Sports

કેકેઆરને હરાવી સનરાઇઝર્સની જીતની હેટ્રિક

મુંબઇ : આઇપીએલની (IPL) અહીં રમાયેલી 25મી મેચમાં (Match) સનરાઇઝર્સ હૈદરાબાદના બોલરોએ આપેલા શરૂઆતના ઝાટકા પછી નીતિશ રાણાની અર્ધસદી ઉપરાંત અંતિમ ઓવરોમાં આન્દ્રે રસેલની 25 બોલમાં 49 રનની આક્રમક નોટઆઉટ ઇનિંગને કારણે કોલકાતા નાઇટ રાઇડર્સે મુકેલા 176 રનના લક્ષ્યાંકને સનરાઇઝર્સ હૈદરાબાદે રાહુલ ત્રિપાઠી અને એડન માર્કરમની આક્રમક અર્ધસદીઓની મદદથી 17.5 ઓવરમાં 3 વિકેટના ભોગે કબજે કરીને મેચ 7 વિકેટે જીતવા સાથે સતત ત્રીજી જીત મેળવી હતી.

લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી સનરાઇઝર્સ માટે યોગ્ય શરૂઆત નહોતી રહી અને બંને ઓપનરની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. જો કે તે પછી રાહુલ ત્રિપાઠી અને એડન માર્કરમે મળીને 94 રનની ભાગીદારી કરીને સ્કોર 133 રન સુધી લઇ ગયા હતા અને આ સ્કોર પર ત્રિપાઠી 37 બોલમાં 6 ચોગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 71 રન કરીને આઉટ થયો હતો. તે પછી બાકીનું કામ માર્કરમે નિકોલસ પૂરન સાથે મળીને પુરૂ કર્યું હતું. માર્કરમ 36 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 68 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી દાવ લેવા ઉતરેલી કેકેઆર માટે પહેલી મેચ રમવા ઉતરેલો ફિન્ચ માત્ર 7 રન કરીને આઉટ થયો અને તે પછી વેંકટેશ અય્યર અને સુનિલ નરેન માત્ર 6-6 રન બનાવીને આઉટ થતાં 31 રનમાં 3 વિકેટ ગુમાવવાના કારણે કેકેઆરની શરૂઆત ખરાબ રહી હતી. શ્રેયસ અય્યર પણ 28 રન કરીને આઉટ થયો હતો અને શેલ્ડન જેકસન 7 રન કરીને આઉટ થયો હતો. જો કે નીતિશ રાણાએ એકતરફથી રન બનાવવાનું ચાલું રાખ્યું હતું. તેણે શ્રેયસ સાથે 39, જેક્સન સાથે 33 અને આન્દ્રે રસેલ સાથે 39 રનની ભાગીદારી કરી હતી. નીતિશ 36 બોલમાં 54 રન કરીને આઉટ થયો હતો. અંતિમ ઓવરોમાં ફરી એકવાર કેકેઆર માટે આન્દ્રે રસેલ ઉપયોગી પુરવાર થયો હતો. તેણે 25 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 49 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી અને તેની આ ઇનિંગે કેકેઆરને 8 વિકેટે 175 રન સુધી પહોંચાડ્યું હતું.

Most Popular

To Top