અમદાવાદ : ઓસ્ટ્રેલિયા (Australia) સામેની ચોથી ટેસ્ટમાં પોતાના ટેસ્ટ ક્રિકેટના (Cricket) સદીના દુકાળનો અંત આણીને 186 રનની ઇનિંગ રમનારા વિરાટ કોહલીએ (Virat Kohli) સોમવારે કહ્યું હતું કે હું હવે એવા સ્થાને નથી કે જ્યાં લોકોને ખોટા સાબિત કરવા માટે મારે આગળ આવવું પડે. કોહલીએ કહ્યું હતું કે તેની પાસે તેના ટીકાકારોને સાબિત કરવા માટે કંઈ નથી પરંતુ 186 રન કર્યા પછી મેદાન પર મારી હાજરી પુરવાર થઇ હોવાનું મેં અનુભવ્યું હતું. કોહલીએ કહ્યું હતું કે હું હવે એવી જગ્યાએ નથી જ્યાં બહાર જઈને કોઈને ખોટું સાબિત કરીશ. હું મેદાન પર શા માટે છું તે મારે સમજાવવાની પણ જરૂર નથી.
વિરાટ કોહલીએ કહ્યું હતું કે એક ખેલાડી તરીકે મારી પાસેથી રખાતી અપેક્ષાઓ મારા માટે વધુ મહત્વની છે. મને લાગે છે કે ટેસ્ટ ક્રિકેટમાં હું છેલ્લા 10 વર્ષથી જે ગતિથી રમી રહ્યો છું તે જ ગતિથી હાલમાં રમી શક્યો નથી. તેથી તે એકમાત્ર વસ્તુ હતી જે હું કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મને લાગ્યું કે હું નાગપુરમાં પ્રથમ દાવથી સારી બેટિંગ કરી રહ્યો છું, પરંતુ અમે ટીમ માટે બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. ભૂતકાળમાં મેં જે ક્ષમતા સાથે બેટિંગ કરી છે. તે દૃષ્ટિકોણથી હું નિરાશ હતો, પરંતુ મને વિશ્વાસ હતો કે હું સારું રમી રહ્યો છું અને જો મને સારી વિકેટ પર તક મળશે તો હું સારું પ્રદર્શન કરી શકીશ.
વિરાટ કોહલી તમામ ફોર્મેટમાં 10 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર પ્રથમ ખેલાડી
વિરાટ કોહલીએ અમદાવાદમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં 1205 દિવસ બાદ ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારીને ઓસ્ટ્રેલિયા સામે 186 રનની ઇનિંગ રમી હતી. જે તેની ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત ઇનિંગ પણ હતી. કોહલીને આ ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો અને તેની સાથે જ તેના નામે એક અલગ રેકોર્ડ લખાયો હતો. વિરાટ કોહલી ક્રિકેટના દરેક ફોર્મેટમાં 10 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતનાર વિશ્વ ક્રિકેટ ઈતિહાસનો પ્રથમ ખેલાડી બન્યો હતો. અમદાવાદ ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ તેનો ટેસ્ટમાં 10મી વારનો એ એવોર્ડ હતો. ટેસ્ટ ઉપરાંત, વિરાટ કોહલીએ વન ડે ક્રિકેટમાં 38 વખત જ્યારે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15 વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.