સુરત : તારાપુરથી 200 કિલોમીટર દૂર સુરત (Surat) સુધી સ્પોર્ટસ બાઈક (Sports Bike) ઉપર આવી વહેલી સવારે તથા રાત્રે વોકમાં નિકળતા માણસોને ટાર્ગેટ કરી ચેઈન સ્નેચિંગના ગુનાઓને અંજામ આપતી ગેંગને (Gang) ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી હતી. રીઢા આરોપીઓ પાસેથી સોનાની ચેઈનો સાથે કુલ 6.26 લાખનો મુદામાલ કબજે લેવાયો હતો. 200 કિમી દૂરથી આવીને આ રીતે ચેઇન સ્નેચિંગ કરવાની ઓપરેન્ડીથી પોલીસ (Police) પણ ચોંકી ગઇ છે.
શહેરના અલગ અલગ પોશ વિસ્તારોમાં લાંબા સમયથી ચેઈન સ્નેચિંગ કરતી ગેંગ સક્રિય થઈ હતી. ક્રાઈમ બ્રાંચની ટીમ આ સ્નેચરોને પકડવા માટે કામે લાગી હતી. ક્રાઈમ બ્રાંચની ચેઈન સ્નેચિંગ સ્કોડના પીએસઆઈ વી.એ.ડોડિયા અને તેમની ટીમના માણસો શહેર વિસ્તારમાં બનેલા ગુન્હાઓની વીઝીટ કરી તથા અગાઉ ચેઈન સ્નેચિંગના ગુન્હાઓમાં પકડાયેલા આરોપીઓની માહિતી મેળવી હતી. દરમિયાન ડિસીબીને ટીમને અડાજણ ગૌરવપથ રોડ બાગબાન સર્કલ પાસેથી સ્નેચિંગ કરતી ગેંગ પસાર થઈ રહી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે અશોક ઉર્ફે નિકુંજ ઉર્ફે નિકલો ઉર્ફે મીતેશ રામજીભાઈ બેલદાર (ઓડ) (ઉ.વ.26, રહે. જીચકાગામ, તા.તારાપુર જી.આણંદ), મહાવીરસિંહ નટુભાઈ મુળુભાઈ ચૌહાણ (ગરાસીયા) (ઉ.વ.21, રહે. હીયારીગામ તા.તારાપુર જી. આણંદ) ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 5.76 લાખની કિમતની સોનાની 6 ચેઈનો તથા સ્નેચિંગ કરવા માટે વાપરતા સ્પોર્ટ બાઈક મળી કુલ 6.26 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. આરોપી વર્ષ 2020 માં પણ સ્નેચિંગના કેસમાં પોલીસમાં પકડાતા એકાદ વર્ષ સુધી જેલમાં હતો. જેલમાંથી છુટ્યા બાદ પોતાના વતન તારાપુર ગયો હતો. અને બાદમાં તારાપુરથી સુરત સુધી સ્પોર્ટસ બાઈક ઉપર 200 કીમી જેટલુ અંતર કાપી આવતો હતો. વહેલી સવારે તથા રાત્રે વોકમાં નિકળતા માણસોને ટાર્ગેટ કરતો હતો. જેમના ગળામાં જાડી સોનાની ચેઈન દેખાય તેમને ટાર્ગેટ કરીને ચેઈન સ્નેચિંગને અંજામ આપતો હતો. સ્નેચિંગ કરીને પરત તારાપુર ભાગી જતા હતા. આરોપી પકડાતા હાલ અડાજણમાં 3, ઉમરા પોલીસમાં 3 અને ખટોદરા પોલીસમાં 2 મળી કુલ 8 ચેઈન સ્નેચિંગના ભેદ ઉકેલાયા હતા.
રાજ્યના અલગ અલગ જિલ્લામાં ચેઈન સ્નેચિંગ કરતા
આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી અશોક ઉર્ફે નિકુંજ વર્ષ 2005 થી 2015 સુધી સુરત શહેરમાં રહેતો હતો. દરમ્યાન તે ચેઈન અને મોબાઈલ સ્નેચિંગના ગુન્હામાં પકડાયો હતો. બાદમાં પોતાના વતનમાં રહેવા જતો રહ્યો હતો. અને ત્યારબાદ બીજા આરોપી મહાવીરસિંહ ચૌહાણ સાથે મળી ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં ચેઈન સ્નેચિંગના ગુનાઓ આચરતા હતા.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
આરોપી અશોક ઉર્ફે નિકુંજ ઉર્ફે નિકલો ઉર્ફે મીતેશ બેલદારની સામે ઉમરા પોલીસમાં વર્ષ 2014 માં સ્નેચિંગની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ રાંદેર, અડાજણ, પાલનપુર વેસ્ટમાં 4 ગુના, ડીસા સાઉથ, ડીસા નોર્થ, ખંભાત સીટી, ઉંઝા પોલીસમાં પણ સ્નેચિંગની ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે આરોપી મહાવીરસિંહ ચૌહણની સામે ખંભાત, ઉંઝા, તારાપુર, ગાંધીનગર ઇન્ફોસીટીમાં ભંગાર ચોરી, મારામારી સહિતની ફરિયાદો નોંધાઈ હતી.
ક્રાઈમ બ્રાંચે એક મહિનામાં 21 સ્નેચિંગના ગુના ઉકેલ્યા
ક્રાઈમ બ્રાંચના ચેઈન સ્નેચિંગ સ્કોડ દ્વારા ચાલુ ઓગષ્ટ માસમાં સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના ચેઈન સ્નેચિંગના વણશોધાયેલા 21 ગુનાનો ભેદ ઉકેલી કઢાયો હતો. અને 13.03 લાખની સોનાની કુલ 19 ચેઈનો રિકવર કરાઈ હતી. તથા ગુન્હા આચરવામાં ઉપયોગમાં લીધેલી બે મોટર સાયકલ મળી કુલ ૧૫,૦૩,૨૪૮ નો મુદ્દામાલ કબ્જે કરી 3 આરોપીઓને પકડી પાડ્યા હતા.