પુણે : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આજે અહીં રમાયેલી 23મી મેચમાં (Match) શિખર ધવન અને કેપ્ટન મયંક અગ્રવાલની અર્ધસદી તેમજ અંતિમ ઓવરોમાં જીતેશ શર્માની 15 બોલમાં 30 રનની ટૂંકી પણ આક્રમક ઇનિંગની (Enning) મદદથી પંજાબ કિંગ્સે મુકેલા 199 રનના લક્ષ્યાંક સામે મુંબઇ ઇન્ડિયન્સ 20 ઓવરમાં 9 વિકેટે 186 રન બનાવીને લક્ષ્યાંકથી 13 રન છેટું રહેતા સતત પાંચમી મેચ હાર્યું હતું.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી હતી અને બોર્ડ પર માત્ર 32 રન હતા ત્યારે તેમણે બંને ઓપનર રોહિત શર્મા અને ઇશાન કિશનની વિકેટ ગુમાવી હતી. અહીંથી ડેવાલ્ડ બ્રેવિસ અને તિલક વર્માએ જોરદાર બેટીંગ કરીને 10થી વધુની એવરેજથી રન બનાવીને સ્કોર 100 પાર પહોંચાડ્યો હતો. બંને વચ્ચે ત્રીજી વિકેટની 84 રનની ભાગીદારી કરી હતી. બ્રેવિસ 25 બોલમાં 5 છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે 49 રન કરીને આઉટ થયો હતો અને તે પછી તિલક પણ 20 બોલમાં 36 રન કરીને આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 4 વિકેટે 131 થયો હતો. કિરોન પોલાર્ડ 10 રન કરીને રનઆઉટ થયો ત્યારે ટીમને જીતવા માટે હજુ 47 રનની જરૂર હતી. સૂર્યકુમાર યાદવ 19મી ઓવરના ચોથા બોલે 43 રન કરીને આઉટ થયો ત્યારે જીતવા માટે હજુ 22 રનની જરૂર હતી અને તે પછી અંતિમ ઓવરમાં મુંબઇએ ઉપરાછાપરી ત્રણ વિકેટ ગુમાવતા તેઓ 12 રને મેચ હાર્યા હતા.
મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને ફિલ્ડીં કરવાનો નિર્ણય કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલી પંજાબ કિંગ્સને શિખર ધવન અને મયંક અગ્રવાલે 97 રનની ભાગીદારી કરીને આક્રમક શરૂઆત અપાવી હતી. મયંક અગ્રવાલ 32 બોલમાં 52 રન કરીને આઉટ થયો હતો. તે પછી જોની બેયરસ્ટો અને લિયામ લિવિંગસ્ટોનની વિકેટ ઝડપથી પડતાં પંજાબનો સ્કોર 3 વિકેટે 130 રન થયો હતો. સ્કોર 151 પર પહોંચ્યો ત્યારે ધવન પણ 50 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 70 રન કરીને આઉટ થયો હતો. તે પછી જીતેશ શર્મા અને શાહરૂખ ખાને અંતિમ ત્રણ ઓવરમાં 47 રન ઉમેરીને સ્કોર 198 સુધી પહોંચાડ્યો હતો. જીતેશ 15 બોલમાં 30 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. શાહરૂખ 6 બોલમાં 15 રન કરીને આઉટ થયો હતો.