાટક દેશમાં ત્રીજા ક્રમનું અર્થતંત્ર ધરાવે છે. સેવાઓની નિકાસમાં તેનું પ્રદાન મહત્ત્વનું છે. નાણાંકીય દૃષ્ટિએ તે સધ્ધર છે. હવે તેનું ભાવિ અધ્ધરતાલ છે. આવું કસદાર રાજ્ય હાથમાં આવ્યું તેથી કોંગ્રેસ પ્રસન્ન છે. કર્ણાટકની જીતથી પોરસાઈને કોંગ્રેસે જાહેર કર્યું છે કે, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની આવનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં તે આવી જ ગેરંટીઓ આપશે. આ રાજ્યો તો આર્થિક રીતે નબળાં છે. જો ત્યાંના મતદારો પણ ભોળવાઈ જાય તો તેમને માટે અફસોસ કરવાની જરૂર નથી. લોકશાહીમાં લોકો ઈચ્છે તેવી નહીં, પણ લોકો જેને લાયક હોય એવી જ સરકાર તેમને મળે છે.
બારડોલી  -મિથિલેશ કણસાગરા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વધુ હરિયાળી, સુખદ જીવન
જે રીતે દેશમાં જંગલો તથા તેની કુદરતી સંપત્તિઓનો નાશ થઈ રહ્યો છે અને બીજી બાજુ ‘ગ્લોબલ વોર્મિંગ’નો ભય સતાવી રહ્યો છે, તેવા સંજોગોમાં દેશને હરિયાળી વૃક્ષો તથા છોડની વાવણી કરીને, પર્યાવરણની જાળવણી દ્વારા, માનવજાતને ભવિષ્યમાં તથા સ્વાસ્થ્ય લક્ષી હાનિથી બચાવવા, ઘરમાં/ઓફિસ/સ્કૂલ / મોલ્સ/ થીએટર્સનાં આંગણામાં એકાદગ તુલસીનો છોડ જરૂર ઉગાડીએ. કહેવાય છે કે સુખી જીંદગી જીવવા માટે પૈસા ઉપરાંત, મનની ખુશી, ઉપરાંત સૌથી  મહત્ત્વનું આરોગ્ય (Health) છે. જેની પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. રહેણાંક વિસ્તારની આજુબાજુ પીપળો તથા લીમડાના વૃક્ષો અને ઘરમાં તુલસીનાં કૂંડા, ખૂબ મોટા પ્રમાણમાં ઓક્સિજનનો વાહક છે. બીજુ કુદરતની હરિયાળી સંપત્તિ નિહાળવા, વ્યક્તિનો ‘Stress’ ઓછો અનુભવાય છે અને જીવનને કહી શકાય કે, I LOVE YOU.
સુરત     – દિપક બી. દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top