Sports

ઇતિહાસ રચનાર મેરેથોન દોડવીર કેલ્વિન કિપ્ટમનું કેન્યામાં કાર અકસ્માતમાં મોત

નૈરોબી: (Nairobi) પેરિસ ઓલિમ્પિક્સમાં ગોલ્ડના (Gold) પ્રબળ દાવેદાર અને વર્લ્ડ રેકોર્ડ (World Record) હોલ્ડર કેન્યાના મેરેથોન દોડવીર કેલ્વિન કિપ્ટમનું પશ્ચિમ કેન્યામાં એક કાર અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. 24 વર્ષીય એથ્લેટ અને તેના કોચ, રવાન્ડાના ગેરવાઈસ હકીઝિમાના રવિવારે રાત્રે કપાટાગાટાથી એલ્ડોરેટ તરફ મુસાફરી કરતા હતા ત્યારે તેમની કાર પલટી ખાઇ જતાં બંનેના મૃત્યુ થયા હતા.

  • ઇતિહાસ રચનાર મેરેથોન દોડવીર કેલ્વિન કિપ્ટમનું કેન્યામાં કાર અકસ્માતમાં મોત
  • કેલ્વિન અને તેના કોચ ગેરવાઇસ હકીઝિમાના કપાટાગાટાથી આવી રહ્યા હતા ત્યારે કાર ઝાડ સાથે અથડાઇને ખાઇમાં ખાબકી
  • કેલ્વિન અને તેના કોચનું ઘટનાસ્થળે જ મોત થયું, કારમાં સવાર અન્ય મહિલા મુસાફરને ગંભીર હાલમાં હોસ્પિટલ લઇ જવાઇ

કેલ્વિન જ રવિવારે મોડી રાત્રે કારને ડ્રાઇવ કરી રહ્યો હતો અને તે રોડ પરથી નીચે સરકીને એક ઝાડ સાથે ભટકાયા પછી ખાઇમાં ખાબકી હતી. કારમાં ત્રણ લોકો સવાર હતા, જેમાંથી કેલ્વિન અને તેના કોચ બેના મોત થયા હતા અને મહિલા મુસાફરને ગંભીર ઈજા થઈ હતી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. પોલીસ કમાન્ડર પીટર મુલિન્ગેએ પુષ્ટિ કરી હતી કે અકસ્માત એલ્ગેયો મારકવેટ કાઉન્ટીમાં થયો હતો.

એથ્લેટ્સ તેમજ કિપ્ટમના પિતા સહિત પરિવારના સભ્યો હોસ્પિટલના શબઘરમાં ભેગા થયા હતા જ્યાં કિપ્ટમ અને તેના કોચના મૃતદેહ મૂકાયા હતા. એથ્લેટ્સમાંથી એક, માજી મહિલા સ્ટીપલચેઝ વર્લ્ડ ચેમ્પિયન મિલ્કાહ કેમોસ આંખમા અશ્રુઓ સાથે ભગ્ન હૃદયે કહ્યું હતું કે કેલ્વિનની ખોટ સમજાવવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. કિપ્ટમના મિત્ર કેનેથ કિમાયોએ જણાવ્યું હતું કે તે ઘટના બન્યા પછી તરત જ તે ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કિપ્ટમને કારમાંથી બહાર કાઢી લેવાયો હતો.

વર્લ્ડ એથ્લેટિક્સના પ્રમુખ સેબેસ્ટિયન કોએ કેલ્વિન અને કોચ ગેરવાઇસના નિધન અંગે દિલસોજી પાઠવી
વર્લ્ડ એથ્લેટિક્સના પ્રમુખ સેબેસ્ટિયન કોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેલ્વિન કિપ્ટમ અને તેના કોચ ગેરવાઈસ હકીઝિમાનાના નિધન વિશે જાણીને અમે આઘાત અને દુઃખી છીએ. કોએ એક્સ પરની પોસ્ટમાં લખ્યું હતું કે તમામ વિશ્વ એથ્લેટિક્સ વતી અમે તેમના પરિવારો, મિત્રો, સાથી ખેલાડીઓ અને કેન્યાના રાષ્ટ્ર પ્રત્યે અમારી ઊંડી સંવેદના મોકલીએ છીએ. આ અઠવાડિયાની શરૂઆતમાં જ શિકાગોમાં, જ્યાં કેલ્વિને તેનો અસાધારણ મેરેથોન વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, હું તેના ઐતિહાસિક સમયને સત્તાવાર રીતે બહાલી આપવા સક્ષમ હતો. એક અતુલ્ય એથ્લેટ અકલ્પનીય વારસો છોડીને જાય છે, અમે તેને ખૂબ જ યાદ કરીશું.

કેલ્વિન કિપ્ટમે શિકાગોમાં એલિયુડ કિપચોગેનો રેકોર્ડ તોડીને મેરેથોન વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરી હતી
કિપ્ટમે એલિયુડ કિપચોગેના અગાઉના રેકોર્ડને પાછળ છોડી દઇને શિકાગોમાં 2:00:35નો નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપીને મેરેથોન વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. વર્લ્ડ રેકોર્ડ બ્રેકિંગ સમયે, કિપ્ટમ માત્ર 23 વર્ષનો હતો અને તેણે માત્ર ત્રણ મેરેથોનમાં ભાગ લીધો હતો. તેણે 2022માં વેલેન્સિયામાં તેની પ્રથમ રેસ પણ જીતી અને તે પછીના વર્ષે લંડનમાં બીજી અદભૂત જીત મેળવી. કિપ્ટમે 14 એપ્રિલના રોજ રોટરડેમમાં બે કલાકની અંદર સત્તાવાર મેરેથોન પૂર્ણ કરવાનો પ્રયાસ કરીને ઈતિહાસ રચવાની યોજના બનાવી હતી. તેના અસાધારણ પ્રદર્શને તેને પેરિસ 2024 સમર ઓલિમ્પિક્સ માટે દાવેદાર બનાવ્યો હતો.

Most Popular

To Top