નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ 18 એપ્રિલથી (April) શરૂ થઇ રહેલી મહિલા સીનિયર ટી-20 ટ્રોફીની નોકઆઉટ મેચ (Match) સુરતમાં (Surat) યોજવાનો નિર્ણય કર્યો છે અને સાથે જ આ ટૂર્નામેન્ટ (Tournament) દરમિયાન ખેલાડીઓને (Players) અનિવાર્ય એવા ક્વોરેન્ટીનમાંથી છૂટ આપવામાં આવી છે, જો કે અલગ અલગ છ સ્થળે યોજાનારી ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ બાયો બબલમાં (Bio Bubble) રહેવું પડશે.
મહિલા સીનિયર ટી-20 ટ્રોફી ટૂર્નામેન્ટ માટે પાંચ એલિટ પુલમાં 6-6 ટીમ રાખવામાં આવી છે, જ્યારે પ્લેટ ગ્રુપમાં 7 ટીમો હશે. આ ટી-20 ટ્રોફીની મેચ પોંડીચેરી, ત્રિવેન્દ્રમ, રાજકોટ, મોહાલી, રાંચી અને ગુવાહાટીમાં રમાશે, જ્યારે નોકઆઉટ સ્ટેજની મેચો સુરતમાં રમાશે. બીસીસીઆઇના લેટરમાં જણાવાયું છે કે દરેક સ્થળે બે મેદાન પર દરરોજ ત્રણ મેચની યજમાની કરાશે. સવારે બે મેચ સાડા આઠ વાગ્યાથી શરૂ થઇ જશે અને સાંજની મેચ ફ્લડલાઇટ્સમાં રમાશે જે સાંજે સાડા ચાર વાગ્યાથી શરૂ થશે.
રાજ્ય એસોસિએશનને મોકલાયેલા પત્રમાં બીસીસીઆઇની સંચાલન ટીમે લખ્યું છે કે કોઇ અનિવાર્ય ક્વોરેન્ટીન નહીં હોય પણ બાયો બબલ જાળવી રખાશે. તમામ ટીમોના ખેલાડીઓએ પોતાના સંબંધિત સ્થળે આરટી-પીસીઆર નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ સાથે આવવાનું રહેશે. ન્યૂઝીલેન્ડમાં મહિલા વન ડે વર્લ્ડકપમાં ભારતીય ટીમનો હિસ્સો રહેલી મોટાભાગની ખેલાડીઓ આ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં ભાગ લે તેવી આશા છે.
બે વર્ષમાં પહેલીવાર બીસીસીઆઇની કોઇ સીનિયર ટૂર્નામેન્ટમાં ફરજિયાત ક્વોરેન્ટીન નહીં હોય
મહિલા સીનિયર ટી-20 ટ્રોફીમાંથી અનિવાર્ય ક્વોરેન્ટીન હટાવી દેવાતા છેલ્લા બે વર્ષમાં પહેલીવાર એવું બનશે કે જ્યારે બીસીસીઆઇની કોઇ સીનિયર લેવલની ટૂર્નામેન્ટમાં ખેલાડીઓ માટે કોઇ ફરજીયાત ક્વોરેન્ટીન નહીં હોય. કોરોનાના કેસ ઘટતા બીસીસીઆઇએ ક્વોરેન્ટીનની જરૂરિયાતનો અંત આણવાનો નિર્ણય કર્યો છે.
મહિલા સીનિયર ટી-20 ટ્રોફી માટે બીસીસીઆઇના નવા પ્રોટોકોલ
બીસીસીઆઇના એક અધિકારીએ મહિલા સીનિયર ટી-20 ટ્રોફી માટેના નવા પ્રોટોકોલ જણાવતા કહ્યું હતું કે હોટલના રૂમમાં ફરજિયાત ક્વોરેન્ટીનમાંથી છૂટ અપાઇ છે પણ ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓના ટેસ્ટ કરવામાં આવશે. તેમણે 15 એપ્રેલિ પહોંચી જવાનું રહેશે અને 18 તારીખે પ્રારંભિક મેચ પહેલા પ્રેક્ટિસ કરવાની છે. તેમણે કહ્યું હતું કે અમે ખર્ચાને અંકુશમાં લેવા માટે ક્વોરેન્ટીનના નિયમોમાં છૂટ આપી છે.