નવી દિલ્હી: ભારતમાં (India) હોકીની રમતોની દેખરેખ કરતી વહીવટદારોની કમિટી (સીઓએ) દ્વારા બુધવારે સુધારેલા બંધારણનો પ્રથમ મુસદો ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન (એફઆઇએચ)ને સોંપ્યા પછી કહ્યું હતું કે હોકી ઇન્ડિયાની ચૂંટણી (Election) પ્રક્રિયા 9 ઓક્ટોબર સુધીમાં સંપન્ન કરી દેવાશે. એક સંયુક્ત નિવેદનમાં એફઆઇએચ અને સીઓએએ કહ્યું હતું કે બંધારણનો અંતિમ મુસદ્દો આગામી 10 દિવસમાં એફઆઇએચના લુસાને સ્થિત હેડક્વાર્ટરમાં પહોંચાડી દેવાશે.
સંયુક્ત નિવેદનમાં કહેવાયું હતું કે દિલ્હી હાઇકોર્ટ દ્વારા નિર્દેશ કરાયા અનુસાર હોકી ઇન્ડિયાના સુધારાયેલા બંધારણનો પ્રથમ મુસદ્દો આજે એફઆઇએચને સબમીટ કરી દેવાયો છે અને આગામી 10 દિવસમાં અંતિમ મુસદ્દો પણ પહોંચાડી દેવાશે. હોકી ઇન્ડિયાની ચૂંટણી પ્રક્રિયા 9મી ઓક્ટોબર 2022 સુધીમાં પુરી કરી દેવાનું સંયુક્તપણે નક્કી થયું છે. કાર્યકારી અધ્યક્ષ સૈફ અહમદ અને સીઇઓ થિયરી વીલના બે સભ્યોના એફઆઇએચના પ્રતિનિધિ મંડળે હોકી ઇન્ડિયાના સંભવિત સસ્પેન્શન સંબંધે દેશના પાટનગરમાં ચર્યા કરી હતી.
2025માં આઇપીએલ સાથે પીએસએલની અથડામણ થશે
નવી દિલ્હી : પાકિસ્તાનમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનને કારણે વ્યસ્ત ડોમેસ્ટિક સિઝનને કારણે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ની વિશ્વની સૌથી મજબૂત ફ્રેન્ચાઇઝી લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) સાથે 2025માં અથડામણ થશે. આઇપીએલની અઢી મહિનાની વિન્ડો માર્ચથી શરૂ થઇને જૂનની શરૂઆત સુધી ચાલશે. પાકિસ્તાને ફેબ્રુઆરી 20225માં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાનું હોવાથી તેઓ પીએસએલની 10મી સિઝનને તેના નિયમિત જાન્યુઆરી-ફેબ્રુઆરીની વિન્ડો પરથી ખસેડીને માર્ચથી મે મહિના સુધી લઇ ગયા છે. આ સાથે જ એવું પહેલીવાર બનશે કે પીએસએલની અથડામણ જગપ્રસિદ્ધ ધનિક લીગ આઇપીએલ સાથે થશે. આ સાથે જ બંને લીગમાં રમતા ઇન્ટરનેશનલ ક્રિકેટર આ બેમાંથી કોને પ્રાથમિકતા આપશે તે જોવાનું રસપ્રદ બની રહેશે.