પૃથ્વીના પરિભ્રમણ પ્રમાણે, પંચાગમાં up-date તો આવવાનું. દુખ એ વાતનું છે કે, માણસમાં આવતું નથી. બાકી સંવત અને વસંત બંને એક સિક્કાની બે બાજુ છે..! ભગવાન આપણી કેટલી કાળજી રાખે યાર..? નવા વર્ષમાં શું કાંદો કાઢવાના છો, એનું ચિંતન કરવા એક ખાલી દિવસનો ‘ધોકો’ પણ આપે. પણ ‘ચલતીકા નામ ગાડી’ પ્રમાણે જીવવાની આદત પડી ગઈ હોય, એને સંવત પણ શું અને વસંત પણ શું..? ધોકાના દિવસે પણ ધોકાબાજી કરે..!
પછી તો, જેવી આકૃતિ તેવા પડછાયા..! લોકો ચૂક દસ્તાવેજ કરાવે એમ, ચમન-ચલ્લીએ સગા સંબંધી ને મિત્રોને નુતન વર્ષના શુભેચ્છા કાર્ડ રવાના કર્યા પછી, બીજો એક ‘ચૂક-શુભેચ્છા કાર્ડ’ પણ બે દિવસ પછી રવાના કર્યો..! ‘ કે. ગઈ સંવતમાં મારા તરફથી જાણતા અજાણતા કોઈ તકલીફ પડી હોય ને, કોઈને ‘ચચરી’ આવ્યું હોય તો માફ કરશો. સાથે ચેતવણી આપવાની કે, આ વર્ષે પણ તૈયાર રહેજો. માત્ર સંવત બદલાય છે, હું બદલાતો નથી..!’ તારા કપાળમાં કાંદા ફોડું…! દોસ્ત ,બુઝર્ગો સાચું જ કહી ગયેલા કે, બધા જ નાળિયેરનાં કિસ્મતમાં મંદિર હોતું નથી. કેટલાંક ઠાઠડી સાથે બંધાયને સ્મશાનમાં પણ જાય..!
લોકોને આદત પડી ગઈ છે બોસ..! મંદી લાધે ત્યારે જ મંદિરે જવાનું…! ત્યાં સુધી ભગવાને પણ જાતકના દર્શન માટે Waiting list માં રહેવાનું. દુનિયાનો દસ્તુર છે કે, જે વસ્તુ મફતમાં મળી હોય એની જગતને કીમત ના હોય..! જિંદગીનું પણ એવું જ ..! સારું છે કે, ભગવાન સુધી ‘ટ્રમ્પદાદા’ ની દાદાગીરી પહોંચતી નથી. નહિ તો ભગવાન જેવા ભગવાન પણ જનમ-મરણ ઉપર ઉપર ‘ટેરીફ’ નાંખે..! આ તો એક વાત થાય છે..! મફતના મરી ભલે તીખા નહિ લાગતા હોય, પણ જિંદગી મધુરી છે, છતાં અમુકને તીખી લાગે. મૃત્યુનું પણ ‘પ્રિમેચ્યુર’ કરી નાંખે..! એક ભાઈએ ભગવાનને પ્રાર્થના કરી કે, “મને દુખી જ કરવો હતો તો ધરતી ઉપર મોકલ્યો શું કામ..? તું મને તાત્કાલિક પાંચ લાખની સગવડ કરી આપ..! નહિ તો હું ભગવાન બદલી નાંખું છું..!’’ ભગવાન પણ એનાથી ત્રાસેલા જ હતા. તેમણે આકાશવાણી કરી કે, “ તારા માટે પાંચ લાખ તૈયાર જ રાખ્યા છે, ઉપર આવીને તાત્કાલિક લઇ જા..!”
આપણને બધાને ખબર છે કે, ભગવાને પશુઓને આડા બનાવ્યા. છતાં સીધા ચાલે, ને માણસને સીધો બનાવ્યો તો આડો ચાલે..! પંખીઓ એક એક સળી ભેગી કરીને માળો બનાવે, ને માણસ સળી કરી-કરીને કોઈના માળા વિખેરી નાંખે..! એટલે તો ભગવાને પણ કામણ કરીને, દિલ કરતા દિમાગને છૂટો દોર આપ્યો. સોના ચાંદીની માફક લોકો અનાજનો સંગ્રહ નહિ કરે એ માટે, અનાજમાં કીડા પેદા કર્યા. મૃત્યુ પછી શરીરમાં દુર્ગંધ નાંખી. સંકટ સમયે રડવાનું, અને સમય વીતે એટલે ભળી જવાની માયાજાળ નાંખી. ક્ષણે ક્ષણે આશા-નિરાશા અને અંધકાર ની ઓળખ આપી.
કમ સે કમ લોકોને થાય જિંદગીની કીમત તો સમજાય..? શીઈઈટ…મારે કોઈને ભગવા પહેરાવવા નથી. પણ એક વાત સત્ય છે કે, જ્યારથી માણસ હસવાનું ભૂલી ગયો છે ત્યારથી, એની હાલત પુજારી વગરના મંદિર જેવી થઇ ગઈ. દેવી-દેવતાઓના વાહનો ખેંચાય ગયા હોય એમ, માણસ હવે ઉદાસી અનુભવે છે. આપણે જાણીએ કે, ગણપતિબાપાની મહાકાયા સામે, ઉંદરડુ ઉંગટમાં પણ કામ નહિ આવે, છતાં એ બંને પરસ્પરની એક શોભા છે. એમ, માણસ ભલે ચાણક્ય જેવો બુદ્ધિશાળી હોય, પણ ચહેરા ઉપર હાસ્ય ના હોય તો, એ રાધા વગરના કૃષ્ણ જેવો છે. હાસ્ય તો કુદરતની ભેટ છે. જે માત્ર માણસને મળેલી છે. હાસ્યને દિમાગ કરતા દિલ સાથે લેણાદેણી વધારે હોય. જે લોકો દિલને હાંસિયામાં રાખીને, દિમાગ સાથે કુસ્તી કરે છે, એમની હાલત ઉડી ગયા બલ્બ જેવી છે..! હાસ્ય તો સૌભાગ્યકાંક્ષી નારીનું મંગલસૂત્ર છે. કોઈ કવિએ સાચું જ કહ્યું છે કે,
આજકલ રિશ્તોમેં લોગ ઇસ તરહ આગ લગા દેતે હૈ
પહેલે દિલ લગાતે હૈ, ફિર દિમાગ લગા દેતે હૈ
માણસ છે ભાઈ..! પાંચ તત્વોનો આસામી હોવાથી, કંઈ પણ કરે..! ગમતા ભગવાનને ભાડે પણ રાખે ને, લાભ મળતો હોય તો,, ધર્મ પણ બદલે..! આસ્થા-અવસ્થા અને વ્યવસ્થા, એ પોતે બનાવેલા પોતીકા સ્ટેશન છે. જિંદગીના આ ત્રણ મહત્વના સ્ટોપેજ પકડીને જ એમની ટ્રેન સુખ દુખના પાટાઉપર Up-down કરતી હોય. આ લોકોના માનસ પણ એવા ભોળા કે, દુઃખને પછાડવા પરસેવો પાડે, પણ પર-સેવાની વાત આવે તો અલક-ચલાણી કરે ..! એ ભૂલી જાય કે, માત્ર મને જ સુખી થવા માટે નહિ, પણ લોકોને સુખી કરવા માટે પણ ભગવાને મને પાર્સલ કરેલો છે..! આ જિંદગી કોઈ રેડીમેઈડ રેસીપી નથી, કે, બે મીનીટમાં અવળું હોય તે સવળું થઇ જાય.
જિંદગી તો એવી જીવાય કે, જ્યાં ઉભો હોય ત્યાં તીર્થ બને, અને મેળો લાગી જાય. કોઈને નડું એના કરતા હું સૌને અડું એ બદલાતી સંવતનો સંદેશ છે. તમે મેળામાં વેચાતા પૂંઠાવાળા કેલેન્ડર તો જોયા હશે. સવાર ઉગે એટલે, પૂંઠાવાળા કેલેન્ડરનાદટ્ટાનું એક પાનું ફાટે. પછી ભલે એ તહેવારનું પાનું હોય, જનમ દિવસનું હોય કે, કોઈ સ્વજનના મરણનું હોય. દિવસ બદલાય તેની સાથે દટ્ટાનું પાનું પણ બદલાય. દટ્ટાનો પ્રવાસ દિવાળીના છેલ્લા દિવસ સુધીનો જ..! દિવાળીનું છેલ્લું પાનું ફાટી જાય એટલે, શરીરમાંથી આત્મા ગતિ કરી ગયો હોય એમ દટ્ટાનું પણ નિધન થાય. છેલ્લે રહી જાય દીવાલ ઉપર ટાંગેલુ દેવી દેવતાના ફોટાવાળું પૂંઠુ..! જે મૌન ભાષામાં કહેતું હોય કે, અંતે તો ઈશ્વર ઉપર જ સૌ આધારિત છે..! આપણી જિંદગી પણ આ કેલેન્ડરના દટ્ટા જેવી છે મામૂ..!
સંવત બદલાય પણ માણસના મલીન વિચારો નહિ બદલાય તો સંવતનું બદલાવું એળે ગયું કહેવાય. એક મઝેની વાત કરું..? ચમન-ચલ્લીએ નુતન વર્ષની શુભેચ્છા તો સૌને જોરદાર આપી. પણ બે દિવસ પછી ચૂક-શુભેચ્છા બહાર પાડી કે, ‘મારી આગલી શુભેચ્છામાં એ કહેવાનું તો હું ભૂલી જ ગયેલો કે, જો આગલી સંવતમાં જાણે અજાણે મારાથી કોઈ તકલીફ પહોંચી હોય તો,નવી સંવતમાં પણ તૈયાર રહેજો. કારણ કે, માત્ર સંવત બદલાય છે, હું બદલાવાનો નથી. તારા કપાળમાં કાંદા ફોડું…!’
ભિક્ષુકો ભલે ભણેલા ના હોય પણ, એમની જ્ઞાનેન્દ્રિય ક્યારેક ભણેલાને પણ ચકરાવે ચઢાવે દાદૂ..! નિરીક્ષણ કર્યું હોય તો, મોટા ભાગના ભિક્ષુકનો ‘ભિક્ષા-પ્રવાસ’ મહાદ અંશે સવારનો હોય. સવાર પડે એટલે ‘અલખ નિરંજન’ કરીને હાજરા હજૂર થઇ જાય..! એને ખબર કે, પહેલા પ્રહરમાં માનવીની અવસ્થા ગુલાબી અને દયાભાવવાળી હોય..! પ્રત્યેક માણસ સવારમાં માણસની જ ભૂમિકામાં અને વિશાળ હૃદયનો હોય..! એને ભિક્ષુકમાં પણ ભગવાન દેખાય. દયા-દાન-ધર્મ અને ઉપકારના ઝરણાઓ સવારમાં જ ધોધમાર ફૂટે એની એને ખબર..! પછી જેમ જેમ માથે સુરજ ચઢતો જાય, એમ માનવીના મિજાજ બદલાતા જાય. માણસ બાફેલા વેંગણ જેવો થઇ જાય..! એમાં વાઈફ સાથે પણ બગડ્યું હોય તો, ભિક્ષુકને ધોઈ નાંખે..!
એની જાતને ખબર નહી કેમ, પણ હસતા રહેવાને બદલે, બાબરવંશના શિલાલેખ જેવાં ચહેરા લઈને લોકો શું કામ ફરતા હશે..? બે-ચાર વેકેશન ભેગા કરીને ભગવાને સુંદર ચહેરો આપ્યો હોય તો, ચહેરાને સ્વસ્તિક જેવો રાખો, ચોકડી શું કામ બનાવતા હશે..? ભીંત ઉપર કરોળિયા ફરી વળ્યા હોય, એવો ચહેરો જોઇને ક્યારેક તો એમ થાય કે, ‘આ ભાઈની વાઈફે ક્યારેય એની પાસેથી ‘ I love you ‘ નાં સાંભળ્યું હોય..!’
દાદૂ, માનવીએ મોરના પીંછા ભલે ધારણ કર્યા હોય, પણ જેના ચહેરા હસતા નથી, એ લોકો ખુણામાં ઊંઘતા માંદા મરઘા જેવા છે. બદલાતી સંવતની ગમે એટલી શુભેચ્છા આપો, પણ એમનામાં વસંત નહિ આવે..! ત્યારે આપણને ટેન્શન એ વાતનું આવે કે, ગાય-ભેંસનું દૂધ કાઢવાના મશીન શોધાયા, પણ આવાં પરપોટાઓને હસાવવાના મશીન ક્યારે શોધાશે…? હે વાંચક..! તમને એવું નથી લાગતું કે, રસીકરણ કરતાં હવે ‘હસીકરણ’ની તાતી જરૂરિયાત છે..?
લાસ્ટ બોલ
દિવાળી પૂરી થઇ. સાલમુબારક પણ પતી ગયું. મમરાનો ડબ્બો ખોલીને મોબાઈલમાં આવેલા નુતન વર્ષના સંદેશા વાંચતો હતો. ત્યાં મમરાએ કહ્યું. “આવી ગયો ને તારી ઔકાત ઉપર..?’ અઠવાડીયાથી રોજ કાજુકતરી અને હલવા ખાતો હતો. મારા તરફ જોતો પણ નહિ હતો. બધું સુપડા સાફ થયું ત્યારે આવ્યો..! યાદ રાખ, તારા જીવનના કાયમના સુખ દુખના સાથી અમારા જેવા મમરા જ છે..!
તારા કપાળમાં કાંડા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.