મેલબોર્ન : ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન રિકી પોન્ટીંગનું માનવું છે કે હારિસ રઉફની બોલ પર સ્ટ્રેટ ડ્રાઈવ પર વિરાટ કોહલીએ (Virat Kohli) ફટકારેલો છગ્ગો ટી-20 વર્લ્ડકપ ઈતિહાસના શ્રેષ્ઠ શોટમાંથી (Shot) એક હતો. ખુબ જ પ્રેશરવાળી સ્થિતિમાં ફટકારેલી આ સુપર સિક્સ પછી વિરાટે ફાઇનલેગ પર ફ્લિક વડે વધુ એક સિક્સ ફટકારતાં અંતિમ ઓવરમાં ભારતે 16 રન કરવાના આવ્યા હતા.
તેણે પાકિસ્તાન સામેની પ્રથમ મેચની 19મી ઓવરમાં બે છગ્ગા ફટકારીને જીતનો માર્ગ મોકળો કર્યો હતો. કોહલીએ અણનમ 82 રન બનાવતા ભારતે રોમાંચક મુકાબલામાં શાનદાર જીત નોંધાવી હતી. ટી-20 વર્લ્ડકપની વેબસાઈટ પર પોન્ટીંગે જણાવ્યું હતું કે, આ ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ ચર્ચિત શોટ્સમાંથી એક બની રહેશે.
તેણે કહ્યું હતું કે કોહલી જાણતો હતો કે છેલ્લી ઓવર સ્પીનર ફેંકવા આવશે. આનાથી સાબિત થાય છે કે 19મી ઓવરના છેલ્લા બે બોલ કેટલા મહત્વપૂર્ણ હતા. તેણે મજાકમાં કહ્યું કે કોહલીએ તેની કારકિર્દીમાં જે કર્યું છે તે મેં ક્યારેય અજમાવ્યું નથી. તેણે કહ્યું હતું કે મારો કહેવાનો મતલબ એ છે કે તે બેક ફૂટ પર નહોતો. તેણે તે શોટ તેના શાનદાર ફૂટવર્કથી રમ્યો હતો. પોન્ટિંગનું માનવું છે કે બોલના બાઉન્સને પારખીને તેણે તે શોટ રમ્યો. તે એટલો ફિટ છે કે તે આ શોટ રમી શકે છે.
ટી-20 વર્લ્ડકપ 2022માં રન મામલે વિરાટ અને વિકેટ મામલે હસરંગા સૌથી આગળ
એડિલેડ : ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલા ટી-20 વર્લ્ડકપમાં હવે સેમી ફાઇનલ અને ફાઇનલ મેચો બાકી રહી છે, ત્યારે સુપર-12 તબક્કો પુરો થતાં સુધીમાં આ ટી-20 વર્લ્ડકપમાં સર્વાધિક રન કરવા મામલે ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી મોખરાના સ્થાને રહ્યો છે, જ્યારે સર્વાધિક વિકેટ લેવા મામલે શ્રીલંકન ઓલરાઉન્ડર વનિન્દુ હસરંગા પહેલા સ્થાને છે. જો કે હસરંગા સહિતના કેટલાક બોલરોએ ગ્રુપ સ્ટેજની મેચ રમી હોવાથી તેમની વિકેટનો આંક વધુ છે.
વિરાટે સુપર-12ની પાંચ મેચમાં ત્રણ અર્ધસદીની મદદથી 246 રન કર્યા છે. જ્યારે બીજા ક્રમે નેધરલેન્ડને મેક્સ ઓદાઉદ છે, જેણે 8 મેચમાં બે અર્ધસદી સાથે 242 રન કર્યા છે. ત્રીજા સ્થાને ભારતનો સૂર્યકુમાર છે જેણે પાંચ મેચમાં ત્રણ અર્ધસદી સાથે 225 રન કર્યા છે. બોલિંગમાં હસરંગાએ 8 મેચમાં 15 વિકેટ ઉપાડી છે. બોલર્સની યાદીમાં સર્વાઘિક વિકેટ ઉપાડનારા મોટાભાગના ગ્રુપ સ્ટેજની મેચ રમી હોવાથી તેમની વિકેટ વધુ છે. જ્યારે દક્ષિણ આફ્રિકાનો એનરિક નોર્કિયા 5 મેચમાં 11, ઇંગ્લેન્ડનો સેમ કરન 4 મેચમાં 10 અને ભારતનો અર્શદીપ સિંહ તેમજ પાકિસ્તાનનો શાદાબ ખાન 5 મેચમાં 10-10 વિકેટ ઉપાડી ચૂક્યા છે.